Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

સોમવારે બેંક રાષ્ટ્રીયકરણ દિવસઃ સરકારની ખાનગીકરણની નીતિ સામે યુનિયન લાલઘુમ : કર્મચારી બિલ્લા લગાડી વિરોધ કરશે

જે દિવસે સંસદમાં ખાનગીકરણનો પ્રસ્તાવ આવશે ત્યારે બેંક કામદારો સંઘર્ષ શરૂ કરશે : યુનિયનની માંગણીઃ જાહેર ક્ષેત્રની બેંકને સધ્ધર બનાવોઃ ડુબત લેણા વસુલ કરોઃ થાપણોના વ્યાજદર સુધારો

રાજકોટ તા. ૧૬: ૧૯ જુલાઇ ૧૯૬૯ના દિવસે દેશની ૧૪ બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવેલ. ૧૯૮૦માં બીજી ૬ બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવેલ હતું. ૧૯૯૦ સુધી બેંકમાં ખાનગી બેંકોનું અસ્તિત્વ ન હતું. ૧૯૯૧ માં વૈશ્વીકરણ, ખાનગીકરણ અને ઉદારીકરણની નિતી અમલમાં આવી ત્યારથી ખાનગી બેંકોનો ઉદભવ થયો.

ખાનગી બેંકોનો એક માત્ર ઉદ્દેશ નફો અને નફાનો વધારો. તે દેશના છેવાડાના ગ્રામ્ય વિસ્તારમાં સેવા આપવા જતા નથી. ખાનગી બેંકોની ગ્રામ્ય વિસ્તારમાં શાખાઓ નથી. ભારત સરકારે જે હેતુથી બેંકોનું રાષ્ટ્રીયકરણ કરેલ હતું તે હેતુ પાર પાડવા માટે જાહેર ક્ષેત્રની બેંકોએ મોટી મંઝીલ પાર પાડવાની છે. સીમાંત અને નીમ્ન સ્તરની લોકોના આર્થિક વિકાસ માટે અને સામાજીક ન્યાય અને સમાનતા લાવવા માટે બેંકોએ એક મહત્વની ભૂમિકા ભજવવાની છે.

૧૯૬૯માં ખાનગી બેંકોની ૮,૦૦૦ શાખા હતી અને ગ્રામ્ય વિસ્તારમાં લગભગ ૧,૬૦૦ શાખા હતી. અત્યારે બેંકોની શાખા લગભગ ૧,૪૦,૦૦૦ છે અને ગ્રામ્ય વિસ્તારમાં પપ,૦૦૦ શાખા છે.

સરકાર જાહેર ક્ષેત્રની બેંકોનું ખાનગીકરણ કરવા જઇ રહી છે. ફકત અફવાઓને આધારે શેર બજારના ખેલંદી બેંકોના શેરના ભાવ ઉંચકી પ્રજાને ગુમરાહ કરે છે અને નફો રળે છે.

યુનિયન મુખ્ય માંગણી નીચે મુજબ છે. (૧) જાહેર ક્ષેત્રની બેંકોને સધ્ધર બનાવો. (ર) જાહેર ક્ષેત્રની બેંકોનું ખાનગીકરણ બંધ કરો. (૩) ડુબત લેણાંની વસુલાત કરો. (૪) બેંકોની લોન નહીં ભરનારના નામ જાહેર કરો. (પ) જાણી જોઇને બેંકની લોન નહીં ભરનાર સામે ફોજદારી રાહે પગલાં ભરો. (૬) બેડ બેંક એ બેડ આઇડીયા છે. (૭) થાપણો પર વ્યાજદર વધારો. (૮) બેંકોના સર્વીસ ચાર્જીસ ઘટાડો. (૯) સહકારી બેંકોની પુનઃ રચના કરી પુનરોધ્ધાર કરો. (૧૦) ગ્રામીણ બેંકોને સ્પોન્સર બેંકમાં સમાવી લેવી.

સરકારની આ નિતી સામે એઆઇબીઇએના આદેશથી ગુજરાતના બેંક કર્મચારીઓ તા. ૧૯ જુલાઇના રોજ નીચે મુજબ કાર્યક્રમ યોજશે. તા. ૧૯ જુલાઇના રોજ દરેક કર્મચારી બિલ્લા ધારણ કરી વિરોધ નોંધાવશે, ટવીટર કમ્પેઇન કરશે અને મહામારીને ધ્યાનમાં લઇ દેખાવો પણ યોજશે. સરકારની ખાનગીકરણની નિતીનો ીવરોધ કરવા અન્ય કાર્યક્રમો પણ ભવિષ્યમાં યોજવામાં આવશે. સરકાર તરફથી સંસદમાં બેંકોના ખાનગીકરણનો પ્રસ્તાવ આવશે તો બેંક કર્મચારીઓ ત્વરીત સંઘર્ષના મંડાણ કરશે.

(3:09 pm IST)