Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

૪૦૭ થી વધુ પક્ષીઓની સારવાર કરી અપાયુ નવજીવન

એનીમલ હેલ્‍પલાઇન કંટ્રોલરૂમ સંક્રાંતના દિવસોમાં ધમધમતો રહ્યો : કબુતર, ખીસકોલી, પોપટ સહીતના પક્ષીઓની સારવાર

રાજકોટ : મકરસ સંક્રાંતિના દિવસે લોકો હોંશે હોંશે પતંગ ચગાવતા હતા, ત્‍યારે બીચારા અનેક પક્ષીઓ પતંગની દોરીથી ઘવાયા હતા. આવા અબોલ જીવોની સારવાર કરવા દર વર્ષની જેમ આ વર્ષે પણ ૧૦ એમ્‍બ્‍યુલન્‍સ, ર બાઇક એમ્‍બ્‍યુલન્‍સ સાથે વેટરનરી હોસ્‍પિટલના સ્‍ટાફને તૈનાત રખાયો હતો. ત્રણ દિવસ સુધી કાર્યરત રહેલ આ કંટ્રોલ રૂમના માધ્‍યમથી કબુતર, ખસીકોલી, ચકલી, પોપટ, ચામાચીડીયુ, પેઇન્‍ટેડ સ્‍ટ્રોક સહીતના કુલ ૪૦૭ પક્ષીઓની સારવાર કરી નવજીવન અપાયુ હતુ. જો ૫૮ જેટલા પક્ષીઓ આ કંટ્રોલરૂપ સુધી પહોંચતા પહેલા જ મૃત્‍યુને ભેટી ચુકયા હતા. ઘરના ટેરેસ પર કે વિજળીના તાર પર લટકતા પતંગના દોરા આ અબોલ જીવો માટે ફાંસીના ગાળીયા પુરવાર થયા હતા. અબોલ જીવોની સારવાર માટેના આ કંટ્રોલરૂમમાં ડો. નિકુંજ પીપળીયા, ડો. દીપ સોજીત્રા, ડો. અરવિંદ ગડારા, ડો. અરૂણ ઘીયાડ, ડો. હીરેન વીસાણી, ડો. વિવેક કલોલા, જુનાગઢના ડો. શિવાજી તાલેકર, ડો. કનક ગામેતી, ડો. નિલેશ પાડલીયા, આણંદના ડો. બ્રિજેશ હુંબલ, ડો. માર્મીક ઢેબર, ડો. ગૌરાંગ માથુકીયા તેમજ રવી બારૈયા, વિકાસ મકવાણા, મયુર જાદવ, ચીરાગ જીવાણી, અંકુશ માયાણી, કમલેશ સોનાગરા સહીતનાની ટીમે સેવા આપી હતી. આ સેવા કાર્ય માટે કલેકટર અરૂણ મહેશ બાબુનું સતત માર્ગદર્શન મળતુ રહ્યુ હતુ. વિવિધ સરકારી તંત્રો, સંસ્‍થાઓ, ફોરેસ્‍ટ વિભાગ પણ સહયોગમાં રહેલ. પક્ષીઓને બચાવવા ડ્રોન જેવા સધનોની પણ મદદ લેવામાં આવી હતી. તેમ એનીમલ હેલ્‍પલાઇનની એક યાદીમાં જણાવાયુ છે.

(2:27 pm IST)