Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

સવારે ડમી તરીકે મુસ્કાન કુરેશીએ એક પેપર બિન્દાસ્ત લખી કાઢ્યું, બપોરે બીજુ લખવા બેઠી પણ પકડાઇ ગઇ

ધો-૧૧માં સાથે ભણતી શિતલ સાથે પાક્કી મિત્રતા હોઇ શિતલ ધો-૧૨માં ત્રણ વિષયમાં નાપાસ થતાં તેની જગ્યાએ પોતે પરિક્ષા આપવા ગયાની મુસ્કાનની કબુલાતઃ સવારે પ્રિન્સ હાઇસ્કૂલમાં નજરે ન ચડીઃ બપોરે કલ્યાણ હાઇસ્કૂલમાં સુપરવાઇઝરે પકડી લીધી : મુસ્કાન હાલ કોલેજમાં બી. કોમનો અભ્યાસ કરે છેઃ બંને બહેનપણી સામે કલ્યાણ હાઇસ્કૂલના શિક્ષક વિજયભાઇ અકબરીની ફરિયાદ પરથી ગાંધીગ્રામ પોલીસની કાર્યવાહી

રાજકોટ તા. ૬: રૈયા રોડ પર આવેલી હાઇસ્કૂલમાં ધોરણ-૧૨ રિપીટરની પરિક્ષામાં ત્રણ વિષયમાં નાપાસ થયેલી મનહરપ્લોટની છાત્રાની જગ્યાએ રેલનગરમાં રહેતી અને કોલેજમાં ભણતી તેની બહેનપણી વાણીજ્ય વિષયનું પેપર આપવા બેસી જતાં પકડાઇ જતાં બંને સખી સામે ગુનો દાખલ થતાં ગાંધીગ્રામ પોલીસે બંનેને હાજર થવા નોટીસ આપી છે. ગઇકાલે કુલ બે પેપર હતાં. કોલેજીયન યુવતિ સવારે કોમ્પ્યુટર વિષયનું પેપર ડમી તરીકે નિરાંતે આપી આવી હતી. બપોરે બીજુ પેપર આપવા બેસી જતાં પકડાઇ ગઇ હતી. જો ન પકડાઇ હોત ત્રીજુ પેપર પણ આપવાની હતી.

આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે રૈયા રોડની કલ્યાણ હાઇસ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી રતાં વિજયભાઇ વશરામભાઇ અકબરી (ઉ.વ.૪૭)ની ફરિયાદ પરથી રેલનગર શ્રીછત્રપતિ શિવાજી ટાઉનશીપ ડી-૭૦૪માં રહેતી મુસ્કાન ઇફતેખાન કુરેશી (ઉ.વ.૧૯) અને મનહરપ્લોટ-૯ મકાન નં. ૧૦માં રહેતી તેની બહેનપણી શિતલ પ્રવિણભાઇ ગીડ (ઉ.વ.૧૯) સામે આઇપીસી ૪૧૯, ૧૮૮, ૧૧૪ મુજબ ધોરણ-૧૨ની રીપીટરની પરિક્ષા ડમી તરીકે આપી એકબીજાને મદદ કરવાનો ગુનો નોંધ્યો છે.

શિક્ષક વિજયભાઇ અકબરી ૨૦૦૦ની સાલથી કલ્યાણ હાઇસ્કૂલમાં ફરજ બજાવ છે. તેમણે ફરિયાદમાં લખાવ્યું છેક ે ૧૫/૭ના બપોરે અઢીથી સાંજના પોણા છ સુધી કલ્યાણ હાઇસ્કૂલમાં ધો-૧૨ રિપીટરની પરિક્ષા યોજાઇ હોઇ હું તેમાં સ્થળ સંચાલક તરીકે હાજર હતો. બપોરે ચારેક વાગ્યે ખંડ નિરીક્ષક અભીયાનભાઇ ભટ્ટે જાણ કરી હતી કે રૂમ નં. ૬૭માં બેઠક નં. જી-૭૮૯૪૧૧ પર શિતલ પ્રવિણભાઇ ગીડની જગ્યાએ હોલ ટીકીટ ચેક કરતાં તેમાં દર્શાવેલા ફોટો અને આ જગ્યા પર બેઠેલી છાત્રાનો ચહેરો મળતો આવતો નથી.

આથી મેં સુપરવાઇઝર રૂષીભાઇ જોષીને તપાસ કરવા કહેતાં તેણે તપાસ કરતાં શિતલ ગીડની જગ્યાએ બેઠેલી યુવતિએ પોતાનું નામ મુસ્કાન કુરેશી હોવાનું કહ્યું હતું. તેણે શિતલ પોતાની બહેનપણી હોવાનું અને હાલ પોતે એમ. જે કુંડીલીયા કોલેજમાં અભ્યાસ કરતી હોવાનું અને બહેનપણીને બદલે પરિક્ષા આપવા આવ્યાનું કહ્યું હતું. આથી બંને બહેનપણીઓ સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ મુસ્કાન અને શિતલ બંને રાષ્ટ્રીય શાળામાં ધોરણ-૧૧માં સાથે ભણતી હોઇ જેથી બંને પાક્કી બહેનપણી બની ગઇ હતી. પરંતુ ધોરણ-૧૨માં શિતલ ત્રણ વિષયો કોમ્પ્યુટર, વાણિજ્ય અને એકાઉન્ટમાં નાપાસ થઇ હતી. તેણે રિપીટર તરીકે ફોર્મ ભર્યુ હતું. જ્યારે મુસ્કાને એમ. જે. મહિલા કુંડલીયા કોલેજમાં બી.કોમમાં એડમિશન લઇ લીધું હતું. શિતલે પોતાને પાસ કરાવી દેવા કહેતાં સખી તરીકે મુસ્કાને હા પાડી હતી અને ગઇકાલે કોમ્પ્યુટર અને વાણિજ્ય વિષયના બે પેપર હોઇ સવારે મુસ્કાન કાલાવડ રોડ પ્રિન્સ હાઇસ્કૂલમાં એક પેપર ડમી તરીકે આપી હતી. બપોર બાદ કલ્યાણ હાઇસ્કૂલમાં વાણિજ્યનું પેપર આપવા બેઠી હતી ત્યારે પકડાઇ ગઇ હતી. ગાંધીગ્રામ પીઆઇ કે. એ. વાળાની રાહબરીમાં પીએસઆઇ એચ. વી. સોમૈયા, જયસુખભાઇ હુંબલ અને હંસરાજભાઇએ વધુ તપાસ હાથ ધરી છે.

(12:45 pm IST)