Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

ઘુંઘરોનો રણકાર થયો શાંત

શાસ્ત્રીય કથક નૃત્ય ના સરતાજ પદ્મ વિભૂષણ પં. બિરજુ મહારાજ થયા અનંતમાં વિલિન

૮૩ વર્ષની વયે દિલ્હી ખાતેના નિવાસ સ્થાને હાર્ટ એટેક ને કારણે લીધા અંતિમ શ્વાસ : ૧૯૮૩માં પદ્મ વિભૂષણથી સન્માનિત બિરજુ મહારાજે બોલિવુડની કેટલીય ફિલ્મો માટે ડાન્સ કોરિયોગ્રાફ કર્યો હતો.: પં. બિરજુ મહારાજે ગોવર્ધન લીલા, માખણ ચોરી, માલતી-માધવ, કુમાર સંભવ અને ફાગ બહાર વગેરે જેવા વિવિધ પ્રકારના નૃત્ય સ્વરૂપોની રચના કરી હતી : ૨૦૧૬ માં તેમણે હિન્દી ફિલ્મ બાજીરાવ મસ્તાનીના ગીત 'મોહે રંગ દો લાલ' માટે કોરિયોગ્રાફી માટે ફિલ્મફેર એવોર્ડ, સંગીત નાટક અકાદમી પુરસ્કાર, કાલિદાસ સન્માન ઉપરાંત માનદ ડોકટરેટ પદવી મેળવી હતી

પ્રસિદ્ઘ કથક નૃત્યકાર પદ્મ વિભૂષણ પંડિત બિરજુ મહારાજનું અવસાન થયું છે. ૮૩ વર્ષની વયે બિરજુ મહારાજે અંતિમ શ્વાસ લીધા હતા. હાર્ટ અટેકના કારણે દિલ્હી સ્થિત નિવાસ્થાને જ બિરજુ મહારાજનું નિધન થયું હતું. મીડિયા રિપોર્ટ મુજબ, રવિવાર અને સોમવારની મધ્યરાત્રિએ તેમનું અવસાન થયું છે. બિરજુ મહારાજના પરિવારે આ અંગે જાણકારી આપી હતી. પંડિત બિરજુ મહારાજનું અસલી નામ બ્રિજમોહન મિશ્રા હતું. તેમનો જન્મ ૪ ફેબ્રુઆરી, ૧૯૩૮ના રોજ લખનૌમાં થયો હતો. લખનૌ ઘરાના સાથે સંબંધ ધરાવતા બિરજુ મહારાજના નિધનના સમાચાર તેમના પૌત્ર સ્વરાંશ મિશ્રાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આપ્યા હતા. પરિવારના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, પંડિત બિરજુ મહારાજ રવિવારે રાત્ર લગભગ ૧૨ વાગ્યે પોતાના પૌત્ર-દોહિત્રી સાથે અંતાક્ષરી રમતા હતા. દરમિયાન અચાનક તેમની તબિયત ખરાબ થઈ અને તેઓ બેભાન થઈ ગયા હતા. તેમને દિલ્હીની સાકેત હોસ્પિટલમાં લઈ જવાયા હતા જયાં ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. અહેવાલ પ્રમાણે, બિરજુ મહારાજને થોડા દિવસ પહેલા જ કિડનીની બીમારી હોવાની જાણકારી મળી હતી. તેમનું ડાયાલિસિસ ચાલતું હતું પરંતુ રવિવારે મધરાત્રે એકાએક તેમની તબિયત બગડી અને દેહાંત થયું હતું.કથક સમ્રાટ પં. બિરજુ મહારાજનું અવસાન સંગીત જગત માટે મોટી ખોટ છે. કથકનો પર્યાય ગણાતા બિરજુ મહારાજ દેશના પ્રખ્યાત શાસ્ત્રીય નૃત્યાંગના હતા. તેઓ ભારતીય નૃત્યની કથક શૈલીના માસ્ટર અને લખનૌના 'કાલકા-બિન્દાદિન' ઘરાનાના વડા હતા. બિરજુ મહારાજનો જન્મ ૪ ફેબ્રુઆરી ૧૯૩૮ના રોજ લખનૌના 'કાલકા -બિન્દાદિન ઘરાના'માં થયો હતો. બિરજુ મહારાજનું નામ પહેલા દુખહરન હતું. બાદમાં તેને બદલીને 'બ્રિજમોહન નાથ મિશ્રા' કરવામાં આવ્યું. તેમના પિતાનું નામ જગન્નાથ મહારાજ હતું, જેઓ લખનૌ ઘરાનાના હતા અને તેઓ અચ્છન મહારાજ તરીકે જાણીતા હતા. જે હોસ્પિટલમાં બિરજુ મહારાજનો જન્મ થયો હતો, ત્યાં તેમના સિવાય અન્ય તમામ છોકરીઓનો જન્મ થયો હતો, તેથી જ તેમનું નામ બ્રીજમોહન રાખવામાં આવ્યું હતું. જે પાછળથી 'બિરજુ' અને પછી 'બિરજુ મહારાજ' બન્યા.

પંડિત બિરજુ મહારાજ ની પ્રતિભા માત્ર ત્રણ વર્ષની ઉંમરે તેમના પિતા અચ્છન મહારાજને તેમના ખોળામાં રમાડતા દેખાઈ હતી. આ જોઈને પિતાએ પોતાના સફળ પુત્રને બાળપણથી જ કલાની દીક્ષા આપવાનું શરૂ કર્યું. પરંતુ તેમના પિતાના મૃત્યુ પછી તરત જ તેમને તેમના કાકાઓ, જાણીતા માસ્ટર પં. શંભુ અને પં. લચ્છુ મહારાજ દ્વારા તાલીમ આપવામાં આવી હતી. બિરજુ મહારાજ કલાના સહારે લક્ષ્મી મેળવતા રહ્યા. તેઓ માત્ર નવ વર્ષના હતા ત્યારે તેમના પિતાનો પડછાયો તેમના માથા પરથી ઊતરી ગયો હતો.

પં. બિરજુ મહારાજે ગોવર્ધન લીલા, માખણ ચોરી, માલતી-માધવ, કુમાર સંભવ અને ફાગ બહાર વગેરે જેવા વિવિધ પ્રકારના નૃત્ય સ્વરૂપોની રચના કરી હતી. તેમણે સત્યજીત રોયની ફિલ્મ 'શતરંજ કે ખિલાડી' માટે સર્વશ્રેષ્ઠ બે નૃત્ય નાટકો પણ રચ્યા હતા. તબલા, પખાવાજ, ઢોલક, નાલ અને તંતુવાદ્યો, વાયોલિન, સ્વર મંડળ અને સિતાર વગેરે જેવા તાલવાદ્ય વાદ્યોની તેમને વિશેષ સમજ હતી.૧૯૯૮માં નિવૃત્ત્। થતાં પહેલાં પંડિત બિરજુ મહારાજે સંગીત ભારતી, ભારતીય કલા કેન્દ્રમાં શીખવ્યું હતું અને દિલ્હીમાં કથક કેન્દ્રના પ્રભારી પણ હતા. તેમણે દેશમાં અને દેશની બહાર હજારો સંગીતના કાર્યક્રમો આપ્યા. બિરજુ મહારાજને ઘણા પ્રતિષ્ઠિત પુરસ્કારો અને સન્માનો મળ્યા હતા. તેમને પ્રતિષ્ઠિત 'સંગીત નાટક અકાદમી', 'પદ્મ વિભૂષણ' મળ્યા. તેમને મધ્યપ્રદેશ સરકાર દ્વારા 'કાલિદાસ સન્માન' એનાયત કરવામાં આવ્યું હતું. પં. બિરજુ મહારાજે ૧૩ વર્ષની ઉંમરે દિલ્હીમાં સંગીત ભારતીમાં નૃત્ય શીખવવાનું શરૂ કર્યું. તે પછી તેમણે દિલ્હીમાં જ ઈન્ડિયન આર્ટ સેન્ટરમાં ભણાવવાનું શરૂ કર્યું. થોડા સમય પછી તેમણે કથક કેન્દ્ર (સંગીત નાટક અકાદમીનું એક એકમ)માં શિક્ષણ કાર્ય શરૂ કર્યું. અહીં તેઓ ફેકલ્ટીના વડા હતા અને ડિરેકટર પણ હતા. જે બાદ ૧૯૯૮માં તેઓ ત્યાંથી નિવૃત્ત્। થયા હતા. આ પછી દિલ્હીમાં જ કલાશ્રમના નામથી થિયેટર સ્કૂલ ખોલવામાં આવી હતી.

તેમણે કલા ક્ષેત્રે જે ઉંચાઈઓને સ્પર્શી હતી, તેમના ઘરમાં તેમની પાસેથી શીખનારા, સમજનારા, માર્ગદર્શન લેનારાઓનો ધસારો રહેતો હતો. D-II/33, શાહજહાં રોડ, નવી દિલ્હી. ઘણા દાયકાઓ સુધી બિરજુ મહારાજનું આ સરનામું હતું. કથક સમ્રાટ પંડિત બિરજુ મહારાજ અહીં રહેતા હતા. અહીં તેમને સરકાર દ્વારા ફ્લેટ ફાળવવામાં આવ્યો હતો. વર્ષો પછી વર્ષો અને દાયકાઓ વીતી ગયા. તેમને આ ઘર લખનૌની જેમ ખુબ ગમ્યું. તેઓ કહેતા, દિલ્હી અદ્બુત શહેર છે... હવે અહીંથી પાછા જવાનું મન થતું નથી. અહીં સત્યજીત રે, પંડિત રવિશંકર, સંજય લીલા ભણસાલી, કમલ હાસન, માધુરી દીક્ષિત જેવા લોકો આવતા-જતા હતા. ઘણી વાર ઘરના ડ્રોઈંગરૂમમાં પ્રવેશતા જ પંડિતજી કેટલાક શિષ્યો સાથે બેઠેલા જોવા મળતા, નૃત્યની બારિકાઇ પર ચર્ચા થતી. રૂમની દીવાલો પર દેવી-દેવતાઓના ચિત્રો જોવા મળ્યા. સાથે જ તેની માતાની તસવીર પણ રહેતી. પંડિતજી કહેતા કે તેમના પિતાનું બહુ નાની વયે અવસાન થયું હતું. તે પછી માતાએ બધું કર્યું, તેથી તે તેને ભગવાન માનતા. તેમનું નિવાસસ્થાન ધીમે ધીમે કલાનું મંદિર બની ગયું હતું. જેમ જેમ નજીક જાવ કે તરત જ ઘુંઘરોનો કલરવ સંભળાય. એક ઉર્જાનો અનુભવ થાય. વાતાવરણમાં મધુરતા અને આનંદની અનુભૂતિ થઈ શકતી. બિરજુ મહારાજના શિષ્યો અને પ્રશંસકો અહીં આવતા હતા. બિરજુ મહારાજે ફિલ્મ દેઢ ઇશ્કિયામાં માધુરી દીક્ષિતના ડાન્સ મૂવ્સનું નિર્દેશન કર્યું હતું. ત્યારબાદ માધુરી ઘણી વખત અહીં આવી હતી. તેઓ નૃત્ય ક્ષેત્રે માત્ર માસ્ટર ન હતા, પરંતુ 'ભારતીય શાસ્ત્રીય સંગીત' પર પણ તેમની પકડ હતી. ઠુમરી, દાદરા, ભજન અને ગઝલ ગાયનમાં તેઓ ઉસ્તદ હતા. તેણે ઘણા વાદ્યો પણ ખૂબ સારી રીતે વગાડતા. તબલા પર તેમની સારી પકડ હતી. આ સિવાય તે સિતાર, સરોદ અને સારંગી પણ સારી રીતે વગાડી શકતા હતા. આશ્યર્યની વાત એ હતી કે તેણે આ વાદ્યો વગાડવા માટે વિધિવત શિક્ષણ લીધું ન હતું.

પં. બિરજુ મહારાજના પરિવારમાં તેમને પાંચ બાળકો છે. તેમને ત્રણ પુત્રી અને બે પુત્ર છે. તેમના ત્રણ બાળકો મમતા મહારાજ, દીપક મહારાજ અને જય કિશન મહારાજ પણ કથકની દુનિયામાં પોતાનું નામ રોશન કરી રહ્યા છે. બિરજુ મહારાજને ઘણા સન્માન મળ્યા. ૧૯૮૬માં તેમને પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા. ઉપરાંત સંગીત નાટક અકાદમી પુરસ્કાર અને કાલિદાસ સન્માન અગ્રણી છે. આ સાથે તેમણે બનારસ હિંદુ યુનિવર્સિટી અને ખૈરાગઢ યુનિવર્સિટીમાંથી માનદ ડોકટરેટ પદવી મેળવી હતી. ૨૦૧૬ માં તેમણે હિન્દી ફિલ્મ બાજીરાવ મસ્તાનીના ગીત 'મોહે રંગ દો લાલ' માટે કોરિયોગ્રાફી માટે ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. ૨૦૦૨માં તેમને લતા મંગેશકર એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા હતા. ૨૦૧૨માં 'વિશ્વરૂપમ' માટે શ્રેષ્ઠ કોરિયોગ્રાફી અને ૨૦૧૬માં 'બાજીરાવ મસ્તાની' માટે શ્રેષ્ઠ કોરિયોગ્રાફી માટેનો ફિલ્મફેર એવોર્ડ પણ મેળવ્યો હતો. (૨૨.૩૩)

કલા જગતને ભરપાઈ ન થઈ શકે તેવી ખોટઃ નરેન્દ્રભાઇ મોદી

પં. બિરજુ મહારાજના નિધનના સમાચાર આવ્યા ત્યારથી બોલિવૂડ અને ઘણા રાજનેતાઓ સોશિયલ મીડિયા દ્વારા તેમને શ્રદ્ઘાંજલિ આપી રહ્યા છે. પીએમ નરેન્દ્ર મોદીએ પણ બિરજુ મહારાજના નિધન પર શોક વ્યકત કર્યો છે. તસવીર શેર કરતાં પીએમ મોદીએ ટ્વિટર પર લખ્યું હતું કે, 'ભારતીય નૃત્ય કલાને સમગ્ર વિશ્વમાં એક વિશેષ ઓળખ અપાવનાર પંડિત બિરજુ મહારાજજીના નિધનથી ખૂબ જ દુઃખી છું. તેમનું અવસાન સમગ્ર કલા જગત માટે અપુરતી ખોટ છે. દુઃખની આ ઘડીમાં મારા વિચારો તેમના પરિવાર અને ચાહકો સાથે છે. ઓમ શાંતિ!'

જયારે કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું,'પંડિત બિરજુજી મહારાજ ભારતની કલા અને સંસ્કૃતિના પ્રણેતા હતા. તેમણે કથક નૃત્યના લખનૌ ઘરાનાને સમગ્ર વિશ્વમાં લોકપ્રિય બનાવ્યું. તેમના અવસાનથી ખૂબ જ દુઃખ થયું. તેમનું અવસાન કલા જગતને ન પુરી શકાય તેવી ખોટ છે.

યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું, 'કથક સમ્રાટ, પદ્મ વિભૂષણ પંડિત બિરજુ મહારાજજીનું નિધન અત્યંત દુઃખદ છે. તેમનું નિધન એ કલા જગત માટે અપુરતી ખોટ છે. ભગવાન શ્રી રામ દિવંગત પુણ્યશાળી આત્માને પોતાના ચરણોમાં સ્થાન આપે અને શોકગ્રસ્ત પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શકિત આપે તેવી પ્રાર્થના.

જયારે પંડિત બિરજુ મહારાજે માતાને કહ્યું હું દાળ અને રોટલી ખાઈશ પણ રિયાઝ નહીં છોડું

 

એક ઈન્ટરવ્યુમાં પંડિત બિરજુ મહારાજે કહ્યું હતું કે, 'એક સમયે અમારા ઘરમાં ચાર ઘોડા, એક ગાડું હતું. પરંતુ ધીરે ધીરે તે ખતમ થઈ ગયા. મેં મોટા-મોટા બોકસ જોયા છે જેમાં નવ લાખનો હાર, ત્રણ લાખનો હાર રહેતા. પણ ધીમે ધીમે બધુ ખતમ થઇ ગયું. માતાએ કહ્યું હતું કે, દીકરા આપણી પાસે બધું હતું અને હવે એમાંનું કંઈ નથી. એવું થયું કે આપણે દેવાદાર થઈ ગયા. એ વખતે પંડિતજીએ અમ્માને કહ્યું હતું કે મારૃં જે થશે તે હું દાળ-રોટલી ખાઈશ, પણ રિયાઝ છોડીશ નહીં.'

પ્રશાંત બક્ષી

મો. ૭૯૯૦૫ ૫૮૪૬૯

(3:49 pm IST)