Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2024

વેપારી વર્ગ રૂ.૧૦ના સિક્કાનો છુટથી લેવડ-દેવડમાં ઉપયોગ કરે : ચેમ્બરની અપીલ

જો કોઇ બેંક ઇન્કાર કરે તો ચેમ્બરનો સંપર્ક સાધો : વી.પી.વૈષ્ણવ

રાજકોટ, તા.૧૭: હાલમાં રૂ.૧૦ની નોટની બજારમાં ખુબ જ સોર્ટેજ જોવા મળી રહી છે તેમજ રૂ.૧૦ની રદી નોટોના કારણે શહેરના વેપારી વર્ગોને ખુબ જ મુશ્કેલીઓ પડી રહી છે. ત્યારે આ અછતને દુર કરવા રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા રૂ.૧૦ના સિકકાનું ચલણ અમલીકરણ કરેલ જ છે. જેથી નાના-મોટા તમામ વેપારી વર્ગને કોઈપણ જાતની મુશ્કેલીઓનો સામનો કરવો ન પડે.

આમ રાજકોટ-સૌરાષ્ટ્રના તમામ નાના મોટા વેપારીવર્ગમાં રૂ.૧૦ના સિકકા ન લેવા અને બજારમાં ચાલતા ન હોવાની અફવાઓ ફેલાઈ રહી છે. જેથી ખુબ જ હાલાકો પડી રહી છે. તેથી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખશ્રી વી.પી. વૈષ્ણવ દ્વારા શહેરના તમામ નાના-મોટા વેપારીવર્ગને રૂ.૧૦ના સિક્કાની લેવડ-દેવડ કરવા અને સહકાર આપવા ખાસ અનુરોધ કરવામાં આવે છે. વધુમાં રૂ.૧૦ સિકકા લેવાનો કોઈપણ બેન્ક ઈન્કાર કરે તો રિઝર્વ બેન્કના નિયમોનું ઉલ્લંઘન થયેલ હોય તેવું માની શકાય તેથી આ બાબતે જો કોઈ બેન્ક ઈન્કાર કરે તો રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીનો સંપર્ક કરવા જણાવવામાં આવે છે. આમ હાલની પ્રવર્તમાન પરિસ્થિતીને ધ્યાનમાં રાખી તમામ વેપારીવર્ગો-શાકભાજીવાળા અને કરિયાણા વાળા વિગેરેએ રૂ.૧૦ના સિકકાની લેવડ-દેવડ કરવી તેમજ બજારમાં રૂ।.૧૦ના સિકકા ચલણમાં નથી તેવી અફવાઓથી દુર રહેવા અનુરોધ કરવામાં આવે છે. તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.

(3:59 pm IST)