Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

૧૧ માસ માટે ભાડે આપેલ મકાન ખાલી નહિ કરતાં ભાડુઆત સામે પોલીસમાં ગુનો દાખલ

રાજકોટ,તા. ૧૭:  અત્રે ૧૧ માસ માટે ભાડે આપેલ મકાન ખાલી ન કરતા ભાડુઆત સામે લેન્ડગ્રેબીંગ એકટ નીચે ગુનો દાખલ કરવામાં આવેલ હતો.

રાજકોટ નાં રહીશ નઝીરખાન ઉસ્માનખાન અફ્રીદી (પઠાણ) ની માલીકીનું મકાન રાજકોટ શહેરમાં, રામનાથપરા, મકરબા શેરીમાં આવેલ છે તે મીલકત તેમણે આરોપી હીરેનભાઈ પ્રવીણભાઈ ગણાત્રા ને તા.૦૧/૧૦/ર૦૧૭ નાં રોજ થી ૧૧ માસ માટે ભાડે આપેલ હતુ. જે મકાન નો ખાલી કબજો મકાન માલીક ને તા.૩૧/૦૮/ર૦૧૮ ના રોજ સોંપી આપવાનો હતો પરંતુ હીરેનભાઈ એ ચાલુ ભાડા કરાર દરમ્યાન તા.૦૧/૦૪/ર૦૧૮ થી મકાન માલીક ને ભાડુ ચુકવેલ નહી અને મીલકત ખાલી ન કરવી પડે તેવા બદઈરાદે હીરેનભાઈ એ કાયદાનો દુરઉપયોગ કરી મકાન માલીકની સામે સીવીલ કોર્ટમાં દાવો દાખલ કરેલ.

આ સામે મકાન માલીકે પણ તેમના એડવોકેટ દેવાંગ એ. ત્રિવેદી મારફત માલીકીની મીલકત નો ખાલી શાંત અને નીર્ભય કબજો પ્રતીવાદી પાસેથી પરત મેળવવા કોર્ટમાં દાવો દાખલ કરેલ અને આ દાવામાં વચગાળાનો મનાઈ હુકમ માંગેલ પરંતુ હાલમાં બંન્ને દાવાઓ કોર્ટમાં નીર્ણય આધીન હોય. જેથી મકાન માલીક નઝીરભાઈ એ તેમના એડવોકેટ મારફત રાજકોટ કલેકટરશ્રી ને લેન્ડગ્રેબીંગ ની ફરીયાદ કરેલ હતી જે ફરીયાદ અરજી અનુસંધાને કલેકટરશ્રી એ તપાસ ને અંતે ગુનો બનતો હોવાનું જણાઈ આવતા ગુનો નોંધવા માટે નો હુકમ કરેલ છે. જે હુકમ મુજબ એ ડીવીઝન પો.સ્ટે.એ ગુનો નોંધી આ કામના આરોપી હીરેનભાઈ પ્રવીણભાઈ ગણાત્રા ની ધરપકડ કરેલ છે.

આ કામે ફરીયાદી નઝીરખાન ઉસ્માનખાન અફ્રીદી એ તેમના એડવોકેટ દેવાંગ અનંતરાય ત્રિવેદી તેમજ મૈાલીક જોષી મારફત કલેકટર સમક્ષ લેન્ડગ્રેબીંગ ની ફરીયાદ અરજી દાખલ કરેલ હતી.

(10:51 am IST)