Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

વાવાઝોડા સામે સાવચેતીના પગલા લેવડાવોઃ વશરામ સાગઠીયાની માંગ

રાજકોટ તા. ૧૭ : વાવાઝોડા સામે સાવચેતીના પગલા લેવડાવવા પૂર્વ વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયાએ રજૂઆતો કરી છે.

તૌકતે વાવાઝોડું પશ્યિમ ગુજરાત અને પશ્યિમ ભારતમાં વધુ પ્રભાવિત થનારું છે જેને પગલે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા અનેક તકેદારી ગાઈડલાઈન્સ બહાર પાડવામાં આવેલ છે તે પરત્વે આપણું રાજકોટ શહેર ગઇકાલે સાંજે પ્રભાવિત થયેલ છે તેમજ સમગ્ર રાજકોટ શહેરમાં ૮૫ ની ગતિએ પવન, વરસાદ અને આંધી આવેલ હતી જે રાજકોટ શહેરમાં અનેક ઠેકાણે હોર્ડિંગ્સ રોડ પર પડ્યા હતા આ પગલે મોટા-મોટા તોતિંગ હોર્ડિંગ બોર્ડ ઉતારવા કાર્યવાહી કરાવવી તેમજ તોતિંગ હોર્ડિંગ સાઈટ પરના બેનરો ફાટી ગયા હતા આ ઘટના બની હતી અને તેમાં કોઈ જાનહાની થયેલી ન હતી પરંતુ પ્રજા ગભરાયેલી છે.

વધુમાં જણાવવાનું કે ફકત એકાદ ઇંચ જેટલો વરસાદ પણ નહોતો પડ્યો ત્યાં રાજકોટના રોડ પર પાણી ભરાઈ ગયા હતા ત્યારે પ્રી-મોન્સુન કામગીરી તંત્રએ નીરસતાથી કરેલ છે તે સ્પષ્ટ જોવા મળેલ હતું, અને શહેરમાં ઠેર-ઠેર ઝાડ, ડાળીઓ રોડ પર તો કોઈના ઘરમાં પડ્યા હતા તેમજ ડોમ અને શેડ ની હાલત પણ નબળી સ્થિતિમાં હતી આથી તે બાબતે તંત્રએ કોઈ નક્કર કામગીરી કરેલી નથી તે શાબિત થાય છે વધુમાં રાજકોટ શહેરમાં અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઇ ગઈ હતી પણ કોઈ પોલ કે થાંભલા કે વીજ પ્રવાહ ધરાવતી લાઈનો ને નુકશાન થયેલું નથી તેથી કોઈ જાનહાની થયેલ નથી આ બાબતના પગલા ગંભીરતાપૂર્વક સત્વરે લેવડાવવા. તમામ સરકારી શાળાઓ, કોમ્યુનીટી હોલ જનતા માટે ખુલ્લા મુકવા જેથી સ્થળાંતર કરવાના સમયે અવ્યવસ્થા ન સર્જાય તેમજ સ્થળાંતર કરેલા લોકોને ભોજન અને પીવાના પાણીની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી.

જરૂરત જણાતી હોય તેવી જગ્યાએ અને તમામ કંટ્રોલરૂમમાં જનરેટર મુકવા તેમજ પ્રજાને મળતી તમામ પ્રાથમિક સુવિધાઓમાં વિક્ષેપ ન પડે તેની ખાસ કાળજી રાખવી. તેમજ વીજ પુરવઠાના અટકાયતી પગલા લેવા, જોખમી અથવા જર્જરિત વૃક્ષો – ડાળીઓ કાપવાની કામગીરી શરુ કરાવવી, જર્જરિત ઈમારતો માંથી લોકોને સ્થળાંતર કરવા સુચના આપવી, ફાયરબ્રિગેડ, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ, સ્નાનાગાર શાખા વગેરે જેવી શાખાઓના સ્ટાફને તૈયાર રાખવો, તમામ કંટ્રોલ રૂમના નંબર પ્રજામાં જાહેર કરવા અને જનજીવન વધુ પ્રભાવિત ન થાય તે માટેના આગોતરા પગલા ભરવા અમો રાજકોટ શહેરની પ્રજાના હિતમાં પગલા લેવા વિનંતી છે.

(4:28 pm IST)