Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

પડધરીના મોટા રામપર ગામે માધવજીભાઇ પટેલની હત્યાનો પ્રયાસ : રાજકોટ ખસેડાયા

દારૂનો જથ્થો ઉતારવાની ના પાડતા ભાણેજ સહિત પ પાઇપથી તુટી પડયા : રાજકોટ સ્થિત જયદીપ ભીમાણી તથા બે મહિલા સહિત પાંચ સામે પડધરી પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા.૧૭: પડધરીના મોટા રામપર ગામે પટેલ વૃધ્ધે ઘરમાં દારૂનો જથ્થો ઉતારવાની ના પાડતા રાજકોટ સ્થિત ભાણેજ અને બે મહિલા સહિત પાંચએ પાઇપથી ખુની હુમલો કરતા પટેલ વૃધ્ધને ગંભીર હાલતમાં રાજકોટ હોસ્પીટલમાં ખસેડાયા છે.

મળતી વિગતો મુજબ પડધરીના મોટા રામપર ગામે રહેતા માધવજીભાઇ પટેલ (ઉ.વ.૭ર) ઉપર તેના ભાણેજ જયદીપ હરસુખભાઇ ભીમાણી, અરૂણાબેન હરસુખભાઇ ભીમાણી, જયદીપની સ્ત્રીમિત્ર ખુશી તથા બે અજાણ્યા શખ્સો ે રે. જીવંતીકાનગર ખોડીયાર પાનની સામે, ગઇકાલે બપોરે રીક્ષામાં ધસી આવી લોખંડના પાઇપથી હુમલો કરતા માધવજીભાઇને પગ તથા વાસામાં ગંભીર ઇજા થતા સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયો છે. આ હુમલામાં પિતા માધવજીભાઇને બચાવવા ગયેલ પુત્રી પ્રજ્ઞાબેનને પણ ઉકત પાંચેય શખ્સોએ માર માર્યો હતો.

આરોપી જયદીપે મોટા રામપરગામે રહેતા તેના નાના માધવજીભાઇને તેના ઘરમાં દારૂનો જથ્થો ઉતારવાનું કહેતા માધવજીભાઇએ ના પાડતા તેને ખાર રાખી જયદીપ તથા અન્યોએ ઉશ્કેરાઇ જઇ ખુની હુમલો કર્યો હતો. આ અંગે પ્રજ્ઞાબેને ઉકત પાંચેય શખ્સો સામે ફરિયાદ કરતા પડધરી પોલીસે હત્યાની કોશિષ સહિતની  કલમો તળે ગુન્હો દાખલ કર્યો હતો. વધુ તપાસ પીએસઆઇ એ.એ.ખાધર તથા રાઇટર યુવરાજસિંહ ચલાવી રહયા છે.

(12:47 pm IST)