Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

ગાંધીગ્રામનો કિંજલ રાજસ્થાનથી કારમાં દારૂ ભરી લાવ્યો, રાજકોટમાં પકડાયો

૪૨ બોટલ સાથે નંબર વગરની કાર કબ્જેઃ ક્રાઇમ બ્રાંચના પુષ્પરાજસિંહ અને ધર્મેન્દ્રસિંહની બાતમી પરથી કુવાડવા રોડ તરઘડીયાના પાટીયેથી પકડી લેવાયો

રાજકોટ તા.૧૬: ગાંધીગ્રામ રામાપીર ચોકડી પાસે શાસ્ત્રીનગર-૪માં ભરવાડના મકાનમાં ભાડેથી રહેતાં અને છુટક કલર કામ કરતાં કિંજલ ભરતભાઇ સોલંકી (કડીયા) (ઉ.વ.૨૯)ને કુવાડવા રોડ તરઘડીયા જવાના પાટીયા પાસેથી નંબર વગરની વોકસવેગન પોલો કારમાં રૂ. ૨૨૭૦૦ના૪૨ બોટલ દારૂ સાથે ક્રાઇમ બ્રાંચે પકડી લીધો છે.

ડીસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે પુષ્પરાજસિંહ જાડેજા અને ધર્મેન્દ્રસિંહ ઝાલાને બાતમી મળી હતી કે અગાઉ દારૂમાં પકડાઇ ગયેલો કિંજલ કુવાડવા તરફથી કારમાં દારૂ ભરીને આવી રહ્યો છે. તેના આધારે વોચ રાખી નંબર વગરની કાર સાથે અટકાવી તલાશી લેતાં ડેકીમાંથી રૂ. ૨૨૭૦૦ની ૪૨ બોટલો પ્લાસ્ટીકની અલગ અલગ થેલીઓમાંથી મળી આવતાં તે તથા કાર કબ્જે કરી કિંજલની ધરપકડ કરી હતી.

તે અગાઉ ગાંધીગ્રામ પોલીસ અને યુનિવર્સિટી પોલીસમાં દારૂના કેસમાં તથા ગાંધીગ્રામ અને એ-ડિવીઝનમાં જૂગારના કેસમાં પકડાયો હતો. કલરકામમાં મંદી હોઇ રાજસ્થાનથી પોતાની કારમાં બોટલો ભરી વેંચવા માટે લાવ્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની સુચના અને પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ એમ. વી. રબારી, એએસઆઇ જયુભા પરમાર, પ્રતાપસિંહ ઝાલા, કોન્સ. પુષ્પરાજસિંહ જાડેજા, ધર્મેન્દ્રસ્િંહ ઝાલા, સોકતભાઇ ખોરમ, એભલભાઇ બરાલીયા સહિતે આ કામગીરી કરી હતી.

(12:44 pm IST)