Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

માધાપર પાસે બીલી તોડવા જતાં વૃધ્ધાનો ચેઇન ખેંચાયોઃ તિરૂપતીમાં ગઠીયો સરનામુ પુછી વૃધ્ધનો ચેઇન ખેંચી ગયો

ચિલઝડપકારોનો ઉપાડોઃ બે દિવસમાં ત્રણ ઘટના : ગઇકાલે હંસરાજનગરમાં અને આજે રૈયા રોડ, માધાપર ચોકડી પાસે ઘટના : પ્ર.નગર અને ગાંધીગ્રામ પોલીસની હદમાં બનેલી ત્રણેય ઘટનામાં એક જ ચિલઝડપકાર સામેલ કે જુદા-જુદા શખ્સો તે અંગે તપાસ

રાજકોટ તા. ૧૬: શહેરમાં ફરીથી ચિલઝડપકારોએ ઉપાડો લીધો છે. બે દિવસમાં અલગ અલગ વિસ્તારમાં ત્રણ આવી ઘટના બની ચુકી છે. જેના કારણે પોલીસે ચિલઝડપકારને સાણસામાં લેવા દોડધામ આદરી છે. ગઇકાલે હંસરાજનગરમાં બનાવ બન્યા બાદ આજે સવારે માધાપર ચોકડી નજીક તથા રૈયા રોડ તિરૂપતીનગરમાં આવી ઘટના બની છે. ત્રણેયમાં એક જ ચિલઝડપકાર સામેલ છે કે અલગ અલગ? તે અંગે તપાસ શરૂ થઇ છે.

જાણવા મળ્યા મુજબ આજે સવારે માધાપર ચોકડીથી મોરબી રોડ તરફ જતાં શિવરંજની સોસાયટીમાં રહેતાં મધુબેન વાંક (ઉ.વ.૬૨) નામના વૃધ્ધાના ગળામાંથી સવાર તોલાનો ચેઇન ખેંચી એકટીવા ચાલક ભાગી જતાં દેકારો મચી ગયો હતો. વૃધ્ધા ઘરેથી મંદિરે દર્શન કરવા ગયા હતાં અને ત્યાંથી બીલી તોડવા જઇ રહ્યા હતાં ત્યારે ઓચીંતો એકટીવાચાલક આવ્યો હતો અને ચિલઝડપ કરી ભાગી ગયો હતો. દેકારો થતાં લોકો ભેગા થઇ ગયા હતાં. પરંતુ ચિલઝડપકાર હાથમાં આવ્યો નહોતો.

બીજી ઘટના પણ આ બનાવની થોડી મિનીટો પછી રૈયા રોડની તિરૂપતી સોસાયટી શેરી નં. ૨માં બની હતી. લોહાણા પરિવારના વૃધ્ધ ચંદ્રકાંતભાઇ (ઉ.વ.૭૦) પોતાના ઘર નજીક ઝાડમાં ખિસકોલી માટે મકાઇના ડોડા મુકતા હતાં ત્યારે એક શખ્સ પગપાળા આવ્યો હતો અને 'તિરૂપતીનગર શેરી નં. ૨ કયાં આવે?' તેમ પુછતાં ચંદ્રકાંતભાઇ તેને એડ્રેસ સમજાવતાં હતાં ત્યારે અચાનક તેમના ગળા પર ઝોંટ મારી હતી અને આશરે દોઢ તોલાનો ચેઇન ખેંચી ભાગી દોટ મુકી ભાગી ગયો હતો. સોનાનુ ચગદુ તૂટીને નીચે પડી જતાં બચી ગયું હતું.

બંને બનાવની જાણ થતાં ગાંધીગ્રામ પીઆઇ કે. એ. વાળાની રાહબરીમાં પીએસઆઇ જે. જી. રાણા તથા ડી. સ્ટાફની ટીમોએ ફૂટેજ મેળવવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.નોંધનીય છે કે ગઇકાલે જંકશન પ્લોટ વિસ્તારના હંસરાજનગરમાં સંજનાબેન નાણાણી (ઉ.વ.૫૭) વોકીંગ કરવા નીકળ્યા ત્યારે તેમના ગળામાંથી નંબર વગરના એકટીવા પર આવેલો ચાલક સોનાનો ચેઇન ખેંચી ભાગી ગયો હતો. ત્રણેય બનાવમાં ચિલઝડપકારોને શોધી કાઢવા ટીમો કામે લાગી છે.

(3:11 pm IST)