Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

તપોવન શૈક્ષણિક સંકુલને પૂ. મોરારીબાપુ દ્વારા રૂા. ૧ લાખનું દાન

ઘુમલીમાં તપોવન શૈક્ષણિક સંસ્‍થા દ્વારા નિઃશુલ્‍ક શિક્ષણ આપતા ભીમશીભાઇ : ઇતિહાસવિદ્‌ નરોત્તમભાઇ પલાણે પણ સવા લાખ દાન કર્યું : પૂ. શ્રુતપ્રજ્ઞજી દ્વારા સતત સહયોગ : તપોવનના સ્‍વપ્‍નદ્રષ્‍ટા ભીમશીભાઇ દ્વારા ગાયત્રી મંત્ર અનુષ્‍ઠાન

દેવભૂમિ દ્વારકા જિલ્લાના એક નાનકડાં તાલુકા ભાણવડમાં કેળવણી અને શિક્ષણનું એક સાવ જ અનોખું કામ થઇ રહ્યું હોય તો એ છે - મેનકા ગ્રાઉન્‍ડ પાસે આવેલી ભાણવડની પુરુષાર્થ સ્‍કૂલ અને ઘુમલીના ગાયત્રી મંદિર પાસે, બરડા ડુંગર પર આવેલું તપોવન સંકુલ. પુરુષાર્થ સ્‍કૂલ ફેબ્રુઆરી ૨૦૨૨ના ૨૦ વર્ષ પૂરા કરશે.ᅠ
ભીમશીભાઈએ પોતાના પિતાશ્રીની ખેતીની જગ્‍યા વેંચીને નાના પાયે ૨૦૦૩માં આ સ્‍કૂલની શરૂઆત કરી. આજે આ સ્‍કૂલ અને ભાણવડનું નામ માત્ર ભારતમાં જ નહિ, ભારત બહાર પણ વિસ્‍તર્યું છે. સિંગાપુર, અમેરિકા અને લંડનના લોકો પણ હવે આ સંસ્‍થાની મુલાકાત લેવામાં ગૌરવનો અનુભવ કરી રહ્યા છે.ᅠ
શિક્ષણના ક્ષેત્રમાં કામ કરનાર સંચાલક અને શિક્ષકો જો નિષ્ઠાવાન હોય તો કેળવણીનું અદભૂત કામ થઇ શકે છે. આ સંસ્‍થામાં દાખલ થાઓ ત્‍યારે તમને સાચા ગુરુકૂળના દર્શન થાય, શિક્ષકોમાં સમર્પણ અને વિદ્યાર્થીમાં સંસ્‍કારોના દર્શન થાય.ᅠ
એજ પુરુષાર્થ સ્‍કુલે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ઘુમલીના બરડા ડુંગર પર તપોવનની સ્‍થાપના કરી. અહીં વિદ્યાર્થીઓને પુસ્‍તક વગર, શિક્ષક વગર અને પરીક્ષા વગર શિક્ષણ આપવામાં આવે છે. જયારે સૌ કોઈ વિદ્યાર્થીના માર્ક્‍સની ચિંતા કરે છે ત્‍યારે અહીં વિદ્યાર્થીની પ્રતિભા પ્રમાણે વાતાવરણ પૂરું પાડવામાં આવે છે અને કેળવણી આપવામાં આવે છે. આજનું શિક્ષણ માત્ર નોકરી લક્ષી બની ગયું છે ત્‍યારે તપોવનનું આ શિક્ષણ પોતાની આવડત દ્વારા વિદ્યાર્થીઓમાં સમાજને કંઈક આપવાનો ભાવ પ્રગટાવે છે.ᅠ
અહીં જે વિદ્યાર્થીઓ તૈયાર થઇ રહ્યા છે એ પહેલા રાષ્ટ્રના સારા નાગરિક હશે, સંસ્‍કારી માનવી હશે, લોકો માટે સારું કરવાનો ભાવ હશે. રોજગાર અને ધંધો એમના માટે બહુ સામાન્‍ય વાત છે. બહુ મહત્‍વની બાબત એ છે કે આ તપોવનમાં પ્રવેશ મેળવનાર બાળકોની કોઈ ફી લેવામાં આવતી નથી. રહેવા, જમવાનું અને સંપૂર્ણ શિક્ષણ નિઃશુલ્‍ક ધોરણે આપવામાં આવે છે.ᅠ
આ સંસ્‍થા એવું માને છે કે, કેળવણી એ ધંધો ન બનવો જોઈએ. ધંધાકીય વૃત્તિ હોવાથી બાળકોના ઘડતરના નામે પોતાના સ્‍વાર્થની જ સિદ્ધિ થતી હોય છે. સંસ્‍થાના સંચાલકે સંકલ્‍પ કર્યો છે કે તપોવન સંસ્‍થા સંપૂર્ણ રીતે નિઃશુલ્‍ક ચાલશે, અને એમાં જે કંઈ અનુદાન આવે એ બધું શિક્ષણમાં જ ખર્ચવામાં આવશે. કહેવાનો અર્થ એ છે કે આ સંસ્‍થા સંપૂર્ણ સેવાભાવથી અને લોકોના ઉદાર સહયોગથી ચાલે છે અને ચાલશે. એક જૈન સાધુ જેઓ રાજકોટમાં પીસ ઓફ માઈન્‍ડ ફાઉન્‍ડેશન નામની સંસ્‍થા ચલાવે છે એવા સમણ શ્રુતપ્રજ્ઞજી કહે છે કે, છેલ્લા બે વર્ષથી હું સતત ભીમશીભાઈ સાથે છું, આ એક વિઝનવાળી અને શિક્ષણના ક્ષેત્રમાં કંઈક સારું કરવાની ભાવના ધરાવનાર વ્‍યક્‍તિ છે. આ વ્‍યક્‍તિ ધંધાકીય વૃત્તિથી લાખો યોજન દૂર છે, માત્ર સંકલ્‍પના બળે અને કુદરતની શ્રદ્ધાના બળે સંઘર્ષની વચ્‍ચે પણ રસ્‍તો કાઢીને શિક્ષણ માટે કંઈક અનોખું કરવાની ભાવનાથી આગળ વધી રહ્યા છે.ᅠᅠ
જયારે સાચા ભાવથી અને સારા હેતુથી કઈ પણ કરવામાં આવે છે ત્‍યારે તેને મદદ કરવાવાળા હાથ તૈયાર જ હોય છે. સમાજમાં આપનાર દાતાઓની કોઈ કમી નથી, કમી છે આવું નિઃસ્‍વાર્થ ભાવે કામ કરનાર લોકોની. હમણાં બે મહિના પહેલા રાજકોટના હેમુગઢવી હોલમાં મોરારીબાપુની નિશ્રામાં એક કાર્યક્રમ યોજાઈ ગયો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મેઘાણી લોકસાહિત્‍ય કેન્‍દ્ર દ્વારા જાણીતા ઇતિહાસકાર - લેખક નરોત્તમ પલાણને મેઘાણી એવોર્ડ એનાયત કરવામાં આવ્‍યો. એક લાખ રાશિનો આ એવોર્ડ નરોત્તમ દાદાએ પોતાના પેંશનના ૨૫ હજાર રૂપિયા ઉમેરીને આ અનોખી કેળવણી આધારિત સંસ્‍થા તપોવન વિશ્વ વિદ્યાલયને દાનમાં આપ્‍યા. આ ચેક શ્રી મોરારીબાપુના હસ્‍તે સંસ્‍થાના સંચાલક શ્રી ભીમશીભાઈ કરમુરને અર્પણ કરાયો હતો. ત્‍યારે મોરારીબાપુએ કહ્યું કે, પલાણ બાપા આ રકમ તમે રાખો અને હું સવા લાખ રૂપિયા તપોવનને અલગથી આપું છું. ત્‍યારે પલાણ દાદાએ કહ્યું ના, આ મારી ઈચ્‍છા છે એટલે આ રકમ મારે જ તપોવનને આપવી છે. બાપુએ કહ્યું તો ઠીક છે.
ઠીક બે મહિના પછી હમણાં મકર સંક્રાંતિના દિવસે જયારે તપોવનમાં ત્રણ દિવસનું ગાયત્રી અનુષ્ઠાન ચાલી રહ્યું છે ત્‍યારે મોરારીબાપુનો સામેથી ભીમશીભાઈને ફોન આવે છે અને બાપુ પૂછે છે કે ‘તપોવનમાં કેમ ચાલે છે, બાળકો શું કરે છે? ત્‍યારે વાત વાતમાં બાપુએ કહ્યું કે, તમે શિક્ષણનું સારૂં કાર્ય કરી રહ્યા છો અને અમારા તરફથી એક લાખનું અનુદાન તપોવનના પુસ્‍તકાલય માટે સ્‍વીકારશો. ૧૦ મિનિટમાં જ સંસ્‍થાના ખાતામાં એક લાખ રૂપિયા જમા થાય છે. મોટા માણસોના સ્‍મરણમાં નાના માણસોના મોટા કાર્યની કેવી નોંધ અંકિત થયેલી હોય છે એ આ ઘટનાથી જાણી શકીયે છીએ.'
બાપુએ ભીમસીભાઈને પોતાનો રાજીપો વ્‍યક્‍ત કરતા અહીં સુધી કહ્યું કે, ‘ક્‍યારેય પણ મારી કોઈ પણ જાતની મદદની જરૂર હોય મને ચોક્કસ યાદ કરજો.' આ વાક્‍યમાં એમની ઔપચારિકતા નહોતી પણ સાચા હૃદયની સદભાવના હતી. સારું કાર્ય કરનારને સમયસર આવું કોઈક આશ્વાસન આપનાર મળી જાય ત્‍યારે એમની કુદરત પ્રત્‍યેની શ્રદ્ધા અને કાર્ય પ્રત્‍યેની નિષ્ઠા વધુ બળવાન બની જતી હોય છે.ᅠᅠ
અત્‍યારે તપોવનના બાળકો સ્‍થાઈ આવાસ વ્‍યવસ્‍થાના અભાવે આર્મી ટાઈપ ટેન્‍ટમાં રહે છે. ટૂંક સમયમાં જ પાછળના ભાગમાં સરકાર તરફથી જે જમીન યદુવંશી ચેરીટેબલ ટ્રસ્‍ટને શિક્ષણ કાર્ય માટે ફાળવવામાં આવી છે, ત્‍યાં એ બાળકોના રહેવા માટેના રૂમો, જ્ઞાન વર્ધન માટે પુસ્‍તકાલય અને શિક્ષણ માટે હોલનું નવ નિર્માણ કરવામાં આવશે. તપોવન સંસ્‍થા આવા અનેક સહયોગી દાતાઓનો હૃદયથી આભાર માને છે, એમના ઉદાર સહયોગથી જ આ સંસ્‍થા સામાજિક ક્ષેત્રે કેળવણીનું કાર્ય કરી રહી છે.ᅠ
બીજી ફેબ્રુઆરીના પુરુષાર્થ સ્‍કુલ ભાણવડનો અને ૧૬મી ફેબ્રુઆરીના તપોવનનો સ્‍થાપના દિવસ છે ત્‍યારે આ સંસ્‍થા સૌના સહયોગથી કેળવણીનું નવતર કાર્ય કરતી રહે અને સંચાલક શ્રી ભીમશીભાઈના માર્ગદર્શન નીચે શિક્ષણની જયોત થકી માનવતાનો પ્રકાશ ચૌ તરફ ફેલાતો રહે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરીએ.

 

(2:25 pm IST)