Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

વિરભૂમિ ભૂચરમોરી ખાતે ૧૮મીએ રાજપૂત યુવાનો રચશે તલવારબાજીનો વિક્રમ

ઇ.સ. ૧૬૪૭ માં જામનગર (નવાનગર) ના રાજવી જામસતાજીએ આશરા ધર્મ નિભાવવા બાદશાહ અકબર સાથે ભૂચર મોચી ખાતે લોહીયાળ યુધ્‍ધ ખેલ્‍યું જેમાં હજારો રાજપૂતો એ બલિદાન આપેલુ આ શૌર્ય ભૂમિ ઉપર ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા સતત ૩૧ માં વર્ષે શ્રધ્‍ધાંજલી સમારોહ અંતર્ગત આયોજન

અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા રાજપૂતોની  શહિદ ભૂમિ ભૂચરમોરી ખાતે ૩૧મા શ્રધ્‍ધાંજલી સમારોહ અંતર્ગત પ હજાર તરવરીયા યુવા રાજપૂતો દ્વારા તલવારબાજીનો વિશ્વ રેકોર્ડ સર્જાશે. આ આયોજનની માહિતી અખિલ ગુજરાત રાજપૂત સંઘના આંતરરાષ્‍ટ્રીય અધ્‍યક્ષ પી.ટી. જાડેજા, કિરીટસિંહ જાડેજા, કિશોરસિંહ જેઠવા, પથુભા જાડેજા, હિતુભા ઝાલા અને રાજભા વાળાએ અકિલાના મોભી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ વર્ણવી હતી ત્‍યારની તસ્‍વીરમાં અકિલાના સીનીયર પત્રકાર જયદેવસિંહ જાડેજા  પણ નજરે પડે છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ, તા. ૧૬ : દેશ અને ધર્મ કાજે શહીદ થયેલા હજારો શહીદોની યાદમાં છેલ્લા ૩૦ વર્ષોથી અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ અને ભૂચર મોરી શહીદ સ્‍મારક ટ્રસ્‍ટ દ્વારા શહીદ શ્રદ્ધાંજલી સમારોહનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષેે તા. ૧૮ ઓગસ્‍ટ, શીતળા સાતમને ગુરૂવારના રોજ ભૂચરમોરી શહિદ સ્‍મારક ટ્રસ્‍ટ-ધ્રોલ  ખાતે શહિદોને શ્રધ્‍ધાંજલિ અર્પણ કરવા માટે આ વિશિષ્‍ટ કાર્યક્રમનું આયોજન કરેલ છે. જેમાં પ૦૦૦ કરતા વધુ રાજપૂત યુવાનો તલવારબાજી કરીને શહીદોને શ્રધ્‍ધાંજલી અર્પણ કરશે. અને સામુહિક તલવારબાજીમાં એક નવો વિશ્વ રેકોર્ડ બનાવે એવું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું છે. 

ગુજરાતના ૧૭ જીલ્લાઓમાં રાજપૂત યુવાનોએ છેલ્લા એક મહિનાથી તલવારબાજીની સઘન તાલીમ લીધી છે. યુવાનોમાં ભારે ઉત્‍સાહ પ્રવર્તે છે, અને તલવારબાજીમાં નવો વિશ્વ રેકોર્ડ કરવા થનગની રહ્યા છે.

આ અનોખા, અજોડ, દર્શનીય, ઐતિહાસિક કાર્યક્રમને નિહાળવા સૌ નાગરિકોને ડો. જયેન્‍દ્રસિંહ જાડેજા, મેનેજીંગ ટ્રસ્‍ટી, ભૂચરમોરી શહિદ સ્‍મારક, પી.ટી. જાડેજા, આંતરરાષ્‍ટ્રીય અધ્‍યક્ષ, શ્રી કિરીટસિંહ જાડેજા, શહેર પ્રમુખ શ્રી રાજકોટ, કિશોરસિંહ જેઠવા જિલ્લા પ્રમુખશ્રી, પથુભા જાડેજા શહેર મહામંત્રીશ્રી  અને અખીલ ગુજરાત રાજપુત યુવા સંઘ દ્વારા આમંત્રણ આપવામાં આવ્‍યું છે.

ભૂચર મોરીનો ઇતિહાસ

ગુજરાતના છેલ્લા બાદશાહ મુઝફફર ત્રીજાને જુનાગઢ દ્વારા આશરે અપાતાં અને જુનાગઢ દ્વારા જામસતાજીની મદદ માટે પત્ર લખતા, જામ શ્રી સતાજીએ ૩૦,૦૦૦ નું સૈન્‍ય મદદ માટે મોકલેલ હતું. જેના સેનાપતિઓ ભાણજી દલ અને જેસાજી વજીર હતા. વિક્રમ સવંત ૧૬૩૦માં જુનાગઢમાં થયેલ આ પ્રથમ યુધ્‍ધમાં અકબરના સૈન્‍યને જામ સતાજીના લશ્‍કર દ્વારા સજ્જડ પરાજય આપીને અકબરનો વિશાળ શષા-સરંજામ કબ્‍જે કરી લીધો હતો. (જે યુધ્‍ધમાં જુનાગઢએ ભાગ લીધો ન હતો અને જુનાગઢના દરવાજા બંધ કરી દીધા હતા.) અકબરના ૩પ૩૦ ઘોડાઓ, પર હાથીઓ, પાલખીઓ વિગેરે સરંજામ કબ્‍જે કરી લીધો હતો.

સજ્જડ હારનો બદલો લેવા વિક્રમ સંવત ૧૬૪૦ માં અકબરના હુકમના અનુસંધાને અકબરના એક ઉમરાવ ખાન ખાનાએ જામનગર તરફ કૂચ કરી. તમાચણ પાસે થયેલ મોટા યુધ્‍ધમાં અકબરના સૈન્‍ય અને જામસતાજી વચ્‍ચે યુધ્‍ધ થયું. જેમાં પણ અકબરના સુબા ખાનખાનાને બહુ ખરાબ રીતે હરાવ્‍યો હતો, અને તેણે બચેલા સૈન્‍ય સાથે ભાગવું પડયું હતું.

હવે માત્ર જામ સતાજી જ બચાવી શકે છે, એમ માનીને મુઝફફર શાહ ત્રીજો કુટુંબ કબીલા સાથે જામ સતાજીના શરણે આવ્‍યો. આશરે આવેલાની રક્ષા કરવી એ ‘‘ક્ષત્રિય ધર્મ'' છે. એમ માનીને મુઝફફરને સોંપવા ના અકબરના પત્રના જવાબમાં જામસતાજીએ સોંપવાનો સ્‍પષ્‍ટ ઇન્‍કાર કર્યો.

જેથી ભૂચર મોરીના મેદાનમાં થયેલા સૌરાષ્‍ટ્રનું સૌથી મોટુ યુધ્‍ધ વિક્રમ સવંત ૧૬૪૮માં થયું હતું. જે યુધ્‍ધનો અંત શિતળા સાતમના રોજ થયો હતો અને તેમાં હજારો યોદ્ધાઓએ શહિદી વહોરી હતી. આ યુધ્‍ધમાં થયેલ ખુવારી પછી ૮ મહિને અકબરે જામ સતાજી સાથે સમાધાન કરીને જામનગરનું રાજય પાછું સોંપ્‍યું હતું.

(3:26 pm IST)