Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

રેમડેસિવિર ઇન્જેકશનના કાળાબજારમાં દેવાંગ અને પરેશ ૬ દિવસના રિમાન્ડ પર

પરેશે સત્કાર કોવિડમાંથી દર્દીના ઇન્જેકશન ચાંઉ કરી વેંચી માર્યા? કે અન્ય કોઇ છળકપટથી મેળવ્યા? હોસ્પિટલના બીજા કોઇ સ્ટાફની સંડોવણી તો નથી ને? તે સહિતના મુદ્દે તેની તપાસ

રાજકોટ તા. ૧૬: કોરોનાના દર્દીઓની સારવારમાં વપરાતાં રેમડેસિવિર ઇન્જેકશનના કાળા બજાર થતાં હોવાની ફરિયાદોને પગલે ક્રાઇમ બ્રાંચની ટીમે ગુરૂપ્રસાદ ચોક નજીક ગુણાતીતનગરના રસ્તે વોચ રાખી મુળ વેરાવળ સોમનાથના રામપરાના હાલ દોશી હોસ્પિટલ પાસે ગોકુલધામ સોસાયટી-૨માં રહેતાં અને નર્સિંગનો અભ્યાસ કરી ચુકેલા દેવાંગ મેણસીભાઇ મેર (ઉ.વ.૨૪)ને રેમડેસિવિર ઇન્જેકશનના કાળા બજાર કરતાં પકડી લીધો હતો. તેમજ તેને આ ઇન્જેકશન આપનાર બસ સ્ટેશન પાછળ આવેલી સત્કાર કોવિડ હોસ્પિટલમાં કામ કરતાં મુળ તાલાલાના ટીખોર ગામના પરેશ અરશીભાઇ વાજા (ઉ.વ.૨૦)ને પણ સકંજામાં લઇ લીધો હતો. બંને સામે ગુનો નોંધી ધરપકડ કરી વધુ પુછતાછ માટે રિમાન્ડ માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતાં ૬ દિવસના રિમાન્ડ મંજુર થયા છે.

 દેવાંગે એક જરૂરીયાતમંદને ૧૦-૧૦ હજાર લેખે ત્રણ ઇન્જેકશન આપ્યા હતાં, ચોથુ ઇન્જેકશન આપવા માટે આવતાં તેને પકડી લેવાયો હતો. અભયભાઇ ત્રિવેદી નામની વ્યકિતને રેમડેસિવિર ઇન્જેકશનની જરૂર હોઇ તેણે માહિતીને આધારે દેવાંગ મેર નામના શખ્સનો સંપર્ક કરી પરમ દિવસે રૂ. ૧૦ હજાર લેખે એક એવા ૩ રેમડેસિવિર ઇન્જેકશન લીધા હતાં. મુળ કિંમત કરતાં ખુબ જ વધુ ભાવે આ ઇન્જેકશન વેંચી દેવાંગ કાળા બજાર કરતો હોઇ આ અંગે ક્રાઇમ બ્રાંચમાં જાણ કરવામાં આવી હતી. આથી છટકુ ગોઠવી દેવાંગ પાસેથી ગત રાતે ચોથુ ઇન્જેકશન મંગાવાયું હતું. તે આ ઇન્જેકશન આપવા ગુરૂપ્રસાદ ચોક પાસે આવતાં જ વોચમાં રહેલી ક્રાઇમ બ્રાંચની ટીમે તેને પકડી લીધો હતો.

પીએસઆઇ વી. જે. જાડેજાએ ફરિયાદી બની ડીસીબી પોલીસ સ્ટેશનમાં આઇપીસી ૪૨૦, ૪૦૮, ૧૧૪, આવશ્યક ચીજવસ્તુ ધારાની કલમ ૩, ૭, ૧૧ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ ૫૩ મુજબ ગુનો દાખલ કર્યો છે. આ ગુનામાં બંને આરોપીના રિમાન્ડ મંજુર થતાં વધુ તપાસ હાથ ધરાઇ છે. પરેશે પોતે જ્યાં નોકરી કરે છે એ હોસ્પિટલમાંથી જ ઇન્જેકશન મેળવ્યાનું રટણ કર્યુ છે. પણ તેણે કયા કયા દર્દીના નામે આવેલા ઇન્જેકશન દર્દીને આપવાને બદલે બારોબાર ચાઉ કરી વેંચી માર્યા કે પછી બીજી કોઇ છળકપટથી ઇન્જેકશન મેળવ્યા? એ સહિતના મુદ્દે તપાસ થઇ રહી છે.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા, પીઆઇ વી. કે. ગઢવીના માર્ગદર્શન અને સુચના હેઠળ પીએઅસાઇ વી. જે. જાડેજા, એએસઆઇ જયેશભાઇ નિમાવત, રાજદિપસિંહ ગોહિલ, હેડકોન્સ. મહેન્દ્રસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ ઝાલા સહિતનો સ્ટાફ વધુ તપાસ કરે છે.

(3:59 pm IST)