Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

જુના ડખ્ખાના સમાધાન માટે ભેગા થયા અને ફરી ડખ્ખોઃ મોહસીન તથા વિનુભાઇ પર હુમલો

જીલ્લા ગાર્ડન બાપુનગર પાસે સુરેશ, રાહુલ, સિકલો સહિતે ધોકાવાળી કરી

રાજકોટ તા. ૧૬: રામનાથપરા ભવાનીનગરમાં રહેતાં બે મિત્રો અગાઉના મનદુઃખનું સમાધાન કરવા જીલ્લા ગાર્ડન બાપુનગર રોડ પર ગયા ત્યારે અગાઉની માથાકુટનો ખાર રાખી ચાર જેટલા શખ્સોએ છરી, લાકડીથી હુમલો કરતાં બંનેને ઇજા થઇ હતી.

ભવાનીનગરમાં રહેતાં અને પાનની દૂકાન ચલાવતાં મોહસીન નાસિરભાઇ તાયાણી (ઉ.૨૪) તથા તેના મિત્ર હીરાઘસુ વિનોદભાઇ સોમાભાઇ શિયાળ (ઉ.૪૫) રાતે અગિયારેક વાગ્યે બાપુનગર રોડ જલારામ ચીકી પાસે હતાં ત્યારે સુરેશ ઉર્ફ લાલો, રાહુલ ઉર્ફ અચો, સિકલો અને અજાણ્યાએ ઝઘડો કરી હુમલો કરી બંનેને ઘાયલ કરતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં એ-ડિવીઝન પોલીસને જાણ કરાઇ હતી. મોહસીનને અગાઉ સુરેશ સાથે માથાકુટ થઇ હોઇ તે બાબતનું સમાધાન કરવા બધા ભેગા થયા હોઇ ફરીથી ચડભડ થતાં હુમલો કરાયો હોવાનું જણાવાયું હતું.

હુડકો ચોકડીના દિવ્યેશ પર જંગલેશ્વરમાં હુમલો

હુડકો ચોકડી ખોડિયાર ટેકરી પાસે રહેતા અને લાદીકામની મજૂરી કરતાં દિવ્યેશ કાંતિભાઇ મારૂ (ઉ.૨૫)ને રાતે બારેક વાગ્યે જંગલેશ્વર ૩૩માં કાદરી ચીકનવાળી શેરીમાં હતો ત્યારે મોહસીન અને સલિમે ઝઘડો કરી ધોકાથી માર મારતાં સિવિલમાં દાખલ થતાં ભકિતનગર પોલીસને જાણ કરાઇ હતી. જો કે તેણે રાતે જ રજા લઇ લીધી હતી.

આંબેડકરનગરના ચંદ્રીકાબેનને ઢીકાપાટુનો માર

કાલાવડ રોડ આંબેડકરનગર-૬માં રહેતાં ચંદ્રીકાબેન ભુપતભાઇ ચંદ્રપાલ (ઉ.૩૩)ને રાતે સાડા અગિયારેક વાગ્યે સુનિલ, દિવ્યેશ, વિનુ અને ચંદ્રિકાબેન વિનુએ ઝઘડો કરી ઢીકાપાટુનો માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં તાલુકા પોલીસને જાણ કરાઇ હતી. 

(3:26 pm IST)