Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

લોકડાઉનના બે દિવસ અગાઉ લગ્ન થયા'તાઃ ૨૩ વર્ષના યુવાને ફાંસો ખાઇ લીધોઃ કોળી પરિવારમાં શોકની કાલીમા

ડેકોરેશનનો ધંધો કોરોનાને કારણે ઠપ્પ થતાં ગાંધીગ્રામના વિશાલે જિંદગીથી છેડો ફાડ્યો : ચિઠ્ઠીમાં લખ્યું- સોરી મમ્મી-પપ્પા, કોઇનો વાંક નથી મારી મરજીથી કરુ છું

રાજકોટ તા. ૧૫: કોરોના અને લોકડાઉને અનેકના ધંધા-રોજગારની પથારી ફેરવી નાંખી છે. કેટલાયએ આ કારણે આપઘાત પણ કરી લીધા છે. વધુ એક બનાવમાં ગાંધીગ્રામ શાસ્ત્રીનગરના યુવાને કોરોના અને લોકડાઉનને કારણે પોતાનો ડેકોરેશનનો ધંધો ઠપ્પ થઇ જવાને કારણે ગળાફાંસો ખાઇ જિંદગી ટુંકાવી લીધી છે. કરૂણતા એ છે કે હજુ છ મહિના પહેલા જ એટલે કે લોકડાઉન આવ્યું તેના બે દિવસ અગાઉ જ તેના લગ્ન થયા હતાં.

ગાંધીગ્રામ શાસ્ત્રીનગર-૧૭/૨ના ખુણે રહેતો વિશાલ સવજીભાઇ જોગડીયા (ઉ.વ.૨૩) નામનો કોળી યુવાન સવારે ઉપરના રૂમમાંથી મોડે સુધી નીચે ન આવતાં માતા હંસાબેન જગાડવા ગયા હતાં. પરંતુ દરવાજો ન ખોલતાં તેણે બીજા દિકરાને મોકલ્યો હતો. તેણે લોબીમાં જઇ બારીમાંથી જોતાં વિશાલ લટકતો જોવા મળતાં દેકારો મચાવી મુકયો હતો. દરવાજો તોડીને પરિવારજનો અંદર પહોંચ્યા હતાં.

ઘટનાની જાણ થતાં ગાંધીગ્રામ-૨ના હેડકોન્સ. અજયસિંહ ચુડાસમા સહિતે પહોંચી કાર્યવાહી કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ આપઘાત કરનાર વિશાલ બે ભાઇ અને બે બહેનમાં સોૈથી નાનો હતો. તેના લગ્ન જાગૃતિ નામની યુવતિ સાથે લોકડાઉન અમલમાં આવ્યું તેના બે દિવસ અગાઉ જ થયા હતાં. વિશાલ ડેકોરેશનનો ધંધો કરતો હતો. પરંતુ લોકડાઉન આવતાં ત્યારથી તેનો ધંધો ઠપ્પ હતો. હાલમાં તેણે ઓનલાઇન બિઝનેસ કરતી કંપનીમાં ડિલીવરીમેન તરીકે કામ પણ શરૂ કર્યુ હતું. પણ મુળ ધંધો ઠપ્પ થઇ ગયો હોઇ સતત આર્થિક ભીંસ અનુભવતો હતો. લગ્ન થયા ને તુરત જ કોરોનાને કારણે કામ વિહોણો થઇ ગયો હોઇ તે કારણે પણ તે સતત ટેન્શનમાં હતો અને આજે આ પગલુ ભરી લીધું હતું.

તેણે એક ચિઠ્ઠી પણ લખી છે. જેમાં 'કોઇનો વાંક નથી, મારી મરજીથી કરું છું, સોરી મમ્મી પપ્પા' એટલુ લખાણ લખેલુ છે. ઘટનાથી છ માસ પહેલા જ સોળે શણગાર સજી સંસાર જીવનની શરૃઆત કરનાર જાગૃતિના અરમાનો ચકનાચુર થઇ ગયા છે.

(3:43 pm IST)