Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

ભગતસિંહ શહીદ થયા પણ તેમની શહીદી એળે જવાની નથી

‘‘દિલ્‍હીમાં વાઈસરોય ઈરવીનને મળેલ અને જણાવ્‍યું હતું કે ભગતસિંહ, સુખદેવ તથા રાજગુરૂને ફાંસી અપાશે તો આપણી વચ્‍ચેનાં કરાર નેસ્‍તનાબુદ થશે'': ગાંધીજી

શહીદ ભગતસિંહનાં જીવનને સ્‍પર્શતા એક ચલચિત્રમાં ગાંધીજી અંગે જે રીતે ઉલ્લેખ થયેલ છે તે યોગ્‍ય નથી થયેલ તેવું વાંચ્‍યું અને એ જ સંદર્ભમાં લખવા પ્રેરાયો છું.
ઈ.સ. ૧૯૩૧ માં કોંગ્રેસનું અધિવેશન કરાંચીમાં ભરાયું ત્‍યારે હું મારા અને અન્‍ય સાથીદારો કચ્‍છથી કોંગ્રેસ અધિવેશનમાં હાજરી આપવા કરાંચી ગયેલ. આ અધિવેશનમાં હાજરી આપવા માટે ગાંધીજી તથા સરદાર વલ્લભભાઈ કરાંચી આવવા માટે દિલ્લીથી રવાના થયા અને તેઓ જયારે ટ્રેનમાં મુસાફરી કરતા હતા ત્‍યારે જ ભગતસિંહ, સુખદેવ તથા રાજગુરૂને ફાંસી દઈ દેવામાં આવી.
અમે તો અગાઉ કરાંચી પહોંચી ગયા હતા. કરાંચી તે સમયે અવિભાજય ભારતનો ભાગ હતો. કરાંચીમાં ગાંધીજીનું આગમન થાય તે પહેલા ‘ભગતસિંહને ફાંસી અપાઈ ગઈ છે ' તેવા સમાચાર લોકોને મળી ગયા હતા અને લોકો ખૂબ જ ગુસ્‍સામાં આવી ગયા. ગાંધીજી અને સરદાર ટ્રેનમાં કરાંચી સ્‍ટેશને પહોંચ્‍યા ત્‍યારે તેમની સામે જબરા દેખાવો થયા. સુત્રો પોકાર્યા અને કાળા ફૂલ અપાયા. ગાંધીજી એટલું જ બોલી શક્‍યા કે ‘અમારી સામે ફૂલો ફેકવાનાં બદલે અમને હાથમાં ફૂલો આપ્‍યા તે માટે અમે તમારા આભારી છીએ.'
પરંતુ બધાએ એમ જોયું કે ગાંધીજી અત્‍યંત વ્‍યથિત હતા. તેમનાં ચહેરા ઉપર વિષાદ તથા નિરાશા દેખાતી હતી. બીજા દિવસની સવારનાં ૫ વાગ્‍યાની પ્રાર્થના સભા તથા ત્‍યારબાદ ભરાયેલ અધિવેશનમાં તેમણે ભગતસિંહ તથા તેમનાં સાથીદારોને હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ અર્પી અને કહ્યું કે ‘દિલ્લીમાં ઈરવીનને કહી દીધું હતું કે જો ભગતસિંહ, સુખદેવ તથા રાજગુરૂને તા. ૨૩મીએ ફાંસી અપાશે તો આપણી વચ્‍ચેનાં કરાર નેસ્‍તનાબુદ થશે. ભગતસિંહ શહીદ થયા છે અને તેમની શહીદી એળે જવાની નથી તે નિヘતિ છે. લોકો તેમને ભૂલી શકશે નહિ.' અધિવેશન ચાલુ હતું ત્‍યારે સરહદનાં ગાંધીની આગેવાની હેઠળ વિશાળ સરદ્યસ કરાંચીમાં નિકળ્‍યું અને અધિવેશનમાં આવી પહોંચ્‍યું.
કરાંચી અધિવેશનનાં પ્રમુખપદે સરદાર વલ્લભભાઈ પટેલ હતા. કરાંચીમાં જે સ્‍થળે અધિવેશન ભરાયું હતું તેનું નામ ‘‘ગુજરાત નગર'' અપાયેલ. અધિવેશનમાં ગુજરાતીઓની સંખ્‍યા ખૂબ જ હતી. ગાંધીજી ઉપરાંત જવાહરલાલ નહેરૂ તથા નેતાજી સુભાષચંદ્ર પણ ઉપસ્‍થિત રહેલ. અધિવેશનમાં પ્રમુખસ્‍થાનેથી વલ્લભભાઈ પટેલે ભગતસિંહને શ્રદ્ધાંજલિ અર્પતાં કહ્યું હતું કે ‘‘આ યુવાનોની પદ્ધતિ સાથે જો કે હું સહમત થઈ શક્‍તો નથી... રાજકીય ખૂન પણ અન્‍ય ખૂન જેટલાં જ નિંદાપાત્ર છે, પણ ભગતસિંહ અને તેનાં સાથીઓની હિંમત, બલિદાન અને દેશપ્રેમ માટે મને ખૂબ જ આદર છે. આ ફાંસીની સજા આપવાની સરકારની જડતાથી સરકારનાં હૃદયહિનતા અને પરદેશીપણું સૌથી વધારે ચોખ્‍ખા જણાઈ આવે છે.''
ચલચિત્રમાં જે કંઈ વિસંગતતા જોવા મળતી હોય પણ અધિવેશનમાં શહીદ ભગતસિંહ છવાઈ ગયા હતા અને ગાંધીજીનાં ખુલાસાઓ બાદ લોકો વાસ્‍તવિક્‍તા સમજયા હતા. હું કશું ભૂલ્‍યો નથી. ગાંધીજી યાદ છે, કરાંચી યાદ છે, શહીદોની શહીદી વધાવતા હજારો લોકો યાદ છે પણ વર્તમાન પરિસ્‍થિતિ ચકરાવે ચડાવી દે છે. ક્‍યારેક લાગે છે કે ભગતસિંહ, સુખદેવ તથા રાજગુરૂની શહીદીને આપણે યાદ રાખી શક્‍યા છીએ ખરા?
(મારા પિતાશ્રી વાલજીભાઈ ઠક્કર સ્‍વાતંત્ર્ય સેનાની  હતા અને અધિવેશનમાં ઉપસ્‍થિત રહ્યા હતા, જેનો અહેવાલ શ્રી વાલજીભાઈ ઠક્કરે લખેલ છે)

સંકલનઃ નવીન ઠકકર
મો. ૯૮૯૮૩૪૫૮૦૦

 

(2:30 pm IST)