Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

સત્યેનના ભૂંડા પ્રયોગો...પડોશી તરીકે જેનું ધ્યાન રાખવાનું હોય એ માસુમ બાળકોની જાતિય સતામણી

મુળ યુપીના ૨૬ વર્ષના શખ્સ સામે પોકસો હેઠળ કાર્યવાહીઃ કોરોના ટેસ્ટ બાદ ધરપકડ થશે : ઓરડીમાં રહેતી મહિલાએ પોતાના માસુમ દિકરા-દિકરીને બિભત્સ ચાળા કરતાં જોતાં હેબતાઇ ગઇ...કોણે શીખવ્યું પુછતાં-સત્યેન ભૈયાનું નામ દીધું : બાળકોને મોબાઇલમાં ડાગલા-ડુગલી જોવાના બહાને બોલાવતો ને ન કરવાનું કરતો'તો : બાળક સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચરવા પ્રયાસ કરતો, તે ના પાડે તો થપ્પડો મારતો!

રાજકોટ તા. ૧૫: પહેલો સગો પડોશી...એવી કહેવત છે. સામાન્ય રીતે માસુમ બાળકો પણ પડોશીઓને ત્યાં જ વધુ રમતાં હોય છે. પરંતુ ઘણીવાર આવા બાળકોનું પડોશીઓ જ જાતિય શોષણ કરવા માંડે છે. એક આવો જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સાધુ વાસવાણી રોડ પર રાજપેલેસ એપાર્ટમેન્ટ પાછળ આરએમસી કવાર્ટરની સામેની સાઇડમાં ઓરડીમાં રહેતાં સત્યેન ભૈયા નામના મુળ યુપીના શખ્સની ભૂંડી હરકતો સામે આવતાં પોલીસે તેને પોકસો સહિતની કલમો હેઠળ કાયદાની ચુંગાલમાં લઇ હવસખોરી ઉતારવા તજવીજ આદરી છે.

સત્યેન નામનો આશરે ૨૬ વર્ષના આ શખ્સ સામે મહિલા પોલીસ સ્ટેશનમાં  આઇપીસી ૩૫૪ (એ) અને પોકસોની કલમ હેઠળ એક મહિલાની ફરિયાદ પરથી ગુનો દાખલ થયો છે. આ શખ્સ પડોશી મહિલાના છ-સાત વર્ષના દિકરા દિકરી તથા બીજા પડોશીની એક માસુમ દિકરીને મોબાઇલ ફોનમાં ડાગલા ડૂગલી દેખાડવાના બહાને અને રમાડવાના બહાને બોલાવી તેની સાથે ન કરવાનું કરતો હોવાનો આરોપ મુકાયો છે. તે બાળકોને રૂમમાં લઇજઇ શરીરે હાથ ફેરવી કિસ કરી બાળકીને અત્યંત બિભત્સ અડપલા કરી તેમજ બાળકને પણ અર્ધનગ્ન કરી સૃષ્ટિવિરૂધ્ધનું કૃત્ય આચરવા પ્રયાસ કરતો હતો અને બાળક ના પાડે તો તેને થપ્પડ મારતો હતો. તેવો આરોપ ફરિયાદમાં મુકાયો છે.

મુળ યુપીનો આ શખ્સ ફર્નિચર કામની મજૂરી કરે છે. તેની સામેની ઓરડીઓમાં પણ મજૂર પરિવારો જ રહેતાં હોઇ તેઓ કામે જતાં રહે પછી તેના બાળકોનું એક પડોશી તરીકે ધ્યાન રાખવાને બદલે સત્યેને તેની સાથે ભૂંડા પ્રયોગો આદર્યા હતાં. આ પછી માસુમ એવા સગા ભાઇ-બહેને પોતાના ઘરમાં બિભત્સ હરકતો કરતાં તેની માતા આ જોઇ હેબતાઇ ગઇ હતી. આવું કોણે શીખવ્યું? તેમ પુછતાં સત્યેન સામે આંગળી ચીંધતા લોકોએ ભેગા થઇ સત્યેનને પાઠ ભણાવી પોલીસને સોંપ્યો હતો.

પીઆઇ એસ.આર. પટેલની રાહબરીમાં પીએઅસાઇ કે. જી. જલવાણી અને હિતેન્દ્રભાઇ ગઢવીએ ગુનો નોંધી આરોપીનો કોરોના ટેસ્ટ કરાવવા તજવીજ આદરી છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ વિધીસર ધરપકડ કરી આગળ કાર્યવાહી કરાશે.

(2:42 pm IST)