Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

ગળા પર કોયતો ઝીંકી યુપીના નિર્મોહી ચૌહાણની ક્રુર હત્યા : બે મહિના પહેલા જ લગ્ન થયા'તા

મવડી ૧૫૦ રીંગ રોડ પર ફોર્ચ્યુન હોટેલ પાછળ ગેલ આઇ સોસાયટીમાં રાતે ઘટનાઃ દોટ મુકી કાર સાથે અથડાઇને પડી જતો હોય તેવા સીસીટીવી ફૂટેજ વાયરલ : ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં બીજો હતો : એક ભાઇ પંજાબ રહે છે, એક રાજકોટ મેટોડા જીઆઇડીસીમાં : હત્યાનો ભોગ બનનાર યુવાન મવડી સોરઠીયા સમાજની વાડી સામેના કારખાનામાં કામ કરતો હતોઃ ગઇકાલે સાંજે જ ઓનલાઇન પાંચ હજાર રૂપિયા વતનમાં ટ્રાન્સફર કરાવ્યા હતાં: એક ભાઇ મેટોડા રહેતો હોઇ તેને બોલાવાયોઃ કારખાના માલિકે મૃતદેહ ઓળખી બતાવ્યોઃ રૂમ પાર્ટનરો સહિતની પુછતાછ : તાલુકા પોલીસ અને ક્રાઇમ બ્રાંચની ટીમોનો તપાસનો ધમધમાટ : ત્રણ મહિના પહેલા જ રાજકોટ આવ્યો હતોઃ તે ગરમ મગજનો હતોઃ ઝડપથી ઉશ્કેરાઇ જતો'તો : પૈસાની લેતીદેતીમાં હત્યા થઇ કે અન્ય કારણે? તે અંગે તપાસનો ધમધમાટ

હત્યાનો ભોગ બનનાર નિર્મોહીલાલ ચૌહાણનો નિષ્પ્રાણ દેહ, ગળા પરનો મોટો ઘા, તેનો ફાઇલ ફોટો અને રાતે તેના પર હુમલો થયા બાદ તે દોટ મુકીને ભાગતી વખતે ઉભેલી કાર સાથે અથડાઇને પડી ગયો તેના સીસીટીવી ફૂટેજના દ્રશ્યો જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૧૬: મવડી ૧૫૦ ફુટ રીંગ રોડ પર ફોર્ચ્યુન હોટેલ પાછળ જસરાજનગરના ખોડિયાર ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં ગેલઆઇ સોસાયટીના ખુણા પાસે રાત્રીના એક યુવાનની ગળા પર કૂહાડા કે કોયતા જેવા હથીયારનો ઘા ઝીંકી હત્યા કરી નાંખવામાં આવતાં ચકચાર મચી ગઇ હતી. આ યુવાન દોડતો દોડતો આવી ઉભેલી કાર સાથે અથડાઇને પડી ગયા બાદ લોકો ભેગા થઇ જાય છે એ દ્રશ્ય સીસીટીવી કેમેરામાં કેદ થયું હતું. યુવાન પર પાછળની શેરીમાં હુમલો થયાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. પોલીસે રાતભર દોડધામ કરતાં હત્યાનો ભોગ બનનાર યુવાન મુળ યુપીના બલરામપુરનો હોવાનું ખુલી જતાં ભેદ ઝડપથી ઉકેલાઇ જવાની આશા જન્મી છે. પોલીસે કેટલાક શખ્સોની પુછતાછ આદરી છે. કરૂણતા એ છે કે હત્યાનો ભોગ બનનારના હજુ બે મહિના પહેલા જ લગ્ન થયા હતાં.

પ્રાપ્ત માહિતી મુજબ મવડી ૧૫૦ રીંગ રોડ પર ફોર્ચ્યુન હોટેલ પાછળ ગેલ આઇ સોસાયટીના ખુણા પર એક યુવાન ઓચીંતો ખુબ ઝડપથી દોડતો આવી ઉભેલી કાર સાથે અથડાઇને પડી ગયો હતો. તેના ગળા પર મોટો કાપો હોઇ લોહીનું ખાબોચીયુ ભરાઇ ગયું હતું. આ વખતે જ ત્યાંથી બે બહેનો નીકળતાં શું થયું તે જોવા તેઓ પડી ગયેલા યુવાન પાસે આવે છે. તેમજ નજીકમાં આવેલી દૂકાનેથી યુવાનો દોડી આવે છે. આ દ્રશ્યો સીસીટીવી ફૂટેજમાં દેખાયા હતાં.

ઘાયલ યુવાનને ૧૦૮ મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ તેનું મોત નિપજ્યું હોઇ હોસ્પિટલ ચોકીના એએસઆઇ રાજુભાઇ બી. ગીડાએ જાણ કરતાં તાલુકા પીઆઇ જે. વી. ધોળા, પીએસઆઇ એન. ડી. ડામોર, એએસઆઇ આર. બી. જાડેજા, મોહસીનખાન, અમીનભાઇ, હરસુખભાઇ, મનિષભાઇ, ધર્મરાજસિંહ, હર્ષરાજસિંહ, ભરતભાઇ વનાણી, વિજયગીરી ગોસ્વામી સહિતનો સ્ટાફ બનાવ સ્થળે અને હોસ્પિટલે દોડી ગયો હતો.

ઘટનાની જાણ થતાં ક્રાઇમ બ્રાંચના પીઆઇ વી. કે. ગઢવી, પીએસઆઇ પી. એમ. ધાખડા, નગીનભાઇ ડાંગર , મયુરભાઇ પટેલ, સિધ્ધરાજસિંહ, પ્રદિપસિંહ, સહિતનો કાફલો પણ પહોંચી ગયો હતો. પોલીસે તપાસ કરતાં અજાણ્યો યુવાન ગળા પર થયેલા ઘા સાથે દોટ મુકીને જે  શેરીમાં આવી કાર સાથે અથડાઇને પડી જાય છે એ જગ્યાની પાછળની શેરીમાં તેના પર હુમલો થયાનું ત્યાં મળેલા લોહીના ડાઘા પરથી જણાયું હતું.

હત્યાનો ભોગ બનના કોણ, હત્યા કોણે અને શા માટે કરી? તે શોધવા તાલુકા પોલીસ અને ક્રાઇમ બ્રાંચની ટીમોએ રાતભર દોડધામ કરી હતી. દરમિયાન સવારે હત્યાનો ભોગ બનનાર યુવાનની ઓળખ થઇ હતી.

હત્યાનો ભોગ બનનાર યુવાનનું નામ નિર્મોહીલાલ રામતિરથ ચૌહાણ (ઉ.વ.૨૪) હોવાનું અને તે મુળ યુ.પી.ના બલરામપુરના મહાદવે અંતરપરી દેવપુરા વિસ્તારનો વતની હોવાનું તથા હાલમાં તાલુકા પોલીસ મથક હેઠળના વિસ્તાર અજંતા ઇન્ડસ્ટ્રીઝ એરિયા સોરઠીયા સમાજની વાડી સામે આવેલા કારખાનામાં કામ કરી ત્યાં નજીકમાં ઓરડીમાં બીજા મજૂરો સાથે રહેતો હોવાનું ખુલ્યું હતું. તેનો એક ભાઇ મેટોડા જીઆઇડીસીમાં નોકરી કરતો હોઇ તેને પોલીસે બોલાવ્યો હતો. નિર્મોહીલાલ જ્યાં કામ કરતો હતો એ કારખાનાના માલિકનું નામ પ્રશાંતભાઇ મનુભાઇ પટેલ છે. તેણે મૃતદેહ ઓળખી બતાવ્યો હતો.હત્યાનો ભોગ બનનાર નિર્મોહી ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં બીજો હતો. તેના મોટા ભાઇનું નામ ભભૂતી ચોેહાણ છે, તે પંજાબમાં રહે છે. નાનો ભાઇ વિજયબહાદુર ચૌહાણ મેટોડા જીઆઇડીસીમાં ગોૈતમ કંપનીમાં નોકરી કરે છે અને વિરડા વાજડી રહે છે. બહેનોના નામ જ્ઞામા, મીના અને રીના છે. નિર્મોહી ત્રણેક મહિના પહેલા રાજકોટ આવ્યો હતો અને કારખાનામાં કામે રહ્યો હતો. એકાદ મહિનો કામ કર્યા બાદ થોડા દિવસ માટે લગ્ન કરવા વતન ગયો હતો અને લગ્ન બાદ ફરીથી રાજકોટ આવી ગયો હતો. બે મહિના પહેલા જ તેના લગ્ન રીટાદેવી સાથે થયા હતાં. તે વતનમાં રહે છે.

નિર્મોહી સાથે અજંતા એન્ટરપ્રાઇઝ નામના કારખાનાની રૂમમાં તેના જ વતનનો રામપ્રસાદ ચૌહાણ અને મામા જંગબહાદુર  રહે છે. આ બંનેની પોલીસે પુછતાછ કરી હતી. જંગબહાદુર ગઇકાલે બુધવારની રજા હોઇ બહાર ગયો હતો. સાંજે પાંચ આસપાસ નિર્મોહી પણ રામપ્રસાદને હમણા આવુ છું કહીને નીકળ્યો હતો. રામપ્રસાદે તેને બહાર જતો હોય તો બકાલુ લેતો આવજે તેમ કહ્યું હતું. પરંતુ સાડા આઠ સુધી તે પાછો ન આવતાં રામપ્રસાદે રસોઇ બનાવી હતી અને નિર્મોહીને ફોન જોડ્યો હતો. પણ ફોન રિસીવ થયો નહોતો. ત્યાં જંગબહાદુર પણ રૂમે આવી ગયો હતો. બંનેએ શોધખોળ કરી હતી પણ નિર્મોહી ન મળતાં તેના ભાઇ પાસે ગયાનું સમજીને બંને સુઇ ગયા હતાં. ત્યાં સવારે તેની હત્યાની ખબર પડી હતી.

પોલીસે રાતે મૃતકની ઓળખ મેળવવા તપાસ શરૂ કરી ત્યારે તેની પાસેથી મવડી વિસ્તારની શિવમ મોબાઇલ નામની દૂકાનનું બીલ મળ્યું હતું. ત્યાં તપાસ કરતાં એવું જાણવા મળ્યું હતું કે મૃતકે સાંજે પાંચ વાગ્યે જ પોતાના વતન યુપીના બલરામપુરમાં ઓનલાઇન રૂ. ૫ હજાર ટ્રાન્સફર કરાવ્યા હતાં. પોલીસે યુવાન જ્યાં કારમાં અથડાઇને પડી ગયો એ વિસ્તારના બીજા ફૂટેજ ચેક કરતાં ત્રણેક શખ્સો ભાગતાં દેખાયા હોઇ તેના આધારે શકમંદોની શોધખોળ હાથ ધરી હતી. હત્યાનો ભોગ બનનારના રૂમ પાર્ટનરની પુછતાછ પણ શરૂ કરવામાં આવી છે. હત્યાનો ભેદ ઝડપથી ઉકેલાઇ જવાની પોલીસને આશા છે. પીઆઇ જે. વી. ધોળા, પીએસઆઇ એન. ડી. ડામોર, પીઆઇ વી. કે. ગઢવી, પીએસઆઇ પી. એમ. ધાખડા અને તાલુકા-ક્રાઇમ બ્રાંચની ટીમો ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એસ. ગેડમ, એસીપી ડી. વી. બસીયાની રાહબરીમાં વધુ તપાસ કરી રહી છે.

  • ક્રાઇમ બ્રાંચે બપોરે ફરી ઘટના સ્થળે

. ક્રાઇમ બ્રાંચની એક ટૂકડી આજે બપોરે ફરીથી ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. હુમલો થયા બાદ ભાગીને નિર્મોહી કાર સાથે અથડાઇને પડી જાય છે એ તરફ સીસીટીવી કેમેરો છે. પરંતુ જ્યાં હુમલો થયો એ શેરી આસપાસ કેમેરો ન હોઇ પોલીસે આગળ કયાંય કેમેરા છે કે કેમ? હત્યારા કઇ તરફ ભાગ્યા? એ સહિતની વિગતો મેળવવા મથામણ આદરી છે. 

(3:30 pm IST)