Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

કલેકટરની સુચના બાદ બીજુ ઓપરેશન

માર્કેટયાર્ડ-તરઘડી-પરા પીપળીયા અને દાણાપીઠમાં પુરવઠાના દરોડાઃ ચણા-અડદ-મગ-દાળ અંગે સ્ટોક ચેકીંગ

ભેડા બ્રધર્સ-સુદર્શન ઇન્વેસ્ટમેન્ટ-તાજ ઇમ્પેક્ષમાં સ્ટોક લીમીટ કરતા ૭પ૬ મેટ્રીક ટન જથ્થો વધુ નીકળી પડયો...

રાજકોટ તા. ૧૬: રાજય સરકારે કઠોળ સહિતની તમામ જણસીમાં સ્ટોક મર્યાદા જાહેર કરી દેતા રાજકોટ કલેકટર દ્વારા સતત ચેકીંગ શરૂ કરી દેવાયું છે, કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુએ આજે સતત બીજુ ઓપરેશન હાથ ધર્યું હતું. તેમની સુચના બાદ DSO ના માર્ગદર્શન હેઠળ પુરવઠાના ચીફ સપ્લાય ઇન્સ્પેકટર શ્રી હસમુખ પરસાણીયા, કિરીટસિંહ ઝાલા, મારૂ તથા નીલેશ ધ્રુવની ટીમો આજે જુદી જુદી ૬ જગ્યાએ ત્રાટકી હતી, તેમાંથી ત્રણ સ્થળે સ્ટોક કરતા ૭પ૬ મેટ્રીક ટન જથ્થો નીકળી પડતા તેની નોંધ કરી જે તે દુકાનદાર-પેઢીનું નિવેદન લઇ ૧ મહિનામાં આ જથ્થાનો ખુલ્લા બજારમાં નિકાલ કરવા સ્થળ ઉપર જ આદેશ કરાયો હતો.

પુરવઠાની ટીમો આજે પડધરીના તરઘડીમાં આવેલ ભેડા બ્રધર્સ, એચ. ભેડા બ્રધર્સ, પરાપીપળીયામાં આવેલ રઘુ લીલા એગ્રો પ્રા. પ્રા. લી., દાણાપીઠ-રાજકોટની સુદર્શન ઇન્વેસ્ટમેન્ટ, બેડી માર્કેટ યાર્ડની તાજ ઇમ્પેક્ષ લી., અને સોમનાથ ટ્રેડીંગ કંપનીમાં સ્ટોક મયાૃદા અંગે ચેકીંગ હાથ ધર્યું હતું, જેમાં દેશી ચણા-કાબૂલીચણા-અડદ-તુવેર-મગનો સ્ટોક ચેક કરાયો હતો.

પુરવઠાની આ તપાસણીમાં તરઘડીના ભેડા બ્રધર્સમાં સ્ટોક લીમીટેડ કરતા ચણા ૩૬૧ મેટ્રીક ટન વધુ નીકળી પડયા હતા, તો દાણાપીઠની સુદર્શન ઇન્વેસ્ટમેન્ટ સ્ટોક લીમીટ કરતા તુવેર ૧૯પ.૧૪ મેટ્રીક ટન વધુ નીકળી પડી હતી, અને બેડી માર્કેટયાર્ડ આવેલ મે. તાજ ઇમ્પેક્ષ લીમીટેડમાં સ્ટોક લીમીટ કરતા ચણા ર૦૦.૭પ મેટ્રીક ટન વધુ નીકળી પડયા ઉપરોકત ત્રણેય પેઢીને ૧ મહિનામાં ઉપરોકત નીકળી પડેલ વધુ જથ્થાનો નિકાલ કરવા તાકીદ કરાઇ હતી, પુરવઠાના આ દરોડાથી આજે બેડી-દાણાપીઠના જથ્થાબંધ વેપારીઓમાં ભારે ગભરાટ ફેલાયો હતો, દરોડાનો દોર બપોર બાદ પણ ચાલુ રહેશે તેમ સૂત્રોએ ઉમેર્યું હતું.

(3:08 pm IST)