Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

સુધરાઇ વહીવટ સુપ્રિ. ડે.સુપ્રિ.રેવન્યુ આસી.અને ફોજદાર અર્થાત્ પીએસઆઈ અને ૫ લોક પ્રતિનિધિ દ્વારા થતો

નગરપાલિકા અને મહા નગરપાલિકા જેવી વ્યવસ્થા ન હતી ત્યારે રજવાડા યુગમાં આ પ્રકારની વ્યવસ્થા હતી, ઇતિહાસમાં ડોકિયું : માર્કેટિંગ યાર્ડ જેવી વ્યવસ્થા હતી, શહેરના પ્રતિષ્ઠિત લોકોનો સમાવેશ પ્રજા વત્સલ રાજવી લાખાજીરાજ બાપુ દ્વારા કરવામાં આવેલ

રાજકોટ તા. ૧૭ : રાજકોટ મહા નગરપાલિકાની ચૂંટણી આડે હવે ગણત્રીના દિવસો બાકી છે ત્યારે ભૂતકાળમાં જયારે નગર પાલિકા અને મહા નગર પાલિકા જેવી વ્યવસ્થા ન હતી ત્યારે રજવાડા સમયે કેવી વ્યવસ્થા હતી તે જાણવા ખૂબ ઉત્કંઠા હોય તે સ્વાભાવિક  છે તો ચાલો આબાબતના અલભ્ય ઇતિહાસમાં ડોકિયું કરીએ.

એ સમયે રાજકોટના રાજવી તરીકે પ્રજાના સુખે સુખી પ્રજાના દુઃખે દુઃખી એવા પ્રજાવત્સલ રાજવી ઠાકોર સાહેબ સ્વ.લાખાજીરાજ બાપુ રાજવી તરીકે હતા અને તેઓએ તા. ૨૩મી માર્ચ ૧૯૨૩ના અરસામાં પ્રજાના પ્રતિનિધિઓને વહીવટ સોંપવાની ઘોષણા કરી હતી.

એ પહેલા આ તંત્ર કઈ રીતે ચલાવાતુ અને કોના દ્વારા વહીવટ ચાલતો એ જાણવાની જો જીજ્ઞાસા હોય તો જાણી લ્યો કે એ કાળમાં એક કમીટી દ્વારા વહીવટ ચાલતો અને તેમાં રાજય તરફથી ચાર અમલદારો અને લોકોના પાંચ પ્રતિનિધિઓની બનેલી એક કમીટી હતી.

ઉકત કમીટીમાં રાજકોટના સુપ્રિટેન્ડેન્ટ, ડે. સુપ્રિટેન્ડેન્ટ, રેવન્યુ આસીસ્ટન્ટ તથા રાજકોટના ફોજદાર હતા, આમાના પ્રથમ બે અનુક્રમે પ્રમુખ - ઉપપ્રમુખ તરીકે હતા અને બાકીના સભ્યો તરીકે હતા. આજે જેમ નગરસેવકો કે કોર્પોરેટર તરીકે લોકો જેને ઓળખે છે તેવા તે સભ્યો એ યુગમાં કમિશ્નર તરીકે ઓળખાતા.

એ યુગમાં હાલમાં જેમ જનરલ બોર્ડની સામાન્ય સભા દર બે માસે મળે છે તેમ તે વખતે જનરલ બોર્ડ દર ત્રણ માસે મળતી અને સુધારા (સુધરાઈ)ના કામો નિકાલ કરતી, કામોની અમલવારી માટે હાલમાં જેમ સેક્રેટરી પ્રથા છે તેમ તે યુગમાં પણ સેક્રેટરી પ્રથા હતા. અર્થાત્ સેક્રેટરીની વરણી થયેલ.

ઉપપ્રમુખ અને બે કમિશ્નરોની એક અલગ પેટા કમીટી હતી. જે દર અઠવાડીયે મળતી. ૧૯૨૩ના ઓગષ્ટ માસમાં પ્રથમ પ્રતિનિધિ સભાને વહીવટ સોંપાયેલ. આજે આ ભલે નાની સુની વાત લાગે પણ રાજાશાહીના યુગમાં આ રીતે પ્રજાને વહીવટ સુપ્રત કરવાનું કામ સ્વ.લાખાજીરાજબાપુ જેવા વીરલા જ કરી શકે.

આજે જેમ અનામત બેઠકો છે તેમ તે વખતે હાલની માર્કેટીંગ યાર્ડની પ્રથાને મળતી ખેડૂતો અને વેપારી માટે અલગ અલગ બેઠકો હતી. પ્રથમ ચૂંટણી સમયે વેપારી વર્ગના પ્રતિનિધિ તરીકે રામજીભાઈ ગોરધનદાસ બુદ્ધદેવ, સૌભાગ્યચંદ હેમચંદભાઈ શાહ, કાનજીભાઈ ગુલાબભાઇ ખોજા, ગોકળદાસ ડાહ્યાભાઈ મહેતા, પુરૂષોતમ માવાજીભાઈ પારેખ તથા દયાળજી શામજીભાઈ ઠક્કર હતા.

ખેતી ક્ષેત્રના પ્રતિનિધિ તરીકે ડો.ગીરજાશંકર ઈચ્છાલાલ ઓઝા, પટેલ કુરજી જાદવજીભાઈ વેકરીયાઅને હરીલાલ શામજીભાઈ દોશી ચૂંટાયા હતા. જયારે મજૂર ક્ષેત્રના પ્રતિનિધિ તરીકે મનસુખલાલ રવજીભાઈ મહેતા, અલીભાઈ ઈબ્રાહીમભાઈ, વૃજલાલ પ્રાણજીવનભાઈ પારેખ, કનૈયાલાલ ગીરધરલાલ કોઠારી, શ્રીબેચરવાલા વાઢેર, સોની રતનશી રામજીભાઈ, ડો.મેરૂ અભરામ વૈદ્ય, શિવશંકર દેવશંકર, કાળીદાસ મોતીચંદ પારેખ, ગૌરીશંકર પ્રાણશંકર વ્યાસ, વૈદ્ય જીવરાજભાઈ મોતીચંદ લક્ષ્મીચંદ માણેકચંદ દોશી, ભગવાનલાલ દુલર્ભજી શાહ, મોહનલાલ દામોદર મહેતા, ઉમીયાશંકર બેચરલાલ જોષી અને લક્ષ્મીશંકર વજેશંકર ભટ્ટ ચૂંટાઈ આવ્યા હતા.

સાધુ સંતોના પ્રતિનિધિ તરીકે જે પ્રતિનિધિઓ ચૂંટાઈ આવ્યા હતા તેમા શાસ્ત્રી ચત્રભુજ શિવશંકર ત્રિપાઠી, છોટાલાલ તેજપાલ મહેતાનો સમાવેશ થાય છે. અન્ય નગરજનોમાં નાગજીભાઈ પીતાંબરભાઈ ગણાત્રા, દેવચંદ ઉત્તમચંદ પારેખ, મગનલાલ ડાહ્યાભાઈ તન્ના, શ્રીમતી સીતાબાઈ બામ, મોનજીભાઈ કોઠારી, ચુનીલાલ નાગજીભાઈ વોરા, ફુલચંદ ડાહ્યાભાઈ પારેખ, ભાઈચંદ અનુપચંદ મહેતા, પોપટલાલ ધનજીભાઈ માલવીયા અને પ્રભુલાલ દેવકર પારેખ વિ. હતા.

કુલ ૫૩ જેટલા પ્રજાના પ્રતિનિધિઓના સભાવાળા પ્રથમ બોર્ડમાં કળા કૌશલ્યના પ્રતિનિધિ તરીકે ડો.લલ્લુભાઈ છગનલાલ શાહ ચૂંટાયેલા.

પ્રથમ બોર્ડમાં ધારા નિયમો ઘડવા માટે ૧૮ સભ્યોની એક સમિતિ બનાવવામાં આવેલ. જેમાં લીલાધર અમૃતલાલ, દેવચંદ ઉત્તમચંદ પારેખ, મનસુખલાલ મહેતા, શિવલાલ વોરા, ગોરધનદાસ લાધાભાઈ, કનૈયાલાલ કોઠારી, હરીશંકર પંડ્યા, કાનજીભાઈ ગુલાબભાઈ, વૈદ રવિશંકર દેવશંકર અને હિંમતસિંહજી બી. રાણા વિ.નો પણ સમાવેશ હતો.

(2:55 pm IST)