Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

ગુજરાતમાં લોકડાઉન કરોઃ ૪૮ કલાક અગાઉ ગરીબોને રાશનકીટ આપી દયોઃ કોંગ્રેસની માંગ

રાત્રી કફર્યુ બેઅસરઃ લોકડાઉન અગાઉ સરકાર સમગ્ર એકશન પ્લાન ઘડી કોઇ પણ નાગરીકોને રાશન-જીવન જરૂરી વસ્તુની મુશ્કેલી ન સર્જાય તેની વ્યવસ્થા કરાવીને પછી : લોકડાઉન કરાવે તો કોરોના જલ્દી કાબુમાં આવશેઃ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને પત્ર પાઠવતા શહેર પ્રમુખ અશોક ડાંગર-પુર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠીયા

રાજકોટ, તા., ૧૭: કોરોના મહામારીના વધતા કેસ જોઈ પરિસ્થિતિ કાબુમાં લેવા અને જનજીવન બચાવવા માટેના પગલા લેવા માટે લોકડાઉન અને કોવીડ૧૯ સંક્રમણ નિયંત્રણના પગલા લેવા તે પહેલા લોકડાઉનથી પ્રભાવિત થનારા વર્ગને રાશનઅનાજ કીટ અને પ્રાથમિક જરૂરિયાતો પૂર્ણ કરી પગલા લેવા શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર તથા પુર્વ વિપક્ષ નેતા વશરામભાઇ સાગઠીયાએ મુખ્યમંત્રી વિજયભાઇએ પત્ર પાઠવી યોગ્ય કરવા માંગ કરી છે.

આ અંગે અશોકભાઇ તથા વશરામભાઇએ મુખ્યમંત્રીશ્રીને પાઠવેલ  પત્રમાં જણાવ્યું હતું કે,  અત્યંત ગંભીરતાપૂર્વક જાહેર જનતાના આરોગ્યના હિતાર્થે જણાવવાનું કે અમો રાજકોટ શહેરની સ્થિતિઓ અને સમગ્ર ગુજરાતની સ્થિતિઓને ધ્યાનમાં લેતા કોરોનાના છેલ્લા થોડા દિવસોના આંકડાઓ બાબતે ગહન ચર્ચાવિચારણા કર્યા બાદ આજે એવું લાગે છે કે રાત્રી કરફયું લાદવાથી કોઈ નક્કર પરિણામ મળતું ન હોય અને કોરોના મહામારીનુંં સંક્રમણ ફેલાતું હોય તેમજ કોરોના પોઝીટીવ દર્દીઓના મૃત્યુ આંકમાં રોજેરોજ સતત ઉછાળો આવતો હોવાથી રાજકોટ અને ગુજરાતમાં  લોક ડાઉનની અત્યંત જરૂરીયાત જણાઈ રહી છે તેમજ આ લોકડાઉન લાદવામાં આવે ત્યારે તે પહેલા આગોતરુ આયોજન કરી એકશનપ્લાન બનાવવો પણ આવશ્યક છે.

વધુમાં શ્રી ડાંગર તથા શ્રી સાગઠીયાએ જણાવ્યંુ હતું કે, ગરીબવર્ગ, મધ્યમવર્ગ, ટંકનું કમાઈને ટંકનું ખાનાર વર્ગ, શ્રમિક વર્ગ, તેમજ લોકડાઉનની સ્થિતિમાં જેઓની આર્થિક પરિસ્થિતિ નબળી હોય તેવા વર્ગને પણ સરકાર દ્વારા અનાજરાશન કીટનું વિતરણ કરવામાં આવે છે આ કીટ છેક લોકડાઉન પૂરું થાય ત્યાં સુધી ચાલે તેવી ક્ષમતા વાળી આપવામાં આવે તેમજ સમગ્ર ગુજરાતમાં આપાતકાલીન સેવા વધુમાં વધુ નાગરિકોને મળી રહે તેવી વ્યવસ્થા કરી, તમામ શહેરો થી ગામડાઓ સુધી નાકાબંધી કરી લોકડાઉનનું ચુસ્ત પાલન થાય તેમજ લોકડાઉન કરતા પહેલા લોકોને ૪૮ કલાક અગાઉ આગોતરી જાણ કરવામાં આવે જેથી લોકો આપાતકાલીન પરિસ્થિતિથી જાજા પ્રભાવિત ન થાય અને પોતાની જાતને અને પરિવારજનોને અસુક્ષિત ન મહેસુસ કરે તેનો પણ ખાસ ખ્યાલ રાખવો.

આ તમામ મુદ્દાઓ જણાવ્યા સિવાયના મુદ્દે સરકારને આનાથી વધુ કોરોના સંક્રમણનો વ્યાપ ફેલાતો અટકાવવામાં પગલા સરકાર દ્વારા સત્વરે નિર્ણય લેવામાં આવે એવી જાહેર જનતાના આરોગ્યના હિતમાં અમો સૂચન કરીએ છીએ.

(4:08 pm IST)