Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

દારૂબંધીની ઐસીતૈસીઃ જાગનાથ મંદિર નજીક જ સરાજાહેર મહેફીલ માંડીઃ વિડીયો ઉતારનારા પટેલ વેપારી પર હુમલો

૧૫મી ઓગષ્‍ટની રાતે બનાવઃ નશાખોરોના હુમલામાં ઘાયલ યુવાનને સારવાર લેવી પડી : બે શખ્‍સ એક્‍ટીવાની સીટ પર ગ્‍લાસ રાખી ઢીંચતા'તાઃ સ્‍કાય મોબાઇલવાળા જયસન કપૂરીયાએ શુટીંગ ઉતારતાં માર મારી છરીથી હુમલોઃ પ્ર.નગર પોલીસે ગુનો નોંધી બંને શખ્‍સોની ઓળખ મેળવી લીધીઃ લાલો ભરવાડ અને વિજય નેપાળીની શોધખોળ

તસ્‍વીરમાં વેપારીએ જાહેરમાં દારૂ ઢીંચી રહેલા શખ્‍સોનું મોબાઇલથી વિડીયો શુટીંગ ઉતાર્યુ હતું તેના દ્રશ્‍ય જોઇ શકાય છે. એક્‍ટીવા ટુવ્‍હીલરની સીટ પર દારૂના બે ગ્‍લાસ (રાઉન્‍ડ કર્યુ છે તે) પણ જોવા મળે છે
રાજકોટ તા. ૧૬: પંદરમી ઓગષ્‍ટની  રાતે જાગનાથ મંદિર નજીક બે શખ્‍સો સરાજાહેર એક્‍ટીવાની સીટ પર દારૂના ગ્‍લાસ રાખી દારૂ ઢીંચી દેકારો મચાવતાં હોઇ અહિ દર્શનાર્થે આવેલા મહિલાઓએ  દૂકાનદારનું ધ્‍યાન દોરતાં નજીકમાં મોબાઇલ ફોનની દૂકાન ધરાવતાં પટેલ યુવાને આ બંને શખ્‍સનું મોબાઇલ ફોનથી વિડીયો શુટીંગ ચાલુ કરતાં આ શખ્‍સોએ ધમાલ મચાવી વેપારી યુવાનને ગાળો દઇ ઢીકાપાટુનો માર મારી છરીથી ઇજા પહોંચાડતાં દેકારો મચી ગયો હતો. લોકો ભેગા થઇ જતાં બંને ભાગી ગયા હતાં. પોલીસે બંનેની ઓળખ મેળવી લઇ તપાસ હાથ ધરી છે.
આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે ભક્‍તિનગર સર્કલ પાસે ગુલાબનગર મેઇન રોડ માસ્‍તર સોસાયટી રાજેશ્વર ખાતે રહેતાં અને ડો. યાજ્ઞિક રોડ પર જાગનાથ મંદિર પાસે સ્‍કાય મોબાઇલ નામે દૂકાન ચલાવતાં જયસન નારણભાઇ કપુરીયા (પટેલ) (ઉ.૩૯)ની ફરિયાદ પરથી વિજય નેપાળી અને લાલો ભરવાડ વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો હતો.
જયસન ગત રાતે ઘાયલ હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં પોલીસે ત્‍યાં પહોંચી વિગતો જાણી હતી. જયસને જણાવ્‍યું હતું કે ૧૫મી ઓગષ્‍ટની રાતે પોણા નવેક વાગ્‍યે હું મારી દૂકાનેથી બહાર નીકળી ભરે જવા તૈયારી કરતો હતો ત્‍યારે દૂકાનની સામે જ કિશનભાઇ ચોૈહાણની પાનની કેબીન પાસે બે જણા રાડારાડી અને દેકારો કરતાં હોઇ મેં ત્‍યાં જઇને જોતાં એક્‍ટીવાની ઘોડી ચડાવી ઉભુ રાખી તેની સીટ પર દારૂના ગ્‍લાસ રાખી દારૂ પીતાં હોવાનું જણાતાંમેં આ બંને દારૂ પીતાં હોય તેનું મારા મોબાઇલ ફોનમાં શુટીંગ ઉતારવાનું ચાલુ કરતાં બંને મને જોઇ જતાં મારી પાસે આવ્‍યા હતાં અને ‘તું અમારું શુટીંગ શું કામ ઉતારે છે?' કહી ગાળો દઇ ઢીકાપાટુનો માર મારવા માંડયા હતાં.
આ બે શખ્‍સોમાં એકે ગ્રે કલરનું ટીશર્ટ અને કાળુ જીન્‍સ પહેર્યુ હતું. તેણે નેફામાંથી છરી કાઢી હુમલો કરી મને જમણા નેણ ઉપર ઇજા પહોંચાડી હતી. તેમજ કાન પાસે છરકો થઇ ગયો હતો. મેં રાડારાડી કરતાં મારી દૂકાનમાં કામ કરતાં માણસો આવી ગયા હતાં અને મને છોડાવ્‍યો હતો. કોઇએ પોલીસને ફોન કરતાં પોલીસ આવી ગઇ હતી અને મેં ફરિયાદ કરી હતી. મને છરી મારનારનું નામ લાલો ભરવાડ હોવાનું તથા બીજાનું નામ વિજય નેપાળી હોવાનું જાણવા મળ્‍યું હતું. પ્ર.નગરના હેડકોન્‍સ. એસ. જે. ચાવડાએ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

 

(3:39 pm IST)