Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

મ.ન.પા.માં માત્ર કરવેરા દરખાસ્ત થશે મંજુરઃ યોજના સહિત બાકીનું બજેટ નવા શાસકો આપશે

૨૦મી સુધીમાં બજેટ મંજુર કરવા સત્તા આપવા સરકારને ઉદિત અગ્રવાલનો પત્ર

રાજકોટ, તા. ૧૭ :. મ.ન.પા.ની ચૂંટણીની આચારસંહિતા વચ્ચે મ.ન.પા.નું ૨૦૨૨નું બજેટ અધ્ધરતાલ છે ત્યારે ૨૦મી ફેબ્રુઆરી અગાઉ મંજુર કરવી જ પડે તેવી કરવેરા દરખાસ્તોમાં કોઈ વધારો-ઘટાડો કર્યા વગર યથાવત સ્થિતિમાં મંજુર કરવાની સત્તા આપવા મ્યુ. કમિશ્નર શ્રી અગ્રવાલે રાજ્ય સરકારને પત્ર પાઠવ્યો છે.

મનપાના આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ ૨૦મી ફેબ્રુઆરી અગાઉ મ.ન.પા.ના બજેટની કરવેરા દરખાસ્તો મંજુર કરવી ફરજીયાત છે, પરંતુ હાલમા મ.ન.પા.માં વહીવટદાર શાસન હોવાથી બજેટ મંજુર થઈ શકે તેમ નથી. આથી હાલતૂર્ત માત્ર કરવેરા દરખાસ્તો જેવી કે વ્યવસાય વેરો, હાઉસ ટેકસ, પાણી વેરો, સફાઈ વેરો વગેરેને હાલમાં જે સ્થિતિ છે તે જ સ્થિતિમાં કોઈપણ સુધારા-વધારા કર્યા વગર મંજુર કરવાની સત્તા આપવા મ્યુ. કમિશ્નર ઉદિત અગ્રવાલે રાજ્ય સરકારને પત્ર પાઠવ્યો છે. આમ હાલતૂર્ત માત્ર કરવેરા બજેટ મંજુર કરી બાકીનું તમામ નવુ બજેટ ચૂંટણી પછી જે પક્ષ શાસનમાં આવશે તે આપશે તેવા નિર્દેશો મળી રહ્યા છે.

(3:43 pm IST)