Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

કોરોનાકાળ

સમય ખરાબ છે પણ સમય જ છે ને નીકળી જશે !

સર્વેશ્વર જાણે કે સૃષ્ટિની સફાઈ આદરી હોય એવું લાગે છે. વિશ્વ આજે એક મહામારી સામે લડી રહ્યું છે અને પૂરી તાકાતથી તેમનો પણ કરી રહ્યું છે. માનવસર્જીત અને કુદરતી આફતોની માનવજીવન પર પ્રકૃતિ પર વિઘાતક અસરો થતી રહી છે. આજ વૈજ્ઞાનિક શોધો એ માનવજીવનને અજાયબીઓની ઘણી નજીક લાવી દીધું છે. ટેક્નોલોજીના ટકોરા દ્વારા ટારઝનથી રોબોટ સુધીની યાત્રા અદભૂત રહી છે. આ વિકાસ દ્વારા કેટલીક નકારાત્મકતાનો સામનો પણ સજીવસૃષ્ટિ એ કરવો જ રહ્યો.

પૃથ્વી પરના ટાંચા સાધનો દ્વારા જ શક્ય પરિવર્તનો આવ્યા છે અને આવતા રહેશે. પૂર્વકાળે પણ અનેક મહામારીએ અનેક લોકોનો ભરડો લીધો છે. ઓરી, અછબડા, શીતળા, કોલેરા, પ્લેગ વગેરે જેવી મહામારીઓ સામે જગત લડીને બહાર હેમખેમ નીકળી ગયું છે તો આજની સ્થિતિ પણ કાયમ કેમ રહી શકે?

કોવિડ – ૧૯ નામની વાઇરસે વિશ્વને વિખેરી નાખ્યું છે. ત્યારે આપણે માનવજાતે જ તેમનો પ્રતિકાર કરવા સક્ષમ બનવું રહ્યું. દરેક સરકાર પોતાના તમામ પ્રયત્નો કરી રહી છે ત્યારે આવા અદ્રશ્ય દુશ્મન સામે લડવા પ્રજાએ પણ નિયમ – અનુશાશન અને સરકારી ગાઈડલાઇનનું પરિપાલન કરવું ફરજીયાત છે. આમ કરીને આ વાઇરલ યુદ્ધના દુશ્મનને હરાવી શકાશે.

પ્રથમ તો દરેક પોતાના શરીરને સજ્જ કરવા રોગપ્રતિકારક શકિત વધે તે માટે આહાર ખાન-પાનની રોજીંદી ક્રિયામાં નિયમિતતા અને સાત્વિકતા દાખવી શરીરની શકિતને વધારવી. આપણાં દેશીવૈદના નુશખાઓ ઘણા કારગત નીવડ્યા છે. આયુર્વેદ પધ્ધતિ દ્વારા શરીરની રોગપ્રતિકારક શકિત વધારવી. બીજું એ કે વ્યકિતની આંતરિક હિમ્મત વધે કહેવાય છે ને કે 'મન તંદુરસ્ત તો તન તંદુરસ્ત' તો મનને તંદુરસ્ત અને મજબૂત તેમજ હકારાત્મક બનાવવા સોશિયલ મીડિયા, ટી.વી. સમાચારોમાં આવતા પેંડેમીક દ્રશ્યો વિચારોથી દૂર રહો અને બને ત્યાં સુધી હકારાત્મક મેસેજ, મોટીવેટેડ પ્રસંગોનું પ્રત્યાપન થાય તે જુઓ. ખોટી અફવાઓથી બચવું પ્રજામાં હકારાત્મક ઊર્જા ભરવા સકારાત્મક પ્રત્યાપન અને માનસિક હળવાશની તાતી જરૂરિયાત છે કારણકે મજબૂત મનોબળ મોતની મહાકાય ગુફામાથી પણ માણસને બહાર કાઢી શકે છે. માટે મનોબળ મજબૂત બને તેવા સંદેશાઓનું જ વહન કરવા કટિબદ્ધ બનો.

દરેક નાગરિકે સરકારી ગાઈડલાઇન ની સાથે સાથે સ્વશીશી અને બીનજરૂરી ભીડને ત્યાગીને સમાજની સુરક્ષા કરવા સ્વસૈનિક બનવું જ પડશે. આજની વિકટ પરિસ્થિતિમાં ફિઝિકલ ડિસ્ટન્સ રાખી માનસિક સથવારો આપી ને જ આ વાઇરસની તાકાત કામ કરી શકાશે.

કોરોનાના કાળચક્રએ વયસ્કો, પ્રોઢો, યુવાનો અને બાળકોને પણ કેન્દ્રસ્થ બનાવ્યા છે દવાઓ ઈંજેકશનો, હોટલોના રૂમના ભાડાઓ, વાહનવ્યવહારો માં કાળા બજારની બદી, ઓકસીજન માટે લાગતી દવાખાનાની ભીડ સારવારમાં પડતી અછતને લીધે સ્થિતિ વણસી રહી છે. સ્મશાનોમાં મૃતદેહો ની કતારો ના દ્રશ્યો માનવજીવન ને બિહામણું બનાવતા જાય છે. ત્યારે આ પરિસ્થિતી માથી ઊગારવા માટે હાંફળા – ફાંફળા બન્યા વગર શાંતિથી મનને શાંત ચિત કરી યોગ – પ્રાણાયામ અને દેશી ઉપચારોની નિયમિતતા તેમજ સ્વશીશી દ્વારા આ ભયાનકતા ને ટાળી શકાશે. આ પરિસ્થિતી માત્રને માત્ર સ્થગિતતા, સ્થિરતા, સ્વ લોકડાઉન તેમજ એકમેક ના સહકારથી જ ઉકેલી શકાશે.

પ્રજા દ્વારા ઘણી જગ્યાએ સ્વયંભૂ લોકડાઉન જરૂરિયાત મુજબનું જ પરિવહન, હલન-ચલન વગેરે દ્વારા સ્થિતિ કાબુમાં રહી છે. કેટલીક સેવા સંસ્થાઓ પણ પોતાનો માનવધર્મ મહધર્મ અપનાવી રહી છે. સમાજનો આર્થિક સધ્ધરતા ધરાવતા વર્ગને હાકલ કરવી જોઈએ કે તેઓ નિમ્ન આર્થિક સ્થિતિ ધરાવતા અને ગરીબીરેખા નીચે જીવતા વર્ગને સહાયભૂત થઈને સામાજિક ઋણ અદા કરે. જો આવા દરેક શ્રીમંતો માનવસેવાના ધર્મ ને અનુસરશે તો પણ મહદઅંશે પરિસ્થિતી સાચવી શકાશે.

કોરોના વાઇરસ થી ગભરાવાની જરૂર નથી કે ડરવાની જરૂર નથી બસ તેને સમજી ને તેને દૂર કરવાના એલોપેથી, આયુર્વેદીય ઉપચારો ને અપનાવવાના છે.

ડોકટરોની સલાહ મુજબ ગરમપાણી, હળદર, સૂંઠ, નાશ, ઉકાળા, તુલસી, આદુ વગેરે દ્વારા જરૂરી સારવાર લઈને કોરોના વાઇરસને શરીર અંદર પ્રવેશતા રોકી શકાય છે. માસ્ક અને સેનિટાઇઝર તેમજ ફિઝિકલ ડિસ્ટન્સ થી આ વાઇરસ ના ચેપ ને દૂર રાખી શકાય છે બસ જરૂર છે જે સતર્કતાની સમય દરમિયાન જાગૃતતાની. આ સતર્કતા જ તમારી સ્વસુરક્ષા છે. સરકારના રસીકરણના કાર્યક્રમને પ્રવેગ આપવા દરેક નાગરિકને જાગૃત કરી રસીકરણ કરાવીએ અને પ્રજામાં પ્રવેશતો ખોટો ભય દૂર કરી તેમને સ્વસ્થ બનાવીએ.  

સમયની ચક્ર ફરતું રહે છે. આજનો સમય પણ જતો જ રહેશે. ખોટી નકારાત્મકતાને ત્યજીને ઉર્જામય બની પરિસ્થિતી નો સામનો કરવો જોઈએ. કોરોના વાઇરસ નાક અને મોં દ્વારા જ શરીરમાં પ્રવેશ કરે છે તો આ બંને ઇન્દ્રિયોને માસ્ક દ્વારા અને હાથ સફાઈ દ્વારા સુરક્ષિત રાખી આપણે કોરોના વાઇરસ થી બચી શકીએ છીએ. ખૂબ ભીડભાડ વાળી જગ્યાઓ થી દૂર રહી જીવનજરૂરિયાતને પ્રાધાન્ય આપતી વસ્તુઓની જ ખરીદી કરી સ્વસુરક્ષા રાખી શકીએ. સરકારી સૂચનાઓનું પાલન કરી સરકારની અને લોકોની મદદ કરી સ્વસૈનિક બની તો ચાલો વાઇરલ યુદ્ધભૂમિના સાક્ષી એવા પ્રજાજનોને ઈશ્વર ઉચ્ચ પ્રતિકારક શકિત બક્ષે તેવી શુભકામનાઓ.

સોચા નહીં થા ઐસા ભી વકત આયેગા ફુરસત હોગી લોંગો કે પાસ લેકિન મિલ કોઈ નહીં પાયેગા..

પાર્થ ઉવાચ

મો.૯૯૦૪૪ ૦૬૬૩૩

(12:44 pm IST)