Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

કલેકટર કચેરીમાં ર૦મીએ મળનાર ફરીયાદ સમિતિની બેઠકમાં તડાફડી થશેઃ કુંવરજીભાઇએ ૭૦ પ્રશ્નો પૂછયાઃ તંત્રને દોડધામ

કલેકટરે સંબંધીત તમામ ખાતાના વડાને જવાબો સાથે હાજર રહેવા તાકીદ કરીઃ રાજકોટના વાણીયાવાડીનો પણ પ્રશ્ન... : રોડ-રસ્તા-ગટર-પાણી-ખુલ્લા પ્લોટ-બસ સ્ટેન્ડ-કરોડોના કામો બાકી-૪ ગામના ૬૬ કેવી સબ સ્ટેશન સહિતના પ્રશ્નોનો સમાવેશ

રાજકોટ તા. ૧૬: જસદણના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયાએ શનિવારે મળનાર ફરીયાદ સમિતિની બેઠકમાં ૭૦ થી વધુ પ્રશ્નો પૂછતા કલેકટર તંત્રમાં ભારે દોડધામ મચી છે. ધારાસભ્ય દ્વારા પ્રશ્નોમાં જસદણ અને વિંછીયા સહિત રાજકોટ જિલ્લામાં જીલ્લા માર્ગ અને મકાન વિભાગ હસ્તકના ગેરંટી પીરીયડવાળા રસ્તાઓને થયેલા નુકશાન, સરકારી હોસ્પીટલોમાં હડકાયા કુતરાના કરડવાના ખુટતા ઇન્જેકશનો જથ્થો પુરો પાડવો, રાજકોટ-ભાવનગર વચ્ચેના રસ્તાને સોમાસા દરમ્યાન થયેલ નુકશાન સમયે મરામત કરવી, જસદણ સહીત રાજકોટ જી.પં. હસ્તકના જર્જરીત આરામગૃહો નવા બનાવવા, જિલ્લામાં ગ્રામ પંચાયત હસ્તક નવા સબડીવીઝનો બનાવવા, જિલ્લામાં તા.પં. હસ્તકની જમીન ઉપરના જર્જરીત સ્ટાફ કવાટર્સની જગ્યાએ નવા કવાટર્સ બનાવવા, જિલ્લામાં તાલુકાવાર નોંધાયેલા ન હોય તેવા કુટુંબોને રાજય અને કેન્દ્ર સરકારની યોજનામાં પાત્રતા ધરાવતા જિલ્લામાં તાલુકાવાર નોંધાયેલા ન હોય તેવા કુટુંબોને રાજય અને કેન્દ્ર સરકારની યોજનામાં પાત્રતા ધરાવતા કુટુંબોને ડો. આંબેડકર/ઇન્દીરા આવાસ/પંડીત દિન દયાળ ઉપાધ્યાય અને સફાઇ કામદાર યોજનામાં મકાન બનાવવા, જિલ્લામાં સને ર૦ર૦ થી બાકી રહેલા ૧પ માં નાણાપંચની કરોડો રૂપિયાની રકમના આયોજન મંજુર કરવામાં થતાં વિલંબ, જસદણ એસ.ટી. ડેપોમાં પડેલા ખાડાઓ બુરવા, આટકોટ પેટા વિભાગ કચેરી કચેરી માટે પી.જી.વી.સી.એલ. દ્વારા જમીન માટે રૂ. ૪૮.૦૦ લાખની રકમને બે વર્ષ પુર્વે આપવામાં આવેલ વહીવટી બાદ જમીનના કબ્જો સમયસર ન સોંપવા, જસદણના કનેસરા, વિંછીયાના દડવી, ઓરીના ૬૬ કે.વી. સબ સ્ટેશન માટે મંજૂરી બાદ જેટકો દ્વારા જમીનની માંગણી સમયસર ન કરવા, કમળાપુર અને વિંછીયા-ર પેટા વિભાગીય કચેરીને મંજુરી  ન આપવા, તા.પં. કચેરીથી જુના બસ સ્ટેન્ડથી નવા બસ સ્ટેન્ડ તરફના રસ્તાને ચોમાસા દરમ્યાન થયેલ નુકશાની સબબ મરામત કરવાનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત જસદણ અને વિંછીયા તાલુકામાં અતિવૃષ્ટિ દરમ્યાન ખેડુતોના પાકને નુકશાન થયા બદલ સર્વેની કામગીરી કરી વળતર ચુકવવા, મંજુર થયેલ પેટા આરોગ્ય કેન્દ્રના મકાન બનાવવા, મોટી લાખાવડ ભાદર નદી ઉપર બ્રિજ બનાવવા, કોવિડ-ર૦૧૯ અંતર્ગત ધારાસભ્ય ગ્રાન્ટમાંથી જસદણ અને વિંછીયા તાલુકામાં આવેલ પી.એચ.સી./સી.એચ.સી.માં ઓકસીજન કોન્સન્ટેટર, સેલ કાઉન્ટર, સેમી ઓટો એનાલાઇઝર, નેબ્યુલાઇઝર, ઇસીજી મશીન, પોર્ટેબલ એકસ-રે મશીન મુકવા, વિંછીયાના ભડલી આજુબાજુના ૧પ થી વધુ ગામડાઓમાં વિજ ફોલ્ટ થયા બાદ રીપેરીંગ માટે મીની મન્ટેનન્સ ગેગ શરૂ કરવી

ડીમોલેશન બાદ નવા શાળાના ઓરડા મંજુર કરવા, જસદણસીટી સર્વે કચેરીના જવાબદાર અધિકારી સમય હાજર ન રહ્યા વિંછીયા-જનડા રમતગમતના મેદાન મંજુર કરવા, વિંછીયા ગામતળ નીમ કરી જરૂરિયાતમંદ વ્યકિતઓને ૧૦૦ ચો. વારના પ્લોટ ફાળવવા સહીતના અનેક મહત્વના પ્રશ્ન કલેકટર સમક્ષ મુકતા વહીવટી તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.

ધારાસભ્ય કુંવરજીભાઇ દ્વારા એકી સાથે ૭૦થી વધુ પ્રશ્નો પૂછાતા તેના જવાબ સંદર્ભે રાજકોટ જીલ્લા કલેકટરે સંબંધીત તમામ ખાતાના વડાઓ-બ્રાંચોને જવાબો સાથે-ફાઇલો સાથે હાજર થવા આદેશો કર્યા છે, ર૦મીએ મળનાર ફરીયાદ સંકલન સમિતિની બેઠક ભારે તોફાની બની રહેશે તે પણ હકીકત છે. કુંવરજીભાઇએ રાજકોટના વાણીયાવાડી વિસ્તારના સેંકડો લોકોના બાકી રહેલ હક ચોકસી-પ્રોપર્ટી કાર્ડ અંગેનો પણ પ્રશ્ન ઉઠાવ્યો છે, તો સિવીલ હોસ્પીટલમાં બોલાવવામાં આવતી રોઝી કલ્યાણની બેઠકમાં લેવાયેલ નિર્ણય પરત્વે થતી કાર્યવાહી અંગેનો પણ પ્રશ્ન ઉઠાવ્યો છે.

(2:41 pm IST)