Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

ખંઢેરી ક્રિકેટ સ્‍ટેડીયમ દોડી જતા કલેકટર - એસપી : તમામ બાબતોનું નિરીક્ષણ

ફાયર સેફટી - પબ્‍લીક ટ્રાફિક - એન્‍ટ્રી - એકઝીટ ગેઇટ - સ્‍ટેડીયમ કેપેસીટી - રોડ તથા સ્‍ટેડીયમની અંદર પોલીસ બંદોબસ્‍ત અંગે ચકાસણી : જીઇબી પાવર સપ્‍લાય અંગે તાકીદ : કોવિડ પ્રોટોકોલ અંગે પણ કહેવાયું : SCAના હિમાંશુ શાહ અને અન્‍યો કલેકટર કચેરીએ આવ્‍યા : SCA દ્વારા હજુ પડધરી મામલતદાર - પ્રાંત કચેરીઓ અને કલેકટર કચેરી સુધી પાસ નથી અપાવા : કર્મચારીઓમાં ઉગ્ર અસંતોષ : કચવાટની લાગણી

ખંઢેરીના મેદાનનું નિરીક્ષણ કરતાં કલેકટર અરૂણ મહેશબાબુ અને એસપી જયપાલસિંહ રાઠોડ

રાજકોટ : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્‍ચે આવતીકાલે સૌરાષ્‍ટ્ર ક્રિકેટ એસોસીએશનના ખંઢેરીના મેદાનમાં ટી-૨૦ મુકાબલો રમાનાર છે જયારે આજે બપોરે કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુ, એસપી જયપાલસિંહ રાઠોડએ સમગ્ર મેદાનનું નિરીક્ષણ કર્યુ હતું અને ખેલાડીઓ તેમજ આવનાર પ્રેક્ષકો માટે શું શું વ્‍યવસ્‍થા છે તે સહિતની જાણકારી મેળવી હતી : આ તકે અન્‍ય પોલીસ અધિકારીઓ તથા સૌરાષ્‍ટ્ર ક્રિકેટ એસોસીએશનના પ્રમુખ જયદેવ શાહ, સેક્રેટરી હિમાંશુ શાહ, અભિષેક તલાટીયા સહિતના ઉપસ્‍થિત રહ્યા હતા. (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા) 

રાજકોટ તા. ૧૬ : આવતીકાલે સૌરાષ્‍ટ્ર ક્રિકેટ એસો.ના ખંઢેરી ક્રિકેટ સ્‍ટેડીયમ ખાતે ભારત - દક્ષિણ આફ્રિકા વચ્‍ચે ૨૦-૨૦ શ્રેણીનો ચોથો રમાશે, મેચ અંગે જબરી ઉત્તેજના છે, SCAને ગઇકાલે જ રૂરલ પ્રાંત શ્રી દેસાઇ દ્વારા પરફોમન્‍સ લાયસન્‍સ અપાઇ ગયું છે.

દરમિયાન આજે ખંઢેરી ક્રિકેટ સ્‍ટેડીયમ ખાતે ડીઝાસ્‍ટર તથા અન્‍ય સુરક્ષા બાબતે કલેકટર શ્રી અરૂણ મહેશબાબુ તથા જિલ્લા પોલીસ વડા સાથે બપોરે ૧૨ વાગ્‍યાથી સ્‍ટેડીયમ ખાતે દોડી ગયાનું જાણવા મળ્‍યું હતું, આ પહેલા SCAના શ્રી હિમાંશુ શાહ તથા અન્‍યો કલેકટરશ્રીને મળવા આજે કચેરીએ દોડી આવ્‍યા હતા.

દરમિયાન કલેકટરે આજે પત્રકારોને જણાવ્‍યું હતું કે, ખંઢેરી સ્‍ટેડીયમમાં ફાયર સેફટી, પાણી, પબ્‍લીક ટ્રાફિક, એન્‍ટ્રી, એકઝીટ, ગેઇટ, સ્‍ટેડીયમની કેપેસીટી, પાર્કિંગ, રોડ ઉપર અને સ્‍ટેડીયમની અંદર પોલીસ બંદોબસ્‍ત સહિતની બાબતો ચકાસી રહ્યા છીએ, નાઇટ મેચ હોય, વીજ તંત્રનો પાવર સપ્‍લાય જળવાય રહે તે અંગે તાકિદ કરાઇ છે, પાર્કિંગ સ્‍ટેન્‍ડની ડીટેઇલ પણ મંગાવાઇ છે, લોકો હાઇવે ઉપર અને સ્‍ટેડીયમની અંદર હેરાન ન થાય તથા મેચ પૂર્ણ થયા બાદ ટ્રાફિકનો પ્રશ્ન ન ઉદ્‌ભવે તે અંગે પણ કાર્યવાહી થઇ રહી છે.

કોરોનાના કેસો વધી રહ્યા છે, આથી SCAના સત્તાવાળાઓને કોવીડ - પ્રોટોકોલ ફોલો કરવા પણ કહેવાયું છે, પાણીની બોટલ - નાસ્‍તો નહિ લઇ જઇ શકાય પરંતુ મોબાઇલ લઇ જવાની મનાઇ નથી.

દરમિયાન આજે બપોરે ૧૨ વાગ્‍યા સુધી કલેકટર તંત્ર - કલેકટરશ્રીને, પડધરી મામલતદાર કચેરી, ડે.કલેકટર કચેરીમાં SCAના સત્તાવાળાઓએ મેચના પાસ ઇશ્‍યુ નહિ કરતા કર્મચારીઓમાં ભારે કચવાટની લાગણી ફેલાઇ છે, ઉગ્ર અસંતોષ પણ આજે કલેકટર કચેરીની પ્રથમ માળની લોબીમાં જોવા મળ્‍યો હતો.

 

ખંઢેરીમાં ક્રિકેટ મેચઃ ખાનગી સિકયુરીટીને એજન્‍સીઓને દર્શકો સાથે કોઈ   મિસમેનેજમેન્‍ટ ન થાય તે જોવા કલેકટરની ચેતવણી

રીહર્સલ યોજાયું: દર્શકો સાથે સરખો વ્‍યવહાર કરવા પોલીસને DSPની સૂચના : કુલ ૪ ગેઈટ ઉપર ફાયર ફાયટર તૈનાત રહેશેઃ ૪૩૦ પોલીસનો બંદોબસ્‍તઃ નિરંજનશાહ- જયદેવ સાથે કલેકટરની બેઠક

રાજકોટ તા. ૧૬ જૂન - ભારત-સાઉથ આફ્રિકાની મેચને અનુલક્ષીને ખંઢેરી ક્રિકેટ સ્‍ટેડિયમ ખાતે બંદોબસ્‍ત અને વિવિધ વ્‍યવસ્‍થાપન સંબંધી કામગીરીની સમીક્ષા અર્થે કલેક્‍ટરશ્રી તેમજ જિલ્લા પોલીસ વડાશ્રી જયપાલસિંહ રાઠોડે મુલાકાત લઇ વિવિધ વ્‍યવસ્‍થાઓ અંગે સૌરાષ્‍ટ્ર ક્રિકેટ એસોસિએશન ના વડા તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

કલેકટરશ્રી અરુણ મહેશ બાબુ એ સ્‍થળ પર ફાયર સેફટી પાવર કનેક્‍ટિવિટી, ર્પાકિંગ, ટ્રાફિક મેનેજમેન્‍ટ એન્‍ટ્રી પોઈન્‍ટ પર  કોવિડ ગાઇડલાઇન સાથે એન્‍ટ્રી વ્‍યવસ્‍થા સહિતની બાબતનો પરામર્શ અધિકારીઓ સાથે કરવામાં આવ્‍યો હતો.

પોલીસ વડાશ્રી જયપાલસિંહ રાઠોરે બંદોબસ્‍તનું રિહર્સલ નિહાળ્‍યું હતું તેમ જ પોલીસ જવાનો સાથે બેઠક કરી ક્રાઉડ મેનેજમેન્‍ટ અને ટ્રાફિક મેનેજમેન્‍ટ ની વ્‍યવસ્‍થા અંગે કરવામાં આવેલી વ્‍યવસ્‍થાની સમીક્ષા કરી હતી.

 આ તકે તેમણે દર્શકોને કોઈ મુશ્‍કેલી ન પડે તે માટે ખાસ સોહાર્દ પૂર્ણ વ્‍યવહાર કરવા પોલીસ જવાનોને સૂચના આપી હતી.

કલેકટરશ્રીએ આ તકે ખાનગી એજન્‍સીઓને પણ કોઈપણ પ્રકારનું મિસ મેનેજમેન્‍ટ ન થાય અને દર્શકોને કોઈ મુશ્‍કેલી ન પડે તે માટે સહકાર આપવા સૂચન કર્યું હતું.

સ્‍ટેડિયમ પર ફાયરસેફ્‌ટી તકેદારી માટે ફાયર ઓફિસર દ્વારા કરવામાં આવેલી વ્‍યવસ્‍થાની પણ માહિતી મેળવી હતી આ તકે ચાર ફાયર અલગ અલગ ગેટ પર તૈનાત રાખવામાં આવશે. જ્‍યારે સ્‍ટેડિયમ પર સુરક્ષા અર્થે ૪૩૦ જવાનો વ્‍યવસ્‍થામાં જોડાયેલા હોવાનું પોલીસ અધિકારીશ્રી દ્વારા જણાવવામાં આવ્‍યું છે

સ્‍ટેડિયમ ખાતે કલેકટરશ્રીને તમામ વ્‍યવસ્‍થાની જાણકારી પૂરી પાડી હતી આ તકે કલેકટર તેમજ પોલીસ અધિક્ષક સાથે પ્રાંત અધિકારીશ્રી વીરેન્‍દ્ર દેસાઈ, ચીફ ફાયર ઓફિસરશ્રી આઈ.વી.ખેર સૌરાષ્‍ટ્ર ક્રિકેટ એસોસિએશન શ્રી નિરંજનભાઈ શાહ, જયદેવ શાહ, કરણભાઈ શાહ તેમજ અન્‍ય અધિકારીઓ જોડાયા હતા.

 

 

ક્રિકેટ મેચ દરમ્‍યાન ખાદ્યચીજ વસ્‍તુના ભાવ કાબુમાં રખાવોઃ ગ્રાહક પંચાયત

રાજકોટ તા. ૧૬: હાલ રાજકોટમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્‍ચે ક્રિકેટ મેચ યોજવાનો છે. જેમાં સુરક્ષાના ભાગરૂપે પાણીની બોટલથી લઇને અનેક ચીજ વસ્‍તુ લઇ જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્‍યો છે. પરંતુ સ્‍ટેડિયમની અંદર આ ખાદ્યચીજ વસ્‍તુનું વેચાણ થતું હોય છે જેમાં પાણીનો બોટલ, કોલ્‍ડ્રીંકની બોટલનો ભાવ MRP કરતા વધુ ભાવ લેવામાં આવતા હોય છે. અને ગ્રાહકો લૂંટાતા હોય છે.

આ લૂંટ અટકાવવા અખિલ ભારતીય ગ્રાહક પંચાયત રાજકોટ મહાનગર દ્વારા ગાંધીનગર તોલમાપ વિભાગ, રાજકોટ કલેકટર કચેરી, રાજકોટ તોલ માપ વિભાગને આવેદન પત્ર આપી માંગણી કરવામાં આવી છે કે ક્રિકેટ મેચ દરમ્‍યાન MRP કરતા વધુ ભાવ લેવાતા અટકાવવામાં આવે.

આ ઉપરાંત ક્રિકેટ મેચ દરમ્‍યાન પાર્કિંગ ચાર્જ પણ ગ્રાહકો પાસેથી વધુ લેવામાં આવે છે. જેના કોઇ માપ દંડ નકકી થયા નથી, તેમ છતાં કેટલાક ઇસમો આ પાર્કિંગ ચાર્જના નામે ઉઘરાણા કરે છે તો તે પણ અટકાવવા અખિલ ભારતીય ગ્રાહક પંચાયત રાજકોટ ટિમ દ્વારા રાજકોટ કલેકટર ને આવેદન પાત્ર આપી માંગણી કરવામાં આવી છ.ે આવીકોઇ બાબત જણાય તો ગ્રાહક પંચાયતને મો. ૯૯૧૩૩ ર૩૩૩૪ અથવા ૯૮ર૪૪ ૪૪૬૦પ ઉપર જાણ કરવા જણાવાયું છે.

(4:25 pm IST)