Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

બેંક ઓફ બરોડા પાલીતાણાના લોન કેસમાં આરોપીને એક માસની સિવિલ જેલનો હુકમ

રાજકોટ,તા. ૧૬ : બેંક ઓફ બરૌડા પાલીતાણા શાખામાંથી લીધેલ લોન ભરપાઇ ન કરતા આસામીને સાદી જેલનો હુકમ પાલીતાણા કોર્ટ ફરમાવીને સિવિલ જેલમાં બેસાડવાનો હુકમ કર્યો હતો.

પાલીતાણા તાલુકાના જમણવાવ ગામના રહીશ અને માજી સરપંચ બાબુભાઇ અમરાભાઇએ દેનાબેંક હવે બેંક ઓફ બરોડા પાલીતાણા શાખામાંથી પ્રાઇમ મિનિસ્ટર એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ સ્કીમમાં કન્સ્ટ્રકશન એન સેન્ટ્રીંગ્સના કામ માટે ૨૦૧૪માં લોન લીધેલ તેઓએ બેંકની લેણી રકમ ભરપાઇ ન કરતા બેંક દ્વારા તેમના વિરૂધ્ધ પાલીતાણા કોર્ટમાં દાવો દાખલ કરવામાં આવેલ.

આ દાવો કોર્ટમાં ચાલી જતા કોર્ટ દ્વારા બેંકની લેણી રકમ રૂ.૮,૦૩,૧૩૯ (આઠ લાખ ત્રણ હજાર એકસો ઓગણચાલીસ)+ ખર્ચની રકમ ૬% વ્યાજ સાથે ચુકવવાનો હુકમ કરેલ આ હુકમ અનુસંધાને બેંક દ્વારા સદર રકમ વસુલવા દરખાસ્ત નંબર ૧૪/૨૦૧૯થી દાખલ કરેલ. કોર્ટ દ્વારા સામાવાળાને શો-કોઝ નોટીસથી હાજર થવા ફરમાન કરેલ.

સામાવાળા કોર્ટ રૂબરૂ હાજર થતા અને લેણી રકમ ભરપાઇ ન કરતા અરજદાર બેંકની અરજી અને રજુઆતોને ધ્યાનમાં લઇ પાલીતાણા એસ.ડી.કોર્ટના સીનીયર જજ શ્રી એસ.એ.પટેલ દ્વારા સામાવાળાને બેંકની લેણી રકમ ભરપાઇ કરે નહીં ત્યાં સુધી એક માસની સિવિલ જેલમાં બેસાડવાનો હુકમ કરેલ છે. આ કામે બેંક તરફે એડવોકેટ તરીકે શ્રી કે.આર.શુકલ રોકાયેલા.

નામદાર કોર્ટના આ હુકમથી બેંકની લોન લીધેલ બાકી લેણી રકમ ભરપાઇ ન કરતા આસામીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

(2:30 pm IST)