Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

તેલના ભાવો ભડકે બળતા નમકીન ઉદ્યોગની માઠી દશા

હજુ લોકડાઉનના મારની કળ વળી નથી ત્યાં તેલ અને પ્લાસ્ટીકના ભાવો વધી જતા વેપારીઓને પડયા પર પાટુ : સરકારે ખાદ્ય તેલમાં ડયુટી બે વખત ઘટાડી ત્યાં પાછલા બારણે પામોલીન તેલના ભાવો ભડકે બળ્યા : રૂ.પ અને ૧૦ માં પેકડ નમકીન વેંચનારાઓ ખોટના ખાડામાં : છ મહીનાથી આવી હાલતઃ નમકીન બનાવવાની મશીનરીના ભાવો પણ વધી ગયા : જાયે તો કહાં જાયે જેવી નમકીન મેન્યુફેકચરવાળાની હાલત

રાજકોટ તા. ૧૬ : નમકીનના નાના વેપારીઓની હાલ માઠી દશા ચાલી રહી છે. લોકડાઉનનો માર સહન કર્યો તેની કળ વળી નથી ત્યાં તેલના ભાવ વધારાની સમસ્યાએ મો ફાડયુ છે. સાથે પ્લાસ્ટીકના ભાવમાં વધારો, નમકીન તૈયાર કરવાની મશીનરીના ભાવમાં પણ વધારો. આ બધુ જોતા નમકીન ઉત્પાદકો માટે ખોટ ખાઇને ધંધો ચાલુ રાખવા જેવી હાલત સર્જાઇ છે.

નમકીનના વેપારીઓએ જણાવ્યા મુજબ મોટાભાગે નમકીન પામોલીન તેલમાંથી તૈયાર કરવામાં આવતુ હોય છે.  જે નમકીનનું આયુષ્ય બે થી ત્રણ માસનું હોય છે. પરંતુ હાલ પામોલીન તેલના ભાવમાં પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે.

સરકાર પણ આ બાબતે ચિંતીત છે. ખાદ્યતેલના ભાવ વધતા ડયુટીમાં બે વખત ઘટાડો કર્યો. પરંતુ ભેદી રીતે પામોલીન તેલના ભાવ વધી જતા રૂ.પ અને ૧૦ ના પેકેટમાં નમકીન વેંચવાવાળાઓની હાલત કફોડી બની છે. સામે રૂપિયા તોડીને ખોટ સહન કરીને ધંધો ચાલુ રાખવો પડે તેવી પરિસ્થિતી સર્જાય છે.

આ બધુ ઓછુ હોય તેમ અંદરો અંદરની હરીફાઇનો પણ એટલો જ સામનો કરવો પડે છે. હિસાબ કિતાબ કર્યા વગર ધંધો કરી રહેલ વેપારીઓને સરવાળે નુકશાની જ સહન કરવી પડે છે.

અનેક નમકીનના વેપારીઓએ ઉંચા વ્યાજની લોન લઇને ધંધા શરૂ કર્યા છે. ત્યારે નફાની વાત તો બાજુએ રહી, સામે નુકશાની સહન કરવાની નોબત આવી પડી છે. આત્મનિર્ભર થવા મથી રહેલ આ નાના વેપારીઓની સમસ્યાનો સરકાર હલ લાવે તેવી માંગણી વેપારીઓની છે.

પેકડ નમકીન માટે જરૂરી પ્લાસ્ટીકના ભાવ વધી ગયા, પેટ્રોલ ડીઝલ મોંઘુ થતા ટ્રાન્સપોર્ટેેશન મોંઘુ થયુ. મરચા પાવડર અને મસાલાના ભાવ વધી ગયા. નમકીન બનાવવાના મશીનોના ભાવ પણ વધી ગયા. નમકીનમાં વપરાતા કઠોળના ભાવ પણ કિલોએ રૂ.૨૦ થી ૨૫ વધી ગયા. આમ ચારે બાજુનો માર નમકીનવાળા સહન કરી રહ્યા છે.

સરકાર જો ધ્યાન નહીં આપે તો નમકીનના નાનાધંધાર્થીઓનો મૃત્યુઘંટ વાગી જતા વાર નહીં લાગે. રૂપાણી સરકાર સત્વરે નમકીન ઉદ્યોગને બચાવી લેવા પગલા ભરે તેવી નમકીનના વેપારીઓએ માંગણી ઉઠાવી છે.

(3:45 pm IST)