Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

દિકરાને પતાવી દીધા પછી હવે ભૂલ થઇ ગયાનું પિતાનું રટણઃ લોકઅપમાં રડ્યો

તાલુકા પોલીસે હત્યાનો ગુનો નોંધ્યોઃ બપોર બાદ કોર્ટ હવાલે કરવા તજવીજ

રાજકોટ તા. ૧૬: કાલાવડ રોડ પર   નંદનવન ોસાયટી પાસે ૮૦ ફુટ રોડ સર્વોદય સ્કૂલ સામે ઇવેન્ટા પાર્ટી પ્લોટ નજીક પ્રમુખ એકઝોટીકા બિલ્ડીંગના પાર્કિંગમા સિકયુરીટીની રૂમમાં પત્નિ-પુત્ર સાથે રહેતાં મુળ નેપાળના કૈલાલી જીલ્લાના ટીકાપુર તાબેના સકરપુર ગામના સિધ્ધરાજ દિર્ઘરાજ ભૂલ (ઉ.વ.૩૦) નામના નેપાળી યુવાને પોતાના સગા દિકરા સોૈરભ (ઉ.વ.૯)નેવેલણથી આડેધડ માર મારી દિવાલમાં માથુ ભટકાડી મોતને ઘાટ ઉતારી દેતાં તાલુકા પોલીસે હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. પોલીસ મથકે પહોંચ્યા પછી સિધ્ધરાજે પોતાની ભૂલ થઇ ગયાનુું ગાણુ ગાઇ લોકઅપમાં પીલુડાં પાડ્યા હતાં.

સિધ્ધરાજે પુત્રને બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલે ખસેડ્યો હતો. ત્યારે પ્રથમ તો પુત્ર રમતો રમતો પડી ગયાનું કહ્યું હતું. પણ પોલીસે શરીર પરની ઇજાઓ જોતાં જ શંકા ઉપજતાં તેની વિસ્તૃત પુછતાછ કરતાં પોતે જ તેને ફટકાર્યો હોવાનું કબુલ્યું હતું. ફોરેન્સિક પોસ્ટ મોર્ટમમાં રિપોર્ટ મારની ઇજાથી થયાનો આવતાં પોલીસે સિધ્ધરાજ સામે તેની પત્નિ બિનીતા (ઉ.વ.૨૫)ની ફરિયાદ પરથી આઇપીસી ૩૦૨, ૩૨૩, ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધી સિધ્ધરાજની ધરપકડ કરી છે.

પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ સિધ્ધરાજના પ્રથમ પત્નિ સાથે છુટાછેડા થયા હતાં અને સોૈરભ તેનો પ્રથમ પત્નિ થકી જન્મેલો પુત્ર હતો. તેણે બિનીતા સાથે દસેક મહિના પહેલા જ ફેસબૂક મારફત પરિચય થયા બાદ બીજા લગ્ન કર્યા હતાં. બિનીતાના પણ આ બીજા લગ્ન છે. દિકરો સોૈરભ ખુબ જ જિદ્દી સ્વભાવનો હોઇ અને જમવા બેસતો ન હોય તેમજ પોતાનું કહ્યું માનતો ન હોઇ જેથી ગુસ્સો આવતાં તેને વેલણથી ફટકારી માથુ દિવાલમાં ભટકાડ્યાનું સિધ્ધરાજે કબુલ્યું છે. પીઆઇ જે. વી. ધોળા, પીએસઆઇ એન. ડી. ડામોર, એએસઆઇ ભરતભાઇ વનાણી સહિતની ટીમે સિધ્ધરાજની ધરપકડ કરી હતી. બપોર બાદ તેને કોર્ટ હવાલે કરવા તજવીજ થશે.

સિધ્ધરાજે પોલીસ સ્ટેશનમાં લોકઅપમાં પોક મુકી હતી અને પોતાનાથી ભૂલ થઇ ગયાના રાગડા તાણ્યા હતાં.

(12:44 pm IST)