Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

મવડીમાં ૮ હજાર ચો.મી.નું સ્પોર્ટસ સંકુલ : પુષ્કર પટેલ

સંકુલમાં બાસ્કેટ બોલ, ર-ટેનીસ કોર્ટ ૧-વોલીબોલના મેદાન અને ૩-બેડમિન્ટન કોર્ટ, જીમ, ચેસ-સ્કવોશ કેરમ સહીતની ઇન્ડોર-ગેમની સુવિધાઃ વિશાળ પાર્કિંગ સહીતના આયોજનો પ્રોજેકટનું એસ્ટીમેટ અને ટેન્ડર પ્રક્રિયા માટે સીટી ઇજનેર-આર્કિટેકટ સાથે બેઠક યોજતા સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન

રાજકોટ તા.૧૬ : મ.ન.પા.દ્વારા શહેરના મવડી વોર્ડ નં. ૧૧ અથવા ૧રના વિસ્તારમાં ૮ હજાર ચો.મી.નું વિશાળ સ્પોર્ટસ સંકુલ બનાવવા માટે સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કર પટેલે કટ્ટીબધ્ધતા વ્યકત કરી આ પ્રોજેકટ માટે એસ્ટીમેટ અને ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવા સીટી-ઇજનેર ત્થા આર્કિટેકટ સાથે બેઠક યોજી હતી.

આ અંગે પ્રાથમીક માહીતી આપતા સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કર પટેલે જણાવ્યું હતું કે મવડી વિસ્તારમાં બાસ્કેટ બોલ, વોલીબોલ, ટેનીસ, બેડમિન્ટન, જીમ, સહીતની સુવિધાવાળુ સ્પોર્ટસ સંકુલ મવડી ત્થા આસપાસના વિસ્તારોના રહેવાસીઓના લાભાર્થે નિર્માણ કરવાનું આયોજન છે.

આ આયોજન મુજબ મવડી વિસ્તારમાં આવેલ ૮૦૦૦ ચો.મી.ની ૬ કરોડની જગ્યામાં  વિશાળ સ્પોર્ટસ સંકુલ બનશે જેમાં બાસ્કેટ બોલ મેદાન ઉપરાંત ર-ટેનીસ કોર્ટ, ૧-વોલીબોલ મેદાન વગેરે બહારની સાઇડમાં બનશે.

જયારે ઇન્ડોર સ્ટેડિયમમાં ૩- બેડમિન્ટન કોર્ટ બનશે ઉપરાંત સકવોશ, જીમ, ચેસ, કેરમ વગેરે ઇન્ડોર ગેમની સુવિધા પણ ઉપલબ્ધ બનાવાશે.

આ સ્પોર્ટસ સંકુલમાં પ૦ થી ૬૦ કાર સામાય તે માટે કાર પાર્કિંગ પણ બનાવશે.

આમ ઉપર મુજબના પ્રોજેકટનું એસ્ટેમેટ તૈયાર કરી તે મુજબ ટેન્ડર ડિઝાઇન કરી ટેન્ડરો પ્રસિધ્ધ કરવા સહીતની કામગીરીનો ધમધમાટ શરૂ કરવા આજે સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કર પટેલે સીટી ઇજનેર ત્થા આર્કિટેકટ સાથે બેઠક યોજી હતી.

(3:46 pm IST)