Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

જિલ્લા પંચાયતમાં અધિકારીઓની ખર્ચની સતામાં કાપ મૂકતા શાસકો : રસ્‍તા, શાળાના ઓરડાની ઘટ પ્રશ્ને કોંગીની તડાપીટ

સામાન્‍ય સભામાં પ્રશ્નોતરી માટેની ૧ કલાક વધી પડી : કારોબારી અધ્‍યક્ષ-વિપક્ષી નેતા વચ્‍ચે શાબ્‍દિક ટપાટપી : આટકોટમાં હોસ્પિટલ નિર્માણ બદલ ભરત બોઘરાને અભિનંદન આપતો ઠરાવ ! : કયાંથી ભણશે ગુજરાત ? રાજકોટ જિલ્લાની ૧૦૧ શાળાઓમાં ૩૬૬ ઓરડાઓની ઘટ : ૧૭પ ઓરડા બનાવવાનું મંજુર થયુ : ટુંક સમયમાં નવા ૭ર શિક્ષકો જિલ્લાને મળશે

આજે રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્‍ય સભા પ્રમુખ ભૂપત બોદરની અધ્‍યક્ષતામાં મળેલ, બાજુમાં ઉપપ્રમુખ સવિતાબેન સામાણી, ડી.ડી.ઓ. દેવ ચૌધરી, ડે. ડી.ડી.ઓ. રાહુલ ગમારા અને બ્રિજેશ કાલરિયા ઉપસ્‍થિત છે. નીચેની તસ્‍વીર સભામાં ઉપસ્‍થિત સભ્‍યોની છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૧૬ :  જિલ્લા પંચાયતની સામાન્‍ય સભા આજે સવારે પ્રમુખ ભૂપત બોદરની અધ્‍યક્ષતામાં મળેલ. જેમાં જિલ્લા વિકાસ અધિકારી અને શાખા અધિકારીઓની ખર્ચની સતામાં કાપ મુકતો ઠરાવ અધ્‍યક્ષ સ્‍થાનેથી રજુ કરી સર્વાનુમતે પસાર કરાયો  હતો. ર૦૧રના સામાન્‍ય સભાના ઠરાવ મુજબ ડી.ડી.ઓ.ને કામ દિઠ મહતમ રૂા. ૧૦ હજાર અને શાખા અધિકારીઓને રૂા. પ હજાર સુધીના ખર્ચની સતા હતી. ર૦ર૧ માં વર્તમાન ભાજપી શાસકોએ તેમના વધારો કરી અનુક્રમે રૂા. ૧ લાખ અને રૂા. પ૦ હજાર કરેલ. તે ઠરાવ રદ કરી આજે મૂળ સ્‍થિતિ પ્રાપ્ત કરતો ઠરાવ કરેલ છે. ડી.ડી.ઓ.એ. હવે રૂા. ૧૦ હજારથી વધુ ખર્ચ માટે અને શાખા અધિકારીઓએ રૂા. પ હજારથી વધુ ખર્ચ માટે સબંધિત સમિતિના અધ્‍યક્ષની મંજુરી લેવી પડશે. ભાજપમાં પ્રવર્તતા અસંતોષને ઓછો કરવા આ પગલુ લેવાયાનું માનવામાં આવે છે.

આટકોટમાં પરવાડિયા હોસ્‍પિટલનું નિર્માણ થયુ તેનાથી રાજકોટ જિલ્લા પંચાયતનું આરોગ્‍ય સેવાલક્ષી કામે ઘટશે તેવો વિશ્વાસ ભાજપના સભ્‍ય પી.જી. કયાડાએ વ્‍યકત કરી તેના માટે હોસ્‍પિટલ ટ્રસ્‍ટના મેનેજીંગ ટ્રસ્‍ટી ભરત બોધરા અને તેના સાથીદારોને અભિનંદન આપતો ઠરાવ કરવા સૂચવેલ. તે મુજબ પ્રમુખ સ્‍થાનેથી આ ઠરાવ પસાર કરાયો હતો. જિલ્લા પંચાયતમાં આ પ્રકારનો ઠરાવ કદાચ પ્રથમ વખત જ થયો છે. ભાજપના વર્તુળો તેનું રસપ્રદ વિશ્‍લેષણ કરી રહ્યા છે.

સામાન્‍ય સભામાં ભાજપના કંચનબેન બગડાએ ૪, કોંગીના મનસુખ સાકરિયાએ ૧૦ અને અર્જુન ખાટરિયાએ ૪ પ્રશ્નો પૂછ્‍યા હતા. શ્રી ખાટરિયાના પ્રશ્નના જવાબમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ ૩૬૬ ઓરડાઓની ઘટ છે જેમાંથી ૧૭પ ઓરડાઓ બનાવવા માટે મંજુરી મળી ગઇ છે. જિલ્લાને ટુંક સમયમાં નવા ૭ર શિક્ષકો મળશે. ઉપરાંત શિક્ષણ વ્‍યવસ્‍થા માટે પ્રવાસી શિક્ષકોની ભરતી કરવામાં આવશે.

શ્રી ખાટરિયાએ શાળાઓના ઓરડાની ઘટ્ટ અંગે આક્રોશ ઠાલવતા ડી.ડી.ઓ. દેવ ચૌધરીએ જણાવેલ કે ઘટ નિવારવા સરકાર કક્ષાએ કામગીરી ચાલે છે. ઓરડાની ઘટના કારણે શિક્ષણ પર કોઇ વિપરિત અસર ન થાય તેવી વ્‍યવસ્‍થા ગોઠવાયેલ છે.

વિપક્ષી નેતાએ પોતે સૂચવેલ ગ્રાન્‍ટના કામો ન થયા અંગે આકરા પ્રશ્નો પૂછતા કારોબારી અધ્‍યક્ષ સહદેવસિંહ જાડેજાએ જણાવેલ કે સભ્‍ય તરીકે જાગવામાં તમે મોડા પડયા છો. તેના જવાબમાં શ્રી ખાટરિયાએ પોતાના મતક્ષેત્ર પ્રત્‍યે રાજકીય કિન્નાખોરી રખાતી હોવાનો આક્રોશ વ્‍યકત કરેલ આ મુદ્દે બન્ને વચ્‍ચે શાબ્‍દિક ટપાટપી થઇ હતી. મનસુખ સાકરિયાને શાળાના ઓરડાની ઘટ, રસ્‍તા અને તળાવના કામોમાં વિલંબ, જંગલ કટીંગમાં દુર્લક્ષ વગેરે બાબતે તીવ્ર અસંતોષ વ્‍યકત કર્યો હતો. સામાન્‍ય સભામાં ૧૮ પ્રશ્નોની ચર્ચા માટે ૧ કલાક ફાળવાયેલ ૪પ મીનીટમાં પ્રશ્નોતરી પૂર્ણ થઇ ગઇ હતી.

(3:44 pm IST)