Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

વાવાઝોડા-ભારે વરસાદની આગાહી સંદર્ભે આજી નદી કાંઠે રેડ એલર્ટ

રાજકોટમાં નદી કાંઠાના જંગલેશ્વર-બેડીપરા-રામનાથપરા વિસ્તારમાં માઇક દ્વારા લોકોને સાવચેત રહેવા ચેતવણી અપાઇઃ નદીના પટ્ટમાં અવર-જવર પર પ્રતિબંધઃ જરૂર પડે ૭૦૦ થી ૮૦૦નાં સ્થળાંતર માટે રેસ્કયુ સેન્ટર તૈયાર રખાયાઃ રબ્બર બોટ, દોરડા, ટયુબ સહિતનાં સાધનો સાથે રેસ્કયુ ટીમો તૈનાત

રાજકોટ તા. ૧૭ :.. વાવાઝોડુ તૌકતે સાંજે સૌરાષ્ટ્રનાં સાગરકાંઠે ટકરાવાનું હોઇ ભારે પવન તથા વરસાદની આગાહી સંદર્ભે રાજકોટ મ.ન.પા.ના ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગે આજી નદીકાંઠા વિસ્તારમાં રેડ એલર્ટ જારી કરી નદીકાંઠાનાં રહેણાંક વિસ્તારોમાં સાવચેતીનાં પગલા લેવાનું શરૂ કરી દીધુ હતું.

જેના ભાગ ગ્રુપે સવારથી જ નદીકાંઠાનાં જંગલેશ્વર-બેડીપરા-રામનાથપરા વિસ્તારમાં માઇક દ્વારા લોકોને સાવચેત કરાયા હતાં.

સલામત સ્થળે રહેવા તેમજ નદી પટ્ટમાં અવર-જવર નહી કરવા ચેતવણી આપવામાં આવી હતી.

આ ઉપરાંત ભારે વરસાદને કારણે નદીમાં પુરની સ્થીતી સર્જાય તો નદી કાંઠાના રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાવા લાગે તે વખતે ૭૦૦ થી ૮૦૦ લોકોનું સ્થળાંતર કરી રેસ્કયુ સેન્ટરમાં રાખવાની તૈયારીઓ પણ રાખવામાં આવી છે.

નદીકાંઠાનાં લોકોનું સ્થાળાંતર કરી શાળા નં. ૭૦ મુસ્લીમ જમાત ખાના, સહિતની જ્ઞાતિ-સમાજની વાડીઓમાં રહેવા તથા ભોજન વગેરેની વ્યવસ્થા માટેનો એકશન પ્લાન પણ તૈયાર કરાયાનું અધિકારીઓએ જણાવ્યું હતું.

આ ઉપરાંત રબ્બર બોટ, દોરડા, ટયુબ વગેરે સાધન સરંજામ સાથે રેસ્કયુ ટીમો પણ ફાયર સ્ટેશનોએ તૈયાર રાખવામાં આવી છે.

સમગ્ર રાહત-બચાવ કાર્ય માટેની તૈયારી મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલનાં માર્ગદર્શન હેઠળ ચીફ ફાયર ઓફીસર શ્રી ખેર, ત્થા ડે. ચીફ ફાયર ઓફીસર ભીખાભાઇ ઠેબા દ્વારા હાથ ધરવામાં આવી છે.

(4:24 pm IST)