Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

આજી ર૮ ફુટે પહોંચ્યોઃ ગમે ત્યારે છલકાશે અમીત અરોરા ડેમ સાઇટ પર દોડી ગયા

નદી કાંઠો તથા નીચાણવાળા વિસ્તારોમાં હાઇ એલર્ટ : બેડી ફીલ્ટર પ્લાન્ટનું પણ નિરીક્ષણ કરતા મ્યુ. કમિશ્નર

રાજકોટ, તા., ૧૬: શહેરનાં પાણી વિતરણનાં આધાર સ્તંભ સમા આજી-૧ ડેમની સપાટી ર૮ ફુટે પહોંચી ગઇ છે. ર૯ ફુટે આ ડેમ ઓવરફલો થાય છે અને હજુ નવા પાણીની ધીમી આવક ચાલુ છે ત્યારે આજી ડેમ હવે ગમે તે સમયે ઓવરફલો થઇ જાય તેવા પુરા સંજોગો છે. તેથી મ્યુ. કમિશ્નર અમીત અરોરા આજે સવારે આજી ડેમ સાઇટ ઉપર દોડી ગયા હતા અને ડેમ ઓવરફલો થયા બાદ નીચાણવાળા વિસ્તારો, તેમજ આજી નદી કાંઠાના વિસ્તારોમાં હાઇ એલર્ટની સ્થિતિ જાહેર કરી હતી.

આ અંગેની વિગતો મુજબ ભારે વરસાદ બાદ આજી ડેમમાં નવા નીર આવ્યા જે રાજકોટની જનતા માટે હર્ષની લાગણી કહેવાય. આજે તા. ૧૬-૦૯-૨૦૨૧ના રોજ મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરાએ અધિકારીઓ સાથે આજી ડેમ અને બેડી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત કરી હતી. હાલ આજી ડેમમાં ૨૮ ફૂટ પાણી ભરેલ છે. ત્યારે કમિશનરશ્રીએ ડેમની ક્ષમતા, ઉપલબ્ધ જળ રાશી, તેમજ હવે આગામી સમયમાં ડેમ ઓવરફ્લો થાય એમ છે ત્યારે નીચાણવાળાં વિસ્તારોને એલર્ટ મોડ પર રાખવા વગેરે બાબતો અંગે ચર્ચા કરી હતી.

આ ઉપરાંત કમિશનરશ્રીએ બેડી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત કરી સમગ્ર પ્લાન્ટ કઈ રીતે કાર્ય કરે છે તેની વિગતો મેળવી હતી તેમજ તેમની ઉપસ્થિતિમાં પ્રાપ્ત થયેલ પાણી અને શુધ્ધ થયેલ પાણીની વિગતો મ્યુનિ. કમિશનરશ્રીએ મેળવી હતી.

વિઝિટ દરમ્યાન મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરા સાથે પી.એ. (ટેક) ટુ કમિશનરશ્રી રસિક રૈયાણી, સિટી એન્જી. શ્રી એમ. આર. કામલીયા, સિટી એન્જી. વાય. કે. ગૌસ્વામી ઉપસ્થિત રહ્યા હતા. 

(4:08 pm IST)