Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

એલસીબી ઝોન-૧ ટીમનો સપાટોઃ ૪૦૦૦ લિટર નકલી દૂધ અને ૬ લાખનો દારૃ ઝડપી લીધા

ભેળસેળીયા દૂધ અને વિદેશી દારૃની હેરાફેરી સામે રાજકોટ શહેર પોલીસની લાલ આંખ : ગ્રીનલેન્ડ ચોકડી પાસે વંથલી ધણફુલીયાના સાજણ કરમટા અને ઝાપોદરના જીગર ગમારાને દૂધના ટેન્કર સાથે દબોચ્યાઃ પાવડર સહિતની ભેળસેળ હોવાની શકયતાઃ દેહગામ લઇ જતાં હોવાનું રટણ : તહેવાર પર દારૃની રેલમછેલ થાય એ પહેલા ખોરાણામાંથી ૬ લાખના ૧૫૦૦ બોટલ દારૃ સાથે રાજકોટના હરદિપસિંહ રાઠોડની ધરપકડઃ કાર પણ કબ્જેઃ કુલ ૭,૦૬,૦૦૦નો મુદ્દામાલ કબ્જે

ડીસીપી પ્રવિણકુમાર મીણાની રાહબરીમાં પીએસઆઇ આર. એચ. કોડીયાતર, હેડકોન્સ. વિજેન્દ્રસિંહ ઝાલા, ધર્મરાજસિંહ જાડેજા, જીતુભા ઝાલા સહિતની કામગીરીઃ કોન્સ. રવિરાજભાઇ પટગીર, સત્યજીતસિંહ જાડેજા અને દિવ્યરાજસિંહ જાડેજાની બાતમી
રાજકોટ તા. ૧૬: શહેરમાં તહેવાર ટાણે પોલીસ સક્રિય બની છે. મીઠાઇઓ અને દૂધની બનાવટમાં ભેળસેળ થતી અટકાવવા અને લોકોના આરોગ્ય સાથે ચેડા થતાં અટકાવવાની કામગીરી પણ પોલીસ કરી રહી છે. આ ઉપરાંત તહેવારના દિવસોમાં બૂટલેગરો મેદાને આવી જતાં હોઇ તેની સામે પણ પોલીસ સતર્ક બની છે. શહેરની લોકલ ક્રાઇમ બ્રાંચ (એલસીબી) ઝોન-૧ની ટીમે આ બંને પ્રકારની કામગીરી કરી છે. જેમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી ૪૦૦૦ લિટર ભેળસેળીયુ અખાદ્ય દૂધ ભરેલા ટેન્કર સાથે વંથલી પંથકના બે શખ્સને દબોચી લીધા છે અને કુવાડવાના ખોરાણા ગામે વાડી વિસ્તારમાંથી ૬ લાખના દારૃ સાથે રાજકોટના એક શખ્સને દબોચી લઇ સપાટો બોલાવી દીધો છે.

નકલી દૂધ સાથે બે પકડાયા

જન્માષ્ટમી વર્પ દરમિયાન લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય અને દૂધની બનાવટ તથા મીઠાઇઓમાં ભેળસેટ ન થાય તે જોવાનું કામ આરોગ્યને લગતાં જે તે વિભાગોને જોવાનું હોય છે. પરંતુ પોલીસ સમયાંતરે આવી પ્રવૃતિ ઉઘાડી પાડી ભેળસેળીયાઓને દબોચી લે છે. એલસીબી ઝોન-૧ની ટીમના પીએસઆઇ આર. એચ. કોડીયાતર અને ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે કોન્સ. રવિરાજભાઇ પટગીર, સત્યજીતસિંહ જાડેજા અને દિવ્યરાજસિંહ જાડેજાને બાતમી મળતાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે પુલ નજીક વોચ રાખી જીજે૦૩બીવી-૭૨૯૩ નંબરનું ટેન્કર અટકાવી તલાસી લેતાં અંદર ૪૦૦૦ લિટર દૂધ હોવાનું માલુમ પડ્યું હતું. આ દૂધ બનાવટી ભેળસેળીયું હોવાની માહિતી હોઇ પોલીસે મનપાની આરોગ્ય શાખાને જાણ કરતાં અધિકારીની ટીમે પહોંચી તપાસ કરતાં દૂધ અખાદ્ય હોવાનો પ્રાથમિક રિપોર્ટ આપતાં પોલીસે રૃા. ૧,૮૦,૦૦૦નું દૂધ તથા પાંચ લાખનું ટેન્કર મળી રૃા. ૬,૮૦,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

ટેન્કરમાં બે શખ્સો બેઠા હોઇ તેની પુછતાછ કરતાં પોતાના નામ સાજણ લાખાભાઇ કરમટા (રબારી) (ધંધો દૂધનો વેપાર, રહે. ધણફુલીયા તા. વંથલી-જુનાગઢ) અને જીગર માલદેભાઇ ગમારા (ભરવાડ) (ધંધો દૂધનો-રહે. ઝાપોદર તા. વંથલી-જુનાગઢ) જણાવ્યા હતાં. આ બંને શખ્સોએ પ્રાથમિક પુછતાછમાં દૂધમાં પાવડર, ઓઇલ સહિતની ચીજવસ્તુ ભેળવતાં હોવાનું અને ગાંધીનગરના દહેગામની ડેરી ખાતે આ ભેળસેળીયુ, બનાવટી દૂધ આપવા માટે જઇ રહ્યાનું રટણ કર્યુ હતું. તેમજ ત્યાંથી ઓર્ડર મળે એ પ્રમાણે ત્રણ-ચાર દિવસે આવા દૂધનો ફેરો કરતાં હોવાનું પણ રટણ કર્યુ હતું. દૂધના નમુના લેવામાં આવ્યા હોઇ તેનો રિપોર્ટ આવ્યા બાદ આગળ કાર્યવાહી થશે.

દારૃના જથ્થા સાથે એક પકડાયો

એલસીબી ઝોન-૧ની ટીમે બીજી નોંધપાત્ર કામગીરી દારૃ પકડવાની કરી હતી. નાઇટ પેટ્રોલીંગ દરમિયાન ચોક્કસ બાતમી મળતાં ટીમ કુવાડવાના ખોરાણા ગામે વાડી વિસ્તારમાં પહોંચી હતી અને જીજે૦૨સીડી-૦૩૦૫ નંબરની વેગનઆર કાર સાથે રાજકોટ કોઠારીયા રોડ પર રહેતાં હરદિપસિંહ નરેન્દ્રસિંહ રાઠોડ (નાડોદા રજપૂત) (ઉ.વ.૨૨)ને પકડી લીધો હતો. પોલીસે કારમાંથી ૧૨૦ દારૃની બોટલો તથા કાર પાસે નીચે પટમાં રાખેલી ૧૩૮૦ બોટલો મળી કુલ રૃા. ૬ લાખનો ૧૫૦૦ બોટલ દારૃ અને ૧ લાખની કાર તથા ૬૦૦૦નો મોબાઇલ ફોન મળી કુલ રૃા. ૭,૦૬,૦૦૦નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. આ દારૃનો જથ્થો કોણ ઉતારી ગયું? પકડાયેલો હરદિપસિંહ કોને કોને સપ્લાય કરવાનો હતો? એ સહિતના મુદ્દે વધુ તપાસ થઇ રહી છે.

પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સંયુકત પોલીસ કમિશનરશ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણાની રાહબરીમાં પીએસઆઇ આર. એચ.  કોડીયાતર, હેડકોન્સ. વિજેન્દ્રસિંહ ઝાલા, ધર્મરાજસિંહ જાડેજા, જીતુભા ઝાલા, દિવ્યરાજસિંહ જાડેજા, રવિરાજભાઇ પટગીર, સત્યજીતસિંહ જાડેજા સહિતની ટીમે આ બંને કામગીરી કરી હતી.

(5:08 pm IST)