Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

‘રામવન' કરાવશે રામયુગની સફર : કાલે ભવ્‍ય લોકાર્પણ

અવનવી પ્રતિમાઓ - વૃક્ષો - હરિયાળી - તળાવ વગેરે મન મોહી લેશે : હરવા-ફરવાના સ્‍થળોમાં વધુ એકનો ઉમેરો : આજીડેમ બાજુમાં તૈયાર થયેલ વિશાળ અર્બન ફોરેસ્‍ટ, ઇલેકટ્રીક બસ ચાર્જીંગ સ્‍ટેશન, વધુ ૨૩ ઇલેકટ્રીક બસ તથા વિવિધ કામોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલના હસ્‍તે કરાશે : બપોરે ૩.૩૦ કલાકે રામવન ખાતે સંયુક્‍ત ડાયસ કાર્યક્રમ : રામવનમાં તા. ૨૮ ઓગષ્‍ટ સુધી નિઃશુલ્‍ક પ્રવેશ : મેયર સહિતના પદાધિકારીઓની જાહેરાત : કાલથી શહેરમાં ૨૩ ઇલેકટ્રીક બસ દોડશે : બસ ફુલી ઓટોમેટીક

રાજકોટ તા. ૧૬ : મહાનગરપાલિકા દ્વારા આજી ડેમ વિસ્‍તારમાં બનાવવામાં આવેલ ‘રામવન' - અર્બન ફોરેસ્‍ટ, ઇલેકટ્રીક બસ ચાર્જીંગ સ્‍ટેશન, ૨૩ ઇલેકટ્રીક બસોનું તેમજ વિવિધ કામોના લોકાર્પણ તથા ખાતમુહુર્ત આવતીકાલે તા. ૧૭ ઓગષ્‍ટ મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલના હસ્‍તે કરવામાં આવશે.

રામવનના લોકાર્પણની સાથે પવિત્ર શ્રાવણ માસ અને આગામી સાતમ - આઠમના તહેવારોને ધ્‍યાનમાં રાખીને તા. ૨૮ ઓગષ્‍ટ સુધી રામવનની મુલાકાતે આવતા શહેરીજનોને નિઃશુલ્‍ક પ્રવેશ આપવામાં આવશે તેમ મેયર સહિતના પદાધિકારીઓ દ્વારા જાહેરાત કરવામાં આવી છે.

આ અંગે સ્‍ટેન્‍ડીંગ કમીટી ચેરમેન પુષ્‍કરભાઇ પટેલ, મ્‍યુનિ. કમિશનર અમિત અરોરા, બાંધકામ સમિતિ ચેરમેન કેતન પટેલ, બાગ બગીચા અને ઝુ સમિતિ ચેરમેન અનીતાબેન ગોસ્‍વામી, વોટર વર્કસ સમિતિ ચેરમેન દેવાંગભાઈ માંકડ, ડ્રેનેજ સમિતિ ચેરમેન હિરેનભાઈ ખીમાણીયા, આરોગ્‍ય સમિતિ ચેરમેન રાજેશ્રીબેન ડોડીયાએ જણાવ્‍યું છે કે, મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલᅠ‘રામ વન' -ᅠઅર્બન ફોરેસ્‍ટ,ᅠઇલેક્‍ટ્રિક બસ ચાર્જીંગ સ્‍ટેશન,ᅠ૨૩ ઇલેક્‍ટ્રિક બસોનું તેમજ વિવિધ કામોના લોકાર્પણ તથા ખાતમુર્હુત તા. ૧૭ના રોજ બપોરે ૩.૩૦ કલાકેᅠ‘રામ વન', કિશન ગૌશાળા રોડ, આજી ડેમ પાસે મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલના હસ્‍તે કરવામાં આવશે. આ કાર્યક્રમના અધ્‍યક્ષ સ્‍થાને મેયર ડો. પ્રદિપ ડવ ઉપસ્‍થિત રહેશે.

૧૩.૭૭ કરોડના ખર્ચે

રામવનનું નિર્માણ

૪૭ એકર જમીનમાં નિર્માણ પામેલ રામ વન અર્બન ફોરેસ્‍ટ કુલ રૂ. ૧૩.૭૭ કરોડના ખર્ચે બનાવવામાં આવેલ છે. જેમાં રૂ. ૧.૬૧ કરોડના ખર્ચે ભગવાન શ્રી રામના જીવન પર જુદી જુદી પ્રતિકૃતિ મુકવામાં આવેલ છે. આ ઉપરાંત ૮૦,૦૦૦ જેટલી પ્રજાતિના ૨૫ જેટલા બ્‍લોકમાં જે પૈકી ૨ બ્‍લોકમાં મીયાવાકી થીમ બેઇઝ પ્‍લાન્‍ટેશન કરવામાં આવેલ.

ઇ-બસનું ચાર્જીંગ સ્‍ટેશન

આ ઉપરાંત ૮૦' ફુટ રોડ ખાતે રૂ. ૧૧.૬૩ કરોડના ખર્ચે ૧૫૨૦૦ ચો, મી.માં ઇલેક્‍ટ્રિક બસ માટેનું ચાર્જીંગ સ્‍ટેશનનું નિર્માણ કરવામાં આવેલ. આ ચાર્જીંગ સ્‍ટેશનમાં ૩૧૦૦ વોટનુંᅠHTᅠવીજ કનેક્‍શન, ૨૫૦૦ વોટના ૨ ટ્રાન્‍સફોર્મર, પેનલ રૂમ, કેબલ ડક્‍ટ, ૨૪૦ કિલો વોટના ૧૪ ચાર્જર સહિતનો તમામ ઇલેક્‍ટ્રિક બસ માટેનો ચાર્જીંગ શેડ વિગેરે સહીતની સુવિધા ઉપલબ્‍ધ કરાયેલ છે.

સીટીમાં ૨૩ ઇલેકટ્રીક

બસ દોડશે

વિશેષમાં,  મહાનગરપાલિકાએ પ્રથમ તબક્કાએ ૫૦ ઇલેક્‍ટ્રિક બસ મંજુર કરવામાં આવેલ જે પૈકી અગાઉ ૨૩ બસનું લોકાર્પણ કરવામાં આવેલ. આ ઇલેક્‍ટ્રિક બસોᅠBRTSᅠરોડ પર તથા ૧ ઇલેક્‍ટ્રિક બસᅠAIIMSᅠના રૂટ પર ચલાવવામાં આવે છે. આવતીકાલે વિશેષ ૨૩ મીડી ઇલેક્‍ટ્રિક બસનું લોકાર્પણ કરવામાં આવશે. જેમાં કુલ ૨૭ મુસાફરો માટે આરામદાયક બેસવાની સુવિધા રહેશે. ઇ-બસમાં ફૂલી ઓટોમેટિક પ્રવેશ દ્વારા તથા ઇમરજન્‍સી દ્વારા, મુસાફરોની સલામતી માટેᅠSOS –Emergency Alarmની સુવિધા, કેમેરા, મનોરંજન માટે રેડીઓ સિસ્‍ટમ વિગેરે જેવી સુવિધાઓ આપવામાં આવેલ છે.ᅠᅠ

વિવિધ લોકાર્પણો - ખાતમુર્હુતો

આ ઉપરાંત શહેરના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ તથા ખાતમુર્હુત કરવામાં આવશે. જેમાં વોર્ડ નં. ૧૫, ૧૭, ૧૮માં ડ્રેનેજ પમ્‍પીંગ સ્‍ટેશન, વોર્ડ નં. ૧૪ ગુરુકુળ પમ્‍પીંગ સ્‍ટેશન ખાતે બનાવવામાં આવેલ ક્‍વોલીટી કંટ્રોલની લેબોરેટરીનું લોકાર્પણ અને વોર્ડ નં.૩ અને ૪માં વોર્ડ ઓફીસ, રેલનગર વિસ્‍તારમાંᅠESR-GSRᅠઅને વોર્ડ નં. ૨માં બજરંગવાડી ખાતે આરોગ્‍ય કેન્‍દ્રનું ખાતમુર્હુત કરવામાં આવશે.

આ પ્રસંગે કર્ણાટકના પૂર્વ રાજયપાલ વજુભાઈ વાળા, પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી, રાજકોટના પ્રભારી મંત્રી તથા રાજયના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી, વાહન વ્‍યવહાર મંત્રી અરવિંદભાઈ રૈયાણી, સાંસદ મોહનભાઈ કુંડારિયા, રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ધારાસભ્‍ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, બક્ષીપંચ મોરચાના અધ્‍યક્ષ ઉદયભાઈ કાનગડ, ડે. મેયર ડો. દર્શીતાબેન શાહ, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, જીતુભાઈ કોઠારી, નરેન્‍દ્રસિંહ ઠાકુર, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, વિરોધ પક્ષ નેતા ભાનુબેન સોરાણી, દંડક સુરેન્‍દ્રસિંહ વાળા તેમજ જુદી જુદી સમિતિના કોર્પોરેટરો, અધિકારીઓ, નગરજનો ઉપસ્‍થિત રહેશે.

(3:51 pm IST)