Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

કાલથી આઝાદીનો અમૃત લોકમેળો : ભૂપેન્‍દ્રભાઇ ખુલ્લો મુકશે

મોતના કુવા - ફજેત ફાળકા - મોટા હિંચકા - જાદુના ખેલ - ટોરાટોરા - કપરકાબી - ખાણીપીણી - આઇસ્‍ક્રીમના મોજ ધુબાકા : કલેકટર તંત્રનું બેનમૂન આયોજન : પાંચ દિવસમાં ૧૨ થી ૧૫ લાખ લોકો ઉમટી પડશે : પોલીસ - ખાનગી સિક્‍યુરિટીનો જડબેસલાક બંદોબસ્‍ત : રમકડા - ખાણીપીણી - યાંત્રિક - નાની ચકરડી સહિત કુલ ૩૩૬થી વધુ અવનવા સ્‍ટોલ : કોરોના કાળ પૂરો થયા બાદ બે વર્ષ પછી મેળો યોજાતો હોય લોકો ખુશખુશાલ : કલેકટર - પોલીસ - કોર્પોરેશન - જીઇબી સહિત ૪ કન્‍ટ્રોલ રૂમ : ૧૭મીએ સાંજે ૫ વાગ્‍યે દબદબાભેર ઉદ્‌ઘાટન રવિવારે ઉત્‍સાહભેર સમાપન : કલેકટરે કન્‍ટ્રોલ રૂમમાં રાઉન્‍ડ ધ કલોક ફરજ માટે ૨૦૦થી વધુના ઓર્ડરો કર્યા : ગાંધીનગરથી બાળકો માટે ખાસ ટોય : વાનનો સ્‍ટોલ ઉભો કરાયોપાણી - શૌચાલયની ખાસ વ્‍યવસ્‍થા : ૩૦થી વધુ સરકારી સ્‍ટોલ :લોકો પોતાની કલા પાથરી શકે તે માટે અલગ સ્‍ટેજ ઉભું કરાયું વિસામા માટે ત્રણ મોટા ડોમરહેશ : ેકોરોના વેકસીન તથા આરટીપીસીઆર ટેસ્‍ટીંગ માટે ખાસ બે સેન્‍ટર સ્‍ટ્રીટ લાઇટ જનરેટર ઉપર ચાલશેફૂડ અંગે ખાસ ચેકીંગ ટીમો : ફૂડ ખાતાને :જવાબદારી સોંપતા કલેકટર નઠારા તત્‍વોને ભરી પીવા ૧૦થી વધુ વોચ ટાવર ઉભા કરતુ તત્‍વ

રાજકોટ તા. ૧૬ : કોરોનાના કપરાકાળ દરમિયાન લોકોનું સામાજીક અને મનોરંજનાત્‍મક જીવનને ખૂબ જ અસર થઇ હતી. શહેરની રંગીલી પ્રજા બે વર્ષથી લોકમેળાનો આનંદ કોરોનાના કારણે માણી શકી નથી. પણ આ વર્ષે મહામારી હળવી થતા અને સરકાર દ્વારા છૂટ મળતા કાલે તા. ૧૭ને બુધવારથી રેસકોર્ષ ગ્રાઉન્‍ડમાં લોકમેળાનું ઉદ્‌ઘાટન મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલના હસ્‍તે સાંજે ૫ કલાકે થનાર છે, આ સાથે ભવ્‍યાતિભવ્‍ય આઝાદી કા અમૃત લોકમેળાનો પ્રારંભ થશે.

રાજકોટનો લોકમેળો જગવિખ્‍યાત છે. દુર-દુરથી લોકો મેળાની મજા માણવા આવતા હોય છે, ત્‍યારે આવનાર લોકોની સલામતી અને મનોરંજન માટે કલેકટર તંત્ર દ્વારા તમામ તૈયારીઓ આટોપી લેવામાં આવી છે. કાલથી રેસકોર્ષ મેદાનમાં માનવ મહેરામણ ઉમટી પડશે. લોકો બે વર્ષ બાદ લોકમેળાની મજા માણતા ખુશ-ખુશ થઇ જશે.

પાંચ દિવસીય લોકમેળામાં દર વર્ષે ૧૨ થી ૧૫ લાખથી વધુ લોકો આનંદ - કિલ્લોલ કરતા જન્‍માષ્‍ટમીની રજાઓને યાદગાર બનાવતા હોય છે. ખાસ કરીને આઠમના દિવસે તો જાણે લોકોનું ઘોડાપુર નહીં પણ મહાપુર આવે છે. મેદાનમાં પગ મુકવાની જગ્‍યા પણ નથી રહેતી અને હૈયે હૈયુ દળાય તેટલી જનમેદની લોકમેળાનો ખુલ્લા મને આનંદ માણતી હોય છે.

કલેકટર તંત્ર દ્વારા તૈયારીઓમાં કોઇ કચાશ નથી રાખવામાં આવી. બે વર્ષ બાદ યોજાતા લોકમેળાના બેનમૂન આયોજન માટે તંત્ર દ્વારા મહિના અગાઉ તૈયારીઓ શરૂ કરવામાં આવે છે. જેમાં ગ્રાઉન્‍ડ લેવલીંગ, ફજત - ફાળકા, મોટા ચકડોળ, ખાણીપીણી, આઇસ્‍ક્રીમ સહિતના સ્‍ટોલના નકશા દ્વારા રૂપરેખા તૈયાર કરવામાં આવે છે. ત્‍યારબાદ તમામ સ્‍ટોલ તથા યાંત્રીક મશીનોના પ્‍લોટની જાહેર હરરાજી કરવામાં આવે છે.

લોકમેળામાં આ વર્ષે મોતના કુવા, ફજત-ફાળકા, મોટા હિંચકા, જાદુના ખેલ, ટોરા-ટોરા, કપ-રકાબી સહિતનું મનોરંજન લોકો માણી શકશે. ઉપરાંત મુલાકાતીઓ ખાણીપીણી અને આઇસ્‍ક્રીમની પણ પેટ ભરીને જયાફત ઉઠાવશે.

આ પાંચ દિવસીય લોકમેળામાં અબાલ-વૃધ્‍ધ સહિત કુલ ૧૨ થી ૧૫ લાખ લોકો મુલાકાત લે તેવી કલેકટર તંત્રની ધારણા છે. તે માટે પોલીસ અને ખાનગી સીક્‍યોરીટીનો જડબેસલાક બંદોબસ્‍ત કરવામાં આવ્‍યો છે. ઉપરાંત આવારા તત્‍વો ઉપર નજર રાખવા તથા કોઇ અઇચ્‍છનીય ઘટના ન બને તે માટે સમગ્ર મેળામાં ૧૦ થી વધુ વોચ ટાવર ઉભા કરવામાં આવ્‍યા છે.

ઉપરાંત કોરોના મહામારીને ધ્‍યાને રાખી લોકમેળામાં વેકસીન તથા આરટીપીસીઆર ટેસ્‍ટ માટે ખાસ બે સેન્‍ટરો ઉભા કરવામાં આવ્‍યા છે. જેથી લોકો વેક્‍સીનેશન તથા ટેસ્‍ટીંગનો લાભ લઇ શકે. જો કે તંત્ર દ્વારા સંપૂર્ણ વેકસીનેશન કરાવવું જરૂરી છે અને લોકમેળામાં પણ રસીકરણ હોય તે ફાયદાકારક હોવાનું જાહેર કરાયેલ.

લોકો મનોરંજન માણવાની સાથોસાથ પોતાનું કલાનું કામણ પાથરી શકે તે માટે એક અલગથી સ્‍ટેજ પણ તંત્ર દ્વારા ઉભુ કરવામાં આવ્‍યુ઼ છે. જ્‍યાં કોઇ પણ વ્‍યકિત પોતાની કલા રજુ કરી શકશે.

ઉદ્‌ઘાટનના દિવસે સાંજે ૧ કલાકનો દેશભકિતની થીમ ઉપર સુંદર મજાની નૃત્‍ય પ્રસ્‍તુતી પણ કરવામાં આવશે. ઉપરાંત આપણી સંસ્‍કૃતિ એવા રાસ-ગરબા પણ જમાવટ કરશે. સાથે જ અનેક સાંસ્‍કૃતિક કાર્યક્રમો પણ યોજાશે જેનો લોકમેળામાં આવનાર લોકો ખૂબ જ લાભ ઉઠાવી શકશે.

લોકમેળામાં રમકડા - ખાણીપીણી - યાંત્રીક, નાની ચકરડી, મનોરંજન સહિતના કુલ ૩૩૬થી વધુ સ્‍ટોલમાં બે વર્ષ બાદ યોજાતા લોકમેળામાં લોકો મોજ માણી ખુશખુશાલ થશે અનેબરોજની તણાવપૂર્ણ જીવનમાં નવી ઉર્જાનો સંચાર કરશે.

સમગ્ર લોકમેળામાં કલેકટર, પોલીસ, મનપા તથા જીઇબી સહિતના કુલ ૪ રાઉન્‍ડ ધ કલોક કન્‍ટ્રોલ રૂમ રાખવામાં આવ્‍યા છે. જેમાં તંત્ર દ્વારા કોઇપણ સ્‍થિતિને પહોંચી વળવા આયોજન કરાયું છે. જે માટે કલેકટર દ્વારા રાઉન્‍ડ ધ કલોક ફરજ માટે ૨૦૦થી વધુ અધિકારીઓ - કર્મચારીઓના ઓર્ડર પણ કરી દેવામાં આવ્‍યા છે.

ઉપરાંત મનોરંજનની સાથે પાણી અને શૌચાલયની ખાસ વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. ૩૦થી વધુ સરકારી સ્‍ટોલ દ્વારા લોકો વિવિધ યોજનાઓની માહિતી મેળવી શકશે. ગાંધીનગરથી બાળકો માટે ખાસ હોય વાનનો સ્‍ટોલ ઉભો કરવામાં આવ્‍યો છે. જ્‍યાં બાળકો રમકડા સાથે મજા કરી શકશે.

લોકમેળામાં લોકોનું સ્‍વાસ્‍થ્‍ય અને સલામતી તંત્ર માટે સૌથી મોખરે છે. ત્‍યારે લોકમેળામાં ખાણીપીણીના સ્‍ટોલમાં ફૂડ અંગે ખાસ ચેકીંગ ટીમો ઉતારાશે. જેની જવાબદારી ફૂડ શાખાને કલેકટર અરૂણ મહેશ બાબુ દ્વારા સોંપવામાં આવી છે.

દર વર્ષની જેમ લોકમેળામાં પ્રવેશ માટે મુખ્‍ય ૪ દ્વાર બનાવવામાં આવ્‍યા છે. જેમાં કિશાનપરા ચોક ખાતેથી, એરપોર્ટ રોડ ખાતેથી, પોલીસ કમિશનર બંગલા સામેથી તથા બહુમાળી ભવન સામેથી લોકો લોકમેળામાં પ્રવેશ મેળવી શકશે. લોકમેળા દરમિયાન રેસકોર્ષ રીંગના અમુક રસ્‍તાઓ વાહનો માટે બંધ કરવામાં આવશે. જેથી લોકમેળામાં આવનાર લોકો પ્રવેશ મેળવી શકે.

આમ, બે વર્ષ બાદ યોજાતા લોકમેળામાં લોકો પોતાનું ટેન્‍શન, તણાવ ભુલીને મોજ કરશે એ નક્કી જ છે, લોકમેળાની પૂર્ણાહુતિ રવિવાર તા. ૨૧ના રાત્રે ૧૨ વાગ્‍યે ધમાકેદાર આયોજન બાદ થશે.

(3:03 pm IST)