Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

બે બહેનોના પ્રેમ, રાજકીય કનેકશનના લાભ- ગેરલાભો ફિલ્મમાં દર્શાવાયા

ગુજરાતી ફિલ્મ 'જસ્ટિસ'માં દીકરી ન્યાય માટે નિડરપૂર્વક લડત આપતી જોવા મળશેઃ ૨૬મીએ રિલીઝ

અમદાવાદ, આણંદ, નડીયાદમાં શૂટીંગઃ ફિલ્મના ડાયરેકટર- પ્રોડયુસર કપિલ નથવાણી

રાજકોટ,તા.૧૭: ગુજરાતી ફિલ્મ 'જસ્ટીસ' રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં ન્યાય માટે દીકરી લડત આપતી જોવા મળશે. ફિલ્મનું શૂટીંગ અમદાવાદ, આણંદ, નડીયાદમાં થયેલું છે.

લોકડાઉન બાદ હવે સિનેમાગૃહો પણ  ખૂલી ગયા છે. ત્યારે આગામી ૨૬ ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહી છે ગુજરાતી ફિલ્મ 'જસ્ટિસ'. આ ફિલ્મની વાર્તામાં સ્ત્રી સશકિતકરણ, મહાત્મા ગાંધીની નારી અંગેના આદર્શો, મોર્ડન યુવતીના સ્વતંત્ર વિચારો તેમજ આદર્શ ન્યાય વ્યવસ્થા વગેરે મેસેજ સુંદર રીતે સાંકળી લેવામાં આવ્યા છે. ફિલ્મનું નિર્માણ એસ-૯ ફિલ્મ બેનર હેઠળ કપિલ નથવાણી (રાજકોટ)ના નિર્દેશનમાં થયું છે. એમનું માનવું છે કે આગામી સમયમાં કોઈપણ સ્ત્રી ભયમુકત થઈને સમાજમાં જીવી શકે અને પોતાના ગમતા ક્ષેત્રમાં કામ કરી શકે એવો સમાજની સ્થાપના માટે આ ફિલ્મ લોકોને વિચાર કરવા પ્રેરશે. ફિલ્મની વાર્તા બે બહેનોનો પ્રેમ, રાજકીય કનેકશનના લાભ ગેરલાભ અને ન્યાયતંત્રની સમાજ પર થતી અસરોને પણ બખૂબી દર્શાવવામાં આવી છે.

આ ફિલ્મમાં જાણીતા કલાકારો ગ્રીવા કંસારા, ગોકુલ બારૈયા, જિતેન્દ્ર ઠકકર, ચેતન દૈયા, વંદના સરવૈયા, યામિની જોશી, ચેતન દોશી, વિધી શાહ, ઉત્સવી ગોર પ્રેક્ષકોને જોવા મળશે. ફિલ્મનું સંગીત મૌલિક મહેતા દ્વારા આપવામાં આવ્યું છે. જયારે બ્રેકગ્રાઉન્ડ સ્કોર સુનિલ પટ્ટણી (તારક મહેતા ફેમ) દ્વારા તૈયાર થયેલ છે. રાજકોટ પણ ફિલ્મ નિર્માણ ક્ષેત્રે ધીરે ધીરે પગભર થઈ રહ્યું છે એ આનંદની વાત છે અને ખાસ તો કોરોનાકાળમાં મનોરંજન ક્ષેત્રે કામ કરતાં નાના કલાકારોએ પુષ્કળ કપરી આર્થિક મુશ્કેલી અનુભવી હતી. ત્યારે ગુજરાતી પ્રેક્ષકો પ્રાદેશિક ફિલ્મોને સુપેરે સ્વીકારેએ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ટકાવવા ખૂબ જરૂરી હોવાનું જણાવેલ.

તસ્વીરમાં ફિલ્મના કલાકારો ગ્રીવા કંસારા, ગોકુલ બારૈયા, યામિની જોષી, ડાયરેકટર- પ્રોડયુસર કપિલભાઈ નથવાણી (મો.૮૩૦૬૬ ૧૦૦૦૧), કો- પ્રોડયુસર જીજ્ઞેશ રાદડીયા, આસી. ડાયરેકટર નિલેશ ચોવટીયા નજરે પડે છે.

(4:26 pm IST)