Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

પેટ્રોલ-ડીઝલ-ગેસના ભાવ વધારાથી લોકો પરેશાન : શાસકોને ઢંઢોળવા આમ આદમી પાર્ટીની સાયકલ રેલી

રાજકોટ : પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવમાં દીનપ્રતિદિન વધારાથી મધ્યમ અને સામાન્વ વર્ગના લોકોનો જીવન નિર્વાહ  અસ્ત વ્યસ્ત થઇ ગયો છે. ત્યારે સાસક પક્ષને ઢંઢોળવાના આશયથી આમ આદમી પાર્ટી શહેર એકમના યુવા મોરચા પાંખ દ્વારા આજે સાયકલ રેલી યોજવામાં આવી હતી. લોકસમસ્યાને વાચા આપવા હાથમાં 'મોંઘવારી થઇ બેફામ' જેવા સુત્રો લખેલા પ્લે કાર્ડ પ્રદર્શીત કરાયા હતા. મોંઘવારીનો માર સહન કરી રહેલ જનતાના અવાજનો પડઘો સાયકલ રેલીના માધ્યમથી પાડવા નમ્ર પ્રયાસ કરાયો હતો. ગાઇડ લાઇનના પાલન સાથે નિકળેલ આ સાયકલ રેલીમાં શહેર એકમ યુવા પાંખના પ્રમુખ રવિભાઇ માણેકની આગેવાની હેઠળ તમામ વોર્ડમાંથી યુવાનો, લઘુમતી મોરચો, બક્ષીપંચ મોરચો, મહિલા મોરચો, છાત્ર યુવા સંઘ, અનુસુચિત જાતિ મોરચો તેમજ મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. સમગ્ર રેલીને સફળ બનાવવા 'આપ' ના શહેર પ્રમુખ શિવલાલ પટેલ, ઉપપ્રમુખ ચેતનભાઇ કામાણી, દિનેશભાઇ જોષી, સંગઠન મહામંત્રી રાહુલભાઇ ભુવા, મહામંત્રી સંજયસિંહ વાઘેલા, ઝોન પ્રભારીઓ રાકેશભાઇ સોરઠીયા, અનિલભાઇ ઠુમ્મર, વિપુલભાઇ તેરૈયાના માર્ગદર્શન હેઠળ આમ આદમી પાર્ટીના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. તેમ ઇવેન્ટ મહામંત્રી કેશવજી કે. પરમારની યાદીમાં જણાવાયુ છે.

(3:21 pm IST)