Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

શું આપ નજીકનાં ભવિષ્યમાં રાજ્ય સરકારની સેવામાંથી નિવૃત થઇ રહ્યા છો ? તો નીચેની બાબતો અંગે અત્યારથી જ કાળજી રાખો

આપ નજીકનાં ભવિષ્યમાં રાજય સરકારની સેવામાંથી નિવૃત થઇ રહ્યા છો? અને જો આપને રાજય સરકારની પેન્શન યોજના લાગુ પડતી હોય એટલે કે આપ રાજય સરકારની સેવામાં તા.૦૧/૦૪/૨૦૦૫ પહેલા જાડાયેલા હોય તો આપને પેન્શનના પ્રથમ ચુકવણા મેળવવા માટે કેટલાક ઉપયોગી સુચનો નીચે મુજબ છે.

ખાસ યાદ રહે કે રાજય સરકારશ્રી દ્વારા પેન્શનનાં પ્રથમ ચુકવણા મેળવવા સંદર્ભમાં ઘણી બધી સરળ કાર્યપધ્ધતિ નક્કી કરવામાં આવેલ છે તેથી કોઈ તકલીફ/મુંજવણનો પ્રશ્ન રહે તેમ નથી આમ છતાં નિવૃત થનાર કર્મચારીએ પોતાની રીતે અગાઉથી જે કાળજી/તૈયારી કરવાની છે તેના સંદર્ભમાં નીચે દર્શાવેલ વિગતે અગાઉથી કામગીરી હાથ ધરવામાં આવે તો પેન્શનરોને જે તે સમયે કોઈ પ્રશ્ન ઉપસ્થિત ન થાય તે હેતુથી નીચે દર્શાવેલ બાબતે કાર્યવાહી અનુસરવા આ મારૂ નમ્ર મંતવ્ય છે.

રાજય સરકારની સેવામાં તા.૦૧/૦૪/૨૦૦૫ પહેલા જોડાયેલ કર્મચારીઓને આ પેન્શન યોજના લાગુ પડવામાં આવેલ છે.

રાજય સરકારશ્રીની પેન્શન યોજના અંગેનું નિયમન 'ગુજરાત મુલ્કી સેવા (પેન્શન) નિયમો, ૨૦૦૦'હેઠળ કરવામાં આવે છે.

સામાન્ય રીતે વર્ગ-૧ થી ૩ નાં કર્મચારીએ જે માસમાં અઠાવન વર્ષ પુર્ણ કરે તે માસના આખરી દિવસે અને વર્ગ-૪નાં કર્મચારીએ જે માસમાં સાઈઠ વર્ષની ઉંમર પુર્ણ કરે ત્યારે તે માસના આખરી દિવસે પેન્શન ઉપર ઉતરે છે અને તેને વયનિવૃતિ પેન્શન કહેવામાં આવે છે.

પેન્શન અંગેની સંપુર્ણ વિગતો ફોર્મ નં.૨૧ માં કર્મચારી પાસેથી નિવૃતિનાં ૨૪ માસ અગાઉ પેન્શન મંજુર કર્તા અધિકારીએ મેળવવાની છે. કચેરી દ્વારા આ કાર્યપધ્ધતિ હાથ ન ધરવામાં આવે તો કર્મચારી પોતે આ અંગે જાગૃત રહીને માહિતી પુરી પાડી શકે છે.

નિવૃતિના ૧૨ માસ પહેલા પેન્શન કેઈસ પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ નિયામકશ્રીની કચેરી (ડી.પી.પી.એફ.) ને મોકલવાનો છે.

ફોર્મ નં.૨૧ માં વિગતો ભરતી વખતે નીચેની બાબતો ખાસ કાળજી લેવી.

નિવૃત થતાં કર્મચારીનું નામ અંગ્રેજી અને ગુજરાતી બન્નેમાં લખવાનું છે આ વિગતો ભરતી વખતે કર્મચારીની સેવાપોથીમાં દર્શાવેલ નામ અને કર્મચારીનાં પુરાવાઓ માટે સામેલ આધાર જેવા કે આધાર કાર્ડ/પાન કાર્ડ/બેંક ખાતુ વગેરેમાં કયાંય નામમાં વિસંગતતા ના હોય તેની ખાસ કાળજી રાખવી. જો આ બંન્નેમાં તફાવત હોય તો પહેલા એ સુધારી લેવા. અંગ્રેજી નામના સ્પેલિંગ ખાસ ચકાસી લેવા અને તેમાં જો વિસંગતતા હોય તો તે સુધારવા માટેની કાર્યવાહી હાથ ધર્યા બાદ જ પેન્શન કેઈસમાં વિગતો ભરવી.

પેન્શનર પોતાનું પેન્શન જે જિલ્લા અથવા તાલુકામાંથી મેળવવા માંગતા હોય તે જિલ્લા અને તાલુકા બન્નેનું નામ દર્શાવવાનું છે.

કુટુંબ પેન્શન માટે પાત્ર વ્યકિતનું નામ દર્શાવતી વખતે પણ કુટુંબ પેન્શનરના નામ અંગે પણ જે આધારોમાં દર્શાવેલ નામ, જન્મ તારીખ વગેરેની વિગતો અને ફોર્મ નં.૨૧ માં કર્મચારી દ્વારા આપવામાં આવતી કુટુંબનાં સભ્યોની વિગતોમાં વિસંગતતા ના રહે તેની ખાસ કાળજી રાખવી.

કર્મચારી પર આધારિત સંતાન જો વિકલાંગ માનસિક/શારીરિક હોય તો તેની વિગતો સાથે સિવિલ સર્જનનું દાકતરી પ્રમાણપત્ર સામેલ રાખવાનું છે જેથી પેન્શનર અને કુટુંબ પેન્શનરનાં અવસાન બાદ વિકલાંગ સંતાનને આજીવન પેન્શન મળી શકે છે.

પત્ર વ્યવહારનું સરનામું દર્શાવતી વખતે નિવૃતિ બાદનું જે કાયમી સરનામું રહેવાનું હોઈ તે સરનામુ જરૂરી આધાર સાથે જ દર્શાવવું.

પેન્શન કેઈસ ડી.પી.પી.એફ. કચેરીને મોકલાવ્યા બાદ મંજુર કર્તા કચેરી એટલે કે કર્મચારીની નિવૃતિ સમયની કચેરી પોતાના લોગઈન માંથી પેન્શન કેસ અધિકૃતી અંગેનું સ્ટેટસ ડીપીપીએફ કચેરીના લોગઈન પેઈઝ પરથી ઓનલાઈન પણ જાણી શકે છે.

ડી.પી.પી.એફ. કચેરી દ્વારા પેન્શન કેઈસ અધિકૃત થયા બાદ તે સમગ્ર પ્રકરણ કર્મચારીની નિવૃતિ સમયની કચેરીને સેવાપોથી સાથે પેન્શન મંજુરીના જાણ કર્તા પત્ર ફોર્મ નં.૧૦ સાથે મુળ પ્રકરણ પરત મોકલવામાં આવે છે અને પેન્શનરને તેમના ઘરના સરનામા પર પેન્શન મંજુરી ના જાણ કરતો પત્ર ફોર્મ નં.૧૦ માં મોકલવામાં આવે છે જયારે તિજોરી/પેન્શન ચુકવણા કચેરીને પેન્શન ચુકવણી હુકમો(તિજોરીનો ભાગ અને પેન્શનરનો ભાગ) સાથે મોકલી આપવામાં આવે છે જેને આપણે હવેથી બંન્ને પી.પી.ઓ. તરીકે ઓળખીશું.

પેન્શનરને તેમના ઘરના સરનામા પર પેન્શન મંજુરીની જાણ કરતો પત્ર ફોર્મ નં.૧૦ મળ્યા બાદ પોતાની નિવૃતિ સમયની કચેરી પાસેથી ખુબ અગત્યતા ધરાવતા નીચે દર્શાવેલ બે મહત્વના દસ્તાવેજો મેળવવાનાં રહે છે.

૧. છેલ્લા પગારનું પ્રમાણપત્ર (Last Pay Certificate, LPC)

૨. કર્મચારીનો પેન્શન કેઈસ ડી.પી.પી.એફ. કચેરીને મોકલ્યા તારીખથી કર્મચારીની નિવૃતિ તારીખ સુધીમાં કોઇ ખાતાકીય કે ન્યાયિક કાર્યવાહી બાકી નહીં હોવા અંગેનું પ્રમાણપત્ર (ફોર્મ નં.૨૨)

આ બન્ને બાબતોમાં નીચેની વિગતે ચકાસણી નિવૃત થતા કર્મચારીઓએ જાતે જ કરી લેવી.

કર્મચારીની નિવૃતિની છેલ્લી તારીખ સુધીનો પગાર ચુકવેલ હોવાની વિગતો દર્શાવતુ છેલ્લા પગારનું પ્રમાણપત્ર.

સરકારી કવાર્ટર ધરાવે છે કે કેમ તે અંગેની વિગતો જો પેન્શનર દ્વારા નિવૃતિ બાદ નિયમાનુસાર સરકારી કવાર્ટરનો કબજો ધરાવવાનું ચાલુ રાખવાનું હોય તો તે તથા આ બાબતની અન્ય કોઇ વસુલાત બાકી હોય તો તેની વિગતો માર્ગ અને મકાન વિભાગનો સરકારી કવાર્ટર ચાલુ રાખવાની મંજુરી અંગેનો હુકમ ખાસ મેળવી લેવો ત્યારબાદ જ તિજોરી કચેરીનો સંપર્ક કરવો.

'જોડાણ-૨૨ ખાતાકીય તપાસ બાકી નહીં હોવા અંગેનુ પ્રમાણપત્ર પેન્શન જે નિવૃત કર્મચારીનાં પેન્શન મંજુર કર્તા સક્ષમ સત્ત્।ાધિકારી દ્વારા અપાયેલુ હોવુ જોઈએ એટલે કે પેન્શન કેઈસમાં જેની સહી/પ્રતિસહી થયેલ હોય તે જ અધિકારીની સહી/પ્રતિસહીથી અપાયેલ હોવુ જાઈએ.

આ બન્ને દસ્તાવેજો પેન્શનરને જે તે કચેરી દ્વારા રૂબરૂમાં આપવામાં આવે તો તે લઈને અથવા જો સંબંધિત કચેરી દ્વારા ઉકત બન્ને દસ્તાવેજો પેન્શન ચુકવણા કચેરી/તિજોરી કચેરીને તે બારોબાર મોકલી દેવામાં આવેલ હોય તો તે મોકલી આપ્યા અંગેની સંપુર્ણ વિગતો સાથે તિજોરી કચેરીનો સંપર્ક સાધવાનો રહેશે.

તિજોરી કચેરી ઉકત બન્ને દસ્તાવેજોની જરૂરી ચકાસણી કરી યોગ્ય જણાયા બાદ પ્રથમ ચુકવણું શરૂ કરવા માટે નીચે દર્શાવેલ નિયત ફોર્મ પેન્શનરને આપશે જેમાં સંપુર્ણ વિગતો ભરીને તિજોરી કચેરીમાં રજુ કરવાના રહેશે.

બેંક પરિશિષ્ટઃ-  જેમાં બેંકનું નામ, શાખાનું નામ અને ખાતા નંબર અને પી.પી.ઓ. નંબર સાથેની વિગતો દર્શાવવાની રહે છે એક સાક્ષીની આ ફોર્મમાં સહી કરાવવાની હોય છે અને કાયદેસરનાં વારસદારના/ઉતરાધિકારીનું માત્ર નામ દર્શાવવાનું રહે છે. પેન્શનરે તેમાં આગળ પાછળ સહી કરવાની છે અને જે બેંક મારફત પેન્શનર પોતાનુ પેન્શન મેળવવા માંગતા હોઇ તે બેંકનાં મેનેજરશ્રીનાં ઉકત ફોર્મ (બેંક પરિશિષ્ટ)માં સહી સીક્કા કરાવવાનાં છે. પેન્શનર પોતે જે બેંકની શાખા મારફત પેન્શન મેળવવા માંગે છે તે બેંકની શાખા તિજોરી કચેરીનાં પ્રોગ્રામમાં લીંકઅપ થયેલ છે કે કેમ તે અંગેની વિગતો માટે તિજોરી કચેરીનો અગાઉથી સંપર્ક કરી તેની માહિતી મેળવી લેવી આ માટે પેન્શનર જયારે આ ફોર્મ મેળવવા માટે તિજોરી કચેરીમાં જાય ત્યારે જ માહિતી મેળવી લેવી.

તે બેંકનાં પાસબુકનાં પહેલા પાનાની ઝેરોક્ષ તિજોરી કચેરીમાં રજુ કરવાની છે.

બેંક ખાતુ પતિ અથવા પત્નિ સાથેનું સંયુકત અથવા એકલાના નામ વાળુ પણ ચાલશે પરંતુ પતિ/પત્નિ સિવાય અન્ય કોઈ વ્યકિત સાથેનું સંયુકત બેંક ખાતુ માન્ય રહી શકશે નહીં. બેંક ખાતામાં પ્રથમ ખાતા ધારક તરીકે પેન્શનરનું પોતાનું જ નામ હોવુ જોઇએ.

તિજોરી કચેરી દ્વારા આપવામાં આવેલ નિયુકિત પત્ર પેન્શનરશ્રી પોતાની સહીથી આ ફોર્મ ભરવાનું રહેશે. જેમા એક સાક્ષીની સહી કરાવવાની રહેશે અને પેન્શનરોએ પોતાના હસ્તાક્ષરમાં જ ભરવાનું છે.

નિયુકિતપત્ર માત્ર પેન્શનરની હૈયાતી બાદ પેન્શનરની પેન્શન અંગેની કોઇ રકમ લેણી નિકળતી હોય તે રકમ નિયુકતાને ચુકવવા માટેનું જ છે જે નામનું નિયુકિત પત્ર ભરવાનુ છે તે અંગે પણ પેન્શનરે કાળજી રાખી સામાન્ય રીતે તેમા પ્રથમ નિયુકતા તરીકે પતિ અથવા પત્નિ તથા બીજા નિયુકતા તરીકે પુત્ર કે પુત્રીનું નામ દર્શાવવુ જોઇએ.

પતિ/પત્નિ અથવા પુત્ર/પુત્રીનું નામ એમ કુલ બે નામ જ દર્શાવવાના રહેશે. જેમાં પ્રથમ નિયુકતાના અવસાન બાદ બીજા નિયુકતાને પેન્શનની કોઇ લેણી રકમ હશે તો મળી શકે તે માટે જ નિયુકિત પત્ર ભરવાનું છે. આ ફોર્મ બે નકલમાં રજુ કરવાનું છે. જે પૈકીની એક નકલ તિજોરી અધિકારી માન્ય કરી તિજોરી અધિકારીની સહીથી પ્રમાણિત પેન્શનરને રૂબરૂમાં તે જ દિવસે આપી દેવામાં આવશે અને એક નકલ તિજોરી કચેરી પી.પી.ઓ. સાથે તેમના રેકર્ડમાં રાખશે.

યાદ રાખો કે નિયુકિત પત્ર માત્ર પેન્શનરના અવસાન બાદ પેન્શનરની કોઇ પેન્શન અંગેની લેણી રકમ હોય તો તે રકમ મેળવવા પુરતુ જ માન્ય રહેશે. નિયુકિત પત્ર ભરેલ હોવાથી તે વ્યકિત કુટુંબ પેન્શન મેળવવા માટે પાત્ર નથી બનતા.

પેન્શનર ઉકત દસ્તાવેજો સાથે તિજોરી અધિકારી સમક્ષ ઉપસ્થિત થઈ પોતાની ઓળખ તિજોરી અધિકારીની સમક્ષ કરાવવાની રહેશે.

આટલી કાર્યવાહી પુર્ણ થયા બાદ પેન્શનરના પોતાનાં બેંક ખાતામાં બધી રકમો ઈ-પેમેન્ટ પધ્ધતિથી બહુ ઝડપથી જમા કરી દેવામાં આવશે.

તિજોરી કચેરી દ્વારા પ્રથમ ચુકવણા અંગેની કાર્યવાહી પુર્ણ કર્યા બાદ પેન્શન ચુકવણી હુકમ(પેન્શનરનો ભાગ) પેન્શનરનાં રજીસ્ટર્ડ સરનામા ઉપર બારોબાર પોસ્ટથી મોકલી આપવામાં આવશે જેથી પેન્શનરે પોતાનો પી.પી.ઓ. પેન્શન ચુકવણી હુકમની બુક (પેન્શનર ભાગ) લેવા તિજોરી કચેરીમાં રૂબરૂ આવવાનું નથી.

આમ, પેન્શનર દ્વારા એક વખત આ પ્રમાણે કાર્યવાહી પુર્ણ કર્યા બાદ તિજોરી કચેરી/પેન્શન ચુકવણા કચેરી દ્વારા દરમાસે નિયમિત પણે પેન્શનની રકમ પેન્શનરના બેંક ખાતામાં જમા કરી દેવામાં આવશે.

ત્યારબાદ તિજોરી કચેરી/પેન્શન ચુકવણા કચેરી ખાતે પન્શનર ફરી કયારેય જવાનો પ્રશ્ન રહેશે નહીં.

જો કે વર્ષમાં એક વખત નિયત કરવામાં આવેલ માસમા બેંકમાં પેન્શનરે પોતાની હયાતી ખરાઈ કરાવવાની રહે છે આ અંગે અનુસરવાની કાર્યપધ્ધતિ અંગે ફરી અલગ રીતે પાછા મળીશુ ત્યારે વાત કરીશું. (૨૨.૬)

 

નરેન્દ્ર વિઠલાણી

નિવૃત અધિક તિજોરી અધિકારી

પેન્શન ચુકવણા કચેરી

રાજકોટ

મો. ૯૮૨૪૪ ૮૮૬૬૭

(10:06 am IST)