Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

૧૧-૧૧ વર્ષની બે સખી ફરવા નીકળી ગઇ અને સ્વજનો-પોલીસ ધંધે લાગ્યાઃ ઘરની યાદ આવતાં જાતે પરત આવી

દિવાળી તહેવારમાં ફરવા જવુ હતું પણ ઘરે વાત કરે તો ન જવા દે એટલે કહ્યા વગર નીકળી ગઇ : વાલીઓ માટે લાલબત્તીરૂપ કિસ્સોઃ બાળકોની કાળજીપુર્વક સંભાળ રાખવી જરૂરીઃ પીઆઇ કે. એન. ભુકણ : એસટી બસ સ્ટેશનેથી ખાનગી વાહનમાં બેસી રવાના થઇઃ અધવચ્ચેથી પરત આવીને રામનગરમાં પહોંચી ત્યાં પોલીસે શોધી : સદ્દનસિબે કોઇ લેભાગુના હાથમાં ન આવી એ સોૈ માટે હાશકારા સમાનઃ ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ગેડમ સતત ટીમોને દોડાવતા રહ્યા

રાજકોટ તા. ૧૫: બાળકો ઘણીવાર અણસમજમાં કોઇ પગલુ ભરી લેતાં હોય છે તેના કારણે પોતે અને સ્વજનો ચિંતામાં મુકાઇ જતાં હોય છે. ગઇકાલે માલવીયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવી જ એક ઘટના બની હતી. જેમાં ૧૧-૧૧ વર્ષની બે બહેનપણી ગૂમ થઇ જતાં પરિવારજનો આકુળ વ્યાકુળ થઇ ગયા હતાં અને ઠેર ઠેર શોધખોળ કરવા છતાં પત્તો ન મળતાં પોલીસ સ્ટેશને પહોંચી જાણ કરતાં પોલીસની ટીમો કામે લાગી હતી. એ દરમિયાન મોડી રાતે આ બંને બાળા આપમેળે પરત આવી ગઇ હતી અને પોતાને દ્વારકા ફરવા જવું હોઇ ઘરે જાણ કરે તો ન જવા દે તેવું લાગતું હોઇ ઘરે કહ્યા વગર નીકળી ગયાનું અને રસ્તામાં ઘરની યાદ આવતાં અધવચ્ચેથી પરત આવી ગયાનું કહેતાં સોૈએ રાહત અનુભવી હતી. સદ્દનસિબે આ બાળકીઓ કોઇ લેભાગુઓના હાથમાં આવી નહોતી.

માલવીયાનગરના પોલીસ સ્ટેશનના પીઆઇ કે. એન. ભુકણે જણાવ્યા મુજબ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતાં બે પરિવારજનોએ રાત્રીના રૂબરૂ આવી જાણ કરી હતી કે બંનેની ૧૧-૧૧ વર્ષની દિકરીઓ રાત્રીના નવ વાગ્યાથી ગૂમ છે. આ બંને બહેનપણી હોવાનું પણ જણાવાયું હતું. એક સાથે બે માસુમ બાળા ગૂમ થઇ હોઇ પોલીસ કમિશનર મનોજ અગ્વાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા અને એસીપી જે. એસ. ગેડમનું ધ્યાન દોરતાં તેમણે બનાવને ગંભીર ગણી તુરત જ ટીમો બનાવી બાળાઓને શોધવા કામે લાગી જવા જણાવતાં અમે ટીમો બનાવી હતી અને બાળાઓના ફોટોગ્રાફસઘ, ઘરેથી નીકળી ત્યારે પહેરેલા કપડાનું વર્ણન, બાળાઓનું વર્ણન સહિતની વિગતો પોલીસ કન્ટ્રોલ રૂમમાં પહોંચાડી હતી અને ટીમોને રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, ખાનગી વાહનોના પીકઅપ સ્ટેન્ડ સહિતના સ્થળોએ તપાસ કરવા રવાના કરી હતી.

સીસીટીવી કેમેરા અને આઇવે પ્રોજેકટના કેમેરા પણ ચેક કરાવ્યા હતાં અને હ્યુમન સોર્સિસના આધારે તપાસ શરૂ કરાવી હતી. આ મહેનત લેખે લાગી હતી અને બંને બાળાને હેમખેમ શોધી કાઢી હતી. આ બાળાઓની મહિલા પોલીસ અધિકારીની હાજરીમાં ફોસલાવીને તેને ગભરાયા વગર સાચી વિગતો જણાવવા કહેવાતાં બંને બહેનપણીએ કહ્યું હતું કે અમે બંને પાક્કી બહેનપણીઓ છીએ અને અમારે દિવાળીના તહેવારમાં દ્વારકા ફરવા જવું હતું. પરંતુ ત્યારે જઇ શકયા નહોતાં. જો ઘરે જાણ કરીએ તો અમને ફરવા જવા ન દે. આથી અમે ગઇકાલે ઘરે કોઇને જાણ કર્યા વગર જ નીકળી ગઇ હતી અને એસટી બસ સ્ટેશને પહોંચી ત્યાંથી ખાનગી વાહનમાં બેસી દ્વારકા જવા નીકળી ગઇ હતી. પરંતુ રસ્તામાં મોડુ થઇ ગયાનું લાગતાં અને ઘરની યાદ આવી જતાં અધવચ્ચે જ ધ્રોલ નજીક પહોંચ્યા ત્યારે ત્યાં જ ઉતરી જઇ પરત ઘરે આવવા વાહનમાં બેસી ગઇ હતી અને રામનગરમાં પહોંચી હતી ત્યારે પોલીસે શોધી લીધી હતી અને તેના વાલીઓને હેમખેમ સોંપી હતી.

નોંધનીય છે કે બાળસહજ માનસને કારણે ઘણીવાર બાળકો આવા પગલા ભરી લેતાં હોય છે. વાલીઓએ આ કિસ્સાને લાલબત્તી સમાન ગણી બાળકોની કાળજીપુર્વક સંભાળ રાખવી જરૂરી છે. સદ્દનસિબે આ બાળાઓ કોઇ લેભાગુઓના હાથમાં ન પહોંચી એ બધા માટે હાશકારારૂપ બન્યું છે.

(3:41 pm IST)