Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

રાજકોટ : ઇવીએમમાં ભાજપનું ચૂંટણી ચિન્હ મોટું અને બોલ્ડ કેમ ? કોંગ્રેસ બાદ આપ પાર્ટીએ ઉઠાવ્યો વાંધો

ભાજપના ચૂંટણી ચિહ્ન કમળની નીચે પાર્ટીનું નામ BJP લખેલુ જ્યારે અન્ય પાર્ટીઓના ચૂંટણી ચિહ્ન નીચે પાર્ટીનું નામ નથી

રાજકોટ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય માહોલ જામ્યો છે, ત્યારે હવે વધુ એક વખત EVMની વિશ્વસનિયતા પર સવાલ ઉઠવા લાગ્યા છે. રાજકોટમાં કોંગ્રેસ બાદ આમ આદમી પાર્ટી દ્વારા EVM પર રહેલા ભાજપના ચૂંટણી ચિહ્ન ‘કમળ’ને લઈને વાંધો ઉઠાવ્યો છે

   આ અંગે આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ રાજભા ઝાલાએ ચૂંટણી પંચ પર આક્ષેપ કરતાં જણાવ્યું છે કે, EVM પર કમળનું સિમ્બોલ અન્ય પાર્ટીઓના ચૂંટણી ચિહ્ન કરતાં મોટું અને બોલ્ડ રાખવામાં આવ્યું છે. આટલું જ નહીં, ભાજપના ચૂંટણી ચિહ્ન કમળની નીચે પાર્ટીનું નામ BJP લખેલુ છે. જ્યારે અન્ય પાર્ટીઓના ચૂંટણી ચિહ્ન નીચે પાર્ટીનું નામ નથી રાખવામાં આવ્યું. અમારી પાર્ટી આ સમગ્ર મામલે ચૂંટણી પંચને રજૂઆત કરશે

  અત્રે ઉલ્લેખનીય છે કે રાજભા ઝાલા રાજકોટ શહેર ભાજપના પૂર્વ નેતા અને મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન રહી ચૂક્યા છે. જો કે ભાજપથી નારાજ થઈને તેમણે પાર્ટી સાથે છેડો ફાડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

   આ  અગાઉ કોંગ્રેસના નેતા હેમાંગ વસાવડાએ પણ ચૂંટણી પંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આરોપ લગાવતા જણાવ્યું કે, ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનમાં (EVM)માં ભાજપના સિમ્બોલને મોટો રાખવામાં આવ્યો છે. આટલું જ નહીં ભાજપના ચિહ્નને વધારે ઘાટુ રાખવામાં આવ્યું છે. જેથી મતદાન કરવા જઈ રહેલા મતદાતાઓની પ્રથમ નજર ભાજપના સિમ્બોલ પર પડે. જો કે ભાજપે કોંગ્રેસના તમામ આરોપોને વખોડી નાંખતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ પોતાની હાર ભાળી ગઈ છે. આથી આવા પાયાવિહોણા આરોપ મૂકી રહી છે

(8:10 pm IST)