Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

માજી મંત્રી કુંવરજીભાઇના ૧ર૦ પ્રશ્નો અંગે બપોર બાદ કલેકટર કચેરી ખાતે સ્પે. મીટીંગ બોલાવાઇ : ૬ ડીપાર્ટમેન્ટને બોલાવતુ તંત્ર

રસ્તા-પુલ-શાળા-જમીન ધોવાણ-રાહત કામ -વીજ લાઇન- એસ.ટી. બસ -શિક્ષણ સહિત અનેક પ્રશ્નો અંગે ભારે દોડધામ : આની પહેલા બે વખત ફરીયાદ સંકલન મુલત્વી રહી ત્યારે દેકારો મચી ગયો હતો : આજે દરેકને પ્રશ્નો આપી નિરાકરણનું કહેવાશે

રાજકોટ, તા. ૧૭ : ભાજપના વર્તમાન ધારાસભ્ય અને હાલ માજી મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ રાજકોટ શહેર-જીલ્લાના ૧ર૦ થી વધુ પ્રશ્નો અંગે ફરીયાદ સંકલનમાં તડાપીટ બોલાવવાનું નકકી કર્યુ હતું, પરંતુ બે વખત ફરીયાદ સંકલન મીટીંગ કોરોના અને રાજય સરકારના કાર્યક્રમો અંગે મુલત્વી રહેતા ભારે દેકારો મચી ગયો હતો, કુંવરજીભાઇએ પ્રથમ ફરીયાદ સંકલનમાં ૮૦ થી વધુ તો બીજી બેઠકમાં ૪૦ પ્રશ્નો પુછયા હતા. પરંતુ બંને વખતે ફરીયાદ સંકલન રદ થતા ઘેરા રાજકીય પડઘા પડયા હતા. ગાંધીનગર સુધી ફરીયાદો થઇ હતી.  દરમિયાન આજે કલેકટર કચેરી ખાતે બપોરે ૩ વાગ્યાથી કુંવરજીભાઇના પ્રશ્નોના નિરાકરણ માટેે ખાસ સ્પે. મીટીંગ બોલાવાઇ છે.
અધિકારી સુત્રોએ ઉમેર્યુ હતું કે ફરિયાદ સંકલન નહી પરંતુ એક ખાસ મીટીંગ બોલાવી જુદા જુદા ૬ થી ૭ ડીપાર્ટમેન્ટના વડાઓને બોલાવી પ્રશ્નો આપી તેનું તાકિદના ધોરણે નિકાલ લાવવા આદેશો કરાશે.
અત્રે ઉમેરવું જરૂરી કે મોટા ભાગના પ્રશ્નો પંચાયતના છે, જેમાં રસ્તા, પુલ, શાળા, જમીન ધોવાણ, ચેકડેમો, રાહતકામ, સમારકામ, વીજલાઇન, વીજપુરવઠો, એસટીબસ શિક્ષણ મધ્યાહન ભોજન, સસ્તા અનાજની દુકાનો, રાજકોટના સોરઠીયાવાડીના પ્રશ્નો સહિત અનેક પ્રશ્નો હોય, તંત્ર ફાઇલો તૈયાર કરવા અંગે દોડધામ કરી રહ્યું છે.

 

(3:48 pm IST)