Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

'આપ' દ્વારા પ્રજાની સાથે કામ કરશે, નગરરાજ બિલ લાવશે

જનતા દ્વારા ચૂંટાયેલા ઉમેદવારો જનતાના લોકસેવક હોય છે, નેતા નહિં : જુલીબેન લોઢીયા : વોર્ડ નં.૧૪ના ઉમેદવારો કહે છે મકાનવેરો ૫૦% કરીશુ, પાણી વેરો નાબુદ કરીશુ, એ.સી. ચેમ્બરોમાં નહિં પણ શેરીઓમાં મીટીંગ કરી બજેટ બનાવીશુ, કોર્પોરેશનનું જનરલ બોર્ડ જાહેરજનતા વચ્ચે યોજીશુ, ટેન્ડર પ્રક્રિયામાં પારદર્શિતા લાવીશુ

ઉકત તસ્વીરમાં 'અકિલા' પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે વોર્ડ નં.૧૪ના 'આપ'ના ઉમેદવારો સર્વશ્રી જુલીબેન લોઢીયા મો. ૯૯૨૪૩ ૯૪૨૭૦, કરણ કાનગડ મો. ૯૬૨૫૯ ૫૫૫૫૫, ભાવેશ પટેલ મો.૯૪૨૮૦ ૦૩૨૮૪ અને લાભુબેન ચાંડપા નજરે પડે છે.

રાજકોટ, તા. ૧૭ : ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના કોર્પોરેટરો પોતાની ફરજ માં આવતા કાર્યો ન કર્યા હોવાથી લોકો ખરેખર નારાજ છે અને ત્રાહિમામ પોકારી ઉઠયા છે

ત્યારે આમ આદમી પાર્ટી એક માત્ર પ્રજાનો વિકલ્પ અને ઉમીદ બનીને આવી છે અને રાજકોટના લાગણીશીલ અને સમજદાર તેમજ પ્રબુદ્ધ નાગરિકોએ પ્રેમથી આદરથી અને વિશ્વાસથી સ્વીકારી છે, એક પક્ષ નિષ્ફળ તો બીજો પક્ષ નિષ્ક્રિય હોવાથી  ગુજરાતમાં અને રાજકોટમાં જનતાએ કામની અને પારદર્શકતા ની રાજનીતિ જોઈ જ ન હોવાનું અહિંના વોર્ડ નં.૧૪ના 'આપ'ના ઉમેદવારો જુલીબેન લોઢીયા, લાભુબેન ચાંડપા, ભાવેશભાઈ પટેલ અને કરણ કાનગડે જણાવ્યુ હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જીતીને આમ આદમી પાર્ટી સત્તા પર આવશે ત્યારે નવો ઈતિહાસ બનાવશે દિલ્હીની જેમ રાજકોટની કાયાપલટ થશે. પ્રજાએ ભરેલા ટેકસનો ચોખ્ખો અને પૂરેપૂરો હિસાબ પારદર્શિતા મુજબ કરવામાં આવશે અને લોકોને તમામ મહત્વની સુવિધાઓ પુરી પાડવામાં આવશે. પ્રજાને સાથે રાખીને કામ કરવાનો સમય હવે પાકી ચૂક્યો છે જેથી આમ આદમી પાર્ટી લોકો વચ્ચે જઈ પ્રજાના કામ કરશે અને નગર રાજ બિલ લાવશે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જો લોકોનો સાથ સહકાર અને બહોળો પ્રતિસાદ મળશે તો આમ આદમી પાર્ટી નામ વોર્ડ નંબર ૧૪ના તમામ ઉમેદવારોએ જણાવ્યું હતું કે માત્ર કામની જ રાજનીતિ કરીશું

તેઓએ જણાવેલ કે હાલમાં કોર્પોરેશન હસ્તકની  સરકારી શાળાનું નવિનીકરણ કરીશું અને અધતન બનાવીશું .  રાજકોટમાં અદ્યતન સુવિધા સાથેનો સ્ટાર્ટઅપ હબ આઈટી પાર્ક ઉભો કરીશું તેમજ ઈ-લાયબ્રેરી બનાવીશું . રાજકોટમાં કોર્પોરેશન સંચાલિત સરકારી કોલેજ બનાવીશું તેમજ પોલીટેકનીક કોલેજ બનાવીશું .

દિલ્હીના મહોલ્લા કિલનિકની જેમ રાજકોટના દરેક વોર્ડમાં 'કલીનીક ઓન વ્હીલ્સ'ની સુવિધા ચાલુ કરીશું .  રાજકોટમાં ઝોન વાઈઝ લેબ ખોલીને લોહી , પેશાબ , સીટી સ્કેન, એમઆરઆઈ, સોનોગ્રાફી , એકસ - રે જેવી તપાસ નિઃશૂલ્ક કરી આપીશું.  વોર્ડવાઈઝ આરોગ્ય કેન્દ્રોની સમીક્ષા કરીશું અને નવા સાધનો લાવી સુવિધા વધારીશું . ૨૫ થી ૫૦ બેડ સુધીની રાજકોટ મહાનગરપાલીકા સંચાલીત સરકારી અધતન નવી હોસ્પીટલો બનાવીશું . રાજકોટમાં ઘરવેરો અડધો કરીશું .  પાણીવેરો નાબુદ કરીશું . વ્યવસાય વેરો નાબુદ કરીશું . અન્ય તમામ વેરાઓની સમીક્ષા કરીશું. બીપીએમસી એકટ મુજબ દંડ વસુલવાની સતાનો દુરઉપયોગ અટકાવી વ્યવહારુ ઉપયોગ કરીશુ. વરસાદી પાણીના નીકાલ માટે ફલડ પાઈપ લાઈન નેટવર્ક બનાવીશું .  આધુનિક કચરા રીસાઈકલીંગ સિસ્ટમ દ્વારા કચરાને છુટો પાડીને તેમાંથી વિજળી અને ખાતર બનાવીશું.  દિલ્લી મોડેલની જેમ સીટી બસમાં મહિલાઓ, વિદ્યાર્થીઓ અને વિકલાંગો માટે મુસાફરી ફ્રી કરીશું . રાજકોટ કોર્પોરેશન હસ્તકના તમામ ર્પાકિંગ મફત કરીશું. રાજકોટની ટ્રાફીક સમસ્યા હલ કરવા મહત્તમ પબ્લીક ટ્રાન્સપોર્ટ સુવિધા વધારીશું.

તેઓએ જણાવેલ કે રાજકોટનું બજેટ એ.સી. ઓફિસમાં બનાવવાનું / બંધ કરીને રાજકોટની શેરીઓ / મહોલ્લામાં મીટીંગ કરીને બજેટ બનાવીશું. કોર્પોરેટરની ગ્રાન્ટનો દુરવ્યય અને ભ્રષ્ટાચાર અટકાવી પારદર્શક બનાવી સદ્ધપયોગ કરીશું . કોર્પોરેશન દ્વારા આપવામાં આવતા સરકારી પ્રમાણપત્રોની હોમ ડિલીવરી કરવામાં આવશે ભ્રષ્ટાચાર મુકિત અને પારદર્શિતા , કોર્પોરેશનના તમામ ટેન્ડર અને ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા લાવીશું.

કોર્પોરેશનની સાધારણસભા અને સ્ટેન્ડિંગ કમિટીની મિટીંગનું ફેસબુક / યુટયુબ લાઈવ કરીશું . કોર્પોરેશનનું જનરલ બોર્ડ જાહેર જનતા વચ્ચે યોજીશું.

કોર્પોરેશનના વહીવટ અંગે કે અધિકારીઓ અંગે ફરીયાદ કરવા ટોલ ફ્રી નંબર જાહેર કરીશું . કોર્પોરેશનમાં ભ્રષ્ટાચાર અંગેના તમામ પેન્ડિંગ કેસોની ઝડપી કાર્યવાહી કરવામાં આવશે .

 ધાર્મિક પ્રસંગો, લગ્ન, મરણ, સગાઈ કે અન્ય સામાજીક પ્રસંગો કરવા માટે કોર્પોરેશન સંચાલિત કોમ્યુનિટી હોલના ચાર્જમાં ઘટાડો કરવામાં આવશે. મહિલાઓ માટે અલગથી મહિલા રમત - ગમત સંકુલો બનાવીશું.

મહાનગર પાલીકાના આવકના સ્ત્રોત વધારવામાં આવશે.

 રાજકોટ મહાનગર પાલીકાના વિવિધ કાર્યોમાં રાજકોટના પ્રબુદ્ધ અને જે તે ક્ષેત્રના નિષ્ણાંત લોકોની માનદ સેવા લઈને ભ્રષ્ટાચારને અટકાવવાના અને કાર્યક્ષમતા વધારવાના પ્રયત્નો કરીશું. રાજકોટ કોર્પોરેશનમાં ખાલી પડેલી જગ્યાઓ પારદર્શક ભરતી કરીને તાત્કાલીક ભરીશું અને હાલમાં પેન્ડીંગ તમામ ભરતી પ્રક્રિયા ઝડપથી પૂરી કરીશું સ્થાનિક તમામ પ્રશ્નોને વાંચા આપવા અને સુખ સુવિધા વધારવા અને ખરા અર્થમાં રાજકોટ ને સ્માર્ટ સિટી બનાવવા પુરતા પ્રયત્નો કરવામાં આવશે તેમ અંતમાં જણાવ્યુ હતું.

(4:04 pm IST)