Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

રાજકોટ શહેર-જીલ્લામાં ૧૦૦ કરોડના નુકશાનનો પ્રાથમિક અંદાજ લોધીકા માટે ૧૦ કરોડ માંગતા કલેકટર : ૭૫ કરોડના પૂલ-કોઝવે સાફ

રાજકોટ કોર્પોરેશનને ૩.૯ કરોડનું નુકશાનઃ નગરપાલિકા ક્ષેત્રમાં ૬ કરોડના રસ્તા તૂટી ગયા : હજુ ૫૩૭ લોકોનું સ્થળાંતરઃ કેશડોલ્સ અપાશેઃ જીલ્લામાં કુલ ૧૫ મકાન તૂટી ગયાઃ ૫૫ પશુના મોત : જીલ્લાના ૧૨૮ ગામોના ૪૩૯૯ હેકટર ખેતીનો પાક સાફ થઈ ગયોઃ સૌથી વધુ લોધીકા તાલુકામાં ૨૪૦૦ હેકટરઃ સૌથી ઓછો રાજકોટ ક્ષેત્રમાં ૯૦ હેકટર પાકનું ધોવાણ : જીલ્લાના ૬ ડેમ હાઉસફુલ, ૬ ડેમમાં ૮૦ ટકાથી વધુ પાણીઃ રાજકોટ સિંચાઈના તમામ ડેમોમાં ૫૦ ટકાથી વધુ પાણી ઠલવાયુઃ પત્રકારોને વિગતો આપતા કલેકટર અરૂણ મહેશબાબુ..

રાજકોટ, તા. ૧૬ :. રાજકોટ જીલ્લા કલેકટર શ્રી અરૂણ મહેશબાબુએ જીલ્લામાં ભારે વરસાદ અને પૂરના પાણીને કારણે મકાનો, ખેતી, દિવાલો, રસ્તા, કોઝવે, પૂલ, બ્રીજ, જૂના પૂલ, સરકારી મિલ્કતો, કમ્પાઉન્ડ વોલ સહિતની બાબતે નુકશાનીની વિગતો પત્રકારોને આજે પ્રાથમિક અંદાજ મુજબ આપી હતી અને જીલ્લામાં અસરગ્રસ્ત તમામ વિસ્તારોમાં પંચાયતની ટીમો સર્વે કરી રહ્યાનું ઉમેર્યુ હતુ. પત્રકારો સાથેની વાતચીત દરમિયાન ડીડીઓ શ્રી દેવ ચૌધરી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

કલેકટરે પત્રકારોને જણાવ્યુ હતુ કે શહેરમાં ૩.૯ કરોડ (ફાઈનલ આંકડો કોર્પોરેશન જણાવી શકે છે) સહિત જીલ્લામાં ભારે વરસાદ-પૂરને કારણે ૧૦૦ કરોડના નુકશાનનો પ્રાથમિક અંદાજ છે. આમા લોધીકા ક્ષેત્રમાં ૨૫ ઈંચથી વધુ પડેલા ભારે વરસાદને કારણે આ તાલુકામાં વધુ નુકશાન હોય સરકાર પાસે લોધીકા માટે જ ૧૦૦ કરોડની ખાસ ગ્રાંટ મંગાઈ છે. જીલ્લામાં કુલ ૩૩૦૦ લોકોનું સ્થળાંતર કરાયેલ, તેમાંથી ૨૭૩૩ પરત ફર્યા છે. ૫૩૭ લોકો હજુ સ્થળાંતર હોય તેમને ત્રણ દિવસનું કેશડોલ્સ આપવાનુ શરૂ કરાશે. જીલ્લામાં પ્રાથમિક સર્વે મુજબ ૧૫ મકાનો તૂટી પડયા છે, ૫૫ પશુના મોત થયા છે.

તેમણે ઉમેર્યુ હતુ કે જીલ્લામાં બ્રીજ-કોઝવે તૂટી પડતા ૪૦ કરોડનું નુકશાન થયુ છે. જ્યારે જૂના ૫ પૂલ તૂટી પડતા ૩૫ કરોડના નુકશાનનો અંદાજ છે. નાલા, પૂલીયા તૂટી પડતા ૧૫ કરોડના નુકશાનનો પ્રાથમિક અંદાજ બહાર આવ્યો છે. આ ઉપરાંત મકાન, કમ્પાઉન્ડ વોલ, રોડ રસ્તા સાફ થઈ જવા, ખાસ કરીને નગરપાલિકા ક્ષેત્રમાં ૬ કરોડના રસ્તા સાફ થઈ ગયા છે.

તેમણે ઉમેર્યુ કે જીલ્લામાં ૩૮ રસ્તા બ્લોક હતા તે પુનઃ શરૂ થઈ ગયા છે. ૨૭ ગામોમાં વીજ પુરવઠો ઠપ્પ હતો તે ચાલુ કરી દેવાયો છે. ૧૭ વીજ ટ્રાન્સફોર્મર બદલવા કાર્યવાહી થઈ રહી છે.

ખેતીના પાકના ધોવાણ અંગે તેમણે જણાવ્યુ હતુ કે જીલ્લામાં કુલ ૧૨૮ ગામોમાં ૪૩૯૯ હેકટર ખેતીનો પાક સાફ થઈ ગયો છે. જેમાં લોધીકામાં ૨૪૦૦ હેકટર, ગોંડલ ૪૫૦, ધોરાજી ૧૮૦, પડધરી ૧૬૮, રાજકોટ ૯૦ અને ઉપલેટા પંથકમાં ૮૫૦ હેકટરમાં પાકને નુકશાન ગયુ છે.

કલેકટરે જણાવ્યુ હતુ કે રાજકોટ સિંચાઈ હસ્તકના તમામ ડેમમાં ૫૦ ટકા ઉપર પાણી છે. જે ૬ ડેમ હાઉસફુલ છે. તેમાં આજી-૩, વેરી, છાપરવાડી, ખોડાપીપર અને છલોછલમાં ન્યારી-૧, ન્યારી-૨, મોજ, વેણુ-૨, લાલપરી, કર્ણકીનો સમાવેશ થાય છે.

હાલ આપણી પાસે એનડીઆરએફની ૩ અને એસડીઆરએફની ૨ ટીમ તૈનાત છે. ઈન્ડીયન નેવીની ટીમ પરત મોકલાઈ છે. સ્થળાંતરની જરૂર પડે તો રાજકોટમાં શેલ્ટર હોમ, વાડી-સ્કૂલ સહિત કુલ ૩૦૪ સ્થળો રેડી છે. તેવી જ રીતે જીલ્લામાં ગ્રામ પંચાયત ભવન, સ્કૂલ, પાલિકા ક્ષેત્રમાં હોલ-ભવન વિગેરે તૈયાર છે.

(3:16 pm IST)