Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

રાજકોટ લોહાણા મહાજન આયોજીત શ્રી રામકથાઃ સમગ્ર શહેર રામમયઃ ઠેર ઠેર બેનરો લાગ્‍યાઃ ભારે ઉત્‍સાહ

ચૌધરી હાઇસ્‍કુલ ખાતે ‘શ્રી રામનગરી' સોળે શણગાર સજી રહી છેઃ સોશ્‍યલ મીડિયામાં પણ ‘શ્રી રામકથા' ચારે બાજુ છવાઇ ગઇઃ સ્‍વયંસેવકો તથા શ્રીરામ ભકતોની મિટીંગોનો ધમધમાટ : મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ તથા સમગ્ર ટીમની અથાગ મહેનતઃ દાતાઓએ પણ પાછી પાની ન કરીને અનરાધાર વરસવાનું ચાલુ રાખ્‍યું

રાજકોટ,તા. ૧૭: વિશ્વનું સૌથી મોટુ લોહાણા મહાજન અને શહેરનાં અંદાજે અઢી લાખ જ્ઞાતિજનોની માતૃસંસ્‍થા શ્રી રાજકોટ લોહાણા મહાજન દ્વારા તા. ૨૧ મે થી ૨૯ મે, ૨૦૨૨ દરમ્‍યાન શ્રી રામનગરી ચૌધરી હાઇસ્‍કૂલ મેદાન, રાજકોટ ખાતે સાંજે ૪:૩૦ થી ૮:૩૦ વાગ્‍યા દરમ્‍યાન શ્રી રામકથાનું આયોજન કરવામાં આવ્‍યુ છે. જેમાં મુખ્‍ય વકતા તરીકે આંતરરાષ્‍ટ્રીય ક્ષેત્રે નામના ધરાવનાર પૂજ્‍ય શ્રી ભૂપેન્‍દ્રભાઇ પંડયા (મુંબઇ) વ્‍યાસાસને બિરાજશે અને શ્રી રામકથાનું રસપાન કરાવશે.
રાજકોટ લોહાણા મહાજનના ઇતિહાસમાં પ્રથમ વખત યોજાતી શ્રી રામકથા સંદર્ભે આખુ રાજકોટ શહેર શ્રી રામમય બની ગયુ છે અને શહેરમાં અકિલા ચોક, મોટી ટાંકી ચોક, ભૂતખાના ચોક, આર.એમ.સી. ચોક, ત્રિકોણબાગ, બહુમાળી ચોક, હરીહર ચોક, બાલાજી મંદિર, કરણસિંહજી રોડ, કાલાવડ રોડ, જાગનાથ પ્‍લોટ સહિતના વિવિધ વિસ્‍તારોમાં શ્રીરામકથાના બેનરો જોવા મળી રહ્યા છે. સમાજના લોકોમાં ભારે ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે. અને શ્રી રામભકિતમાં લીન થવા લોકો તા. ૨૧મે, ૨૦૨૨ (શ્રીરામકથા પ્રારંભ) શનિવારની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે.
રાજકોટ લોહાણા મહાજન આયોજીત ઐતિહાસિક શ્રી રામકથા, ફેસબુક, વોટ્‍સએપ,ટવીટર ટેલિગ્રામ, ઇન્‍સ્‍ટાગ્રામ જેવા સોશ્‍યલ મિડીયા પ્‍લેટફોર્મસ ઉપર પણ દેશ-વિદેશમાં છવાઇ ગઇ છે. હજ્જરો શ્રી રામભકતો અને જ્ઞાતિજનો શ્રી રામકથાના ઓડીયો-વિડીયો પોતાના ફોટા સાથેના વોટસએપ ઇમેજ, મેસેજીસ વિગેરે સોશ્‍યલ મિડીયા ઉપર મોટા પ્રમાણમાં શેર કરી રહ્યા છે. સ્‍વયંસેવકો અને શ્રીરામભકતોની વિશાળ ટીમ દ્વારા શ્રી રામનગરી, ચૌધરી હાઇસ્‍કુલ મેદાન, રાજકોટ ખાતે દરરોજ મિટીંગોનો ધમધમાટ ચાલી રહ્યો છે. અને શ્રી રામકથાના ઐતિહાસિક આયોજનને આખરી ઓપ આપવા સૌ કોઇ તન,મન, ધનથી શ્રીરામ કથાના પવિત્ર કાર્યમાં જોડાઇ ગયા છે.
સાથે-સાથે દેશ-વિદેશમાંથી દાતાઓ પણ અનરાધાર વરસ્‍યા છે અને કદી ન ધારેલી રકમનો દાનનો ધોધ વરસાવ્‍યો છે જે અવિરતપણે ચાલુ જ છે. શ્રીરામકથામાં ધન આપવાના અવસરને દરેક દાતા એક ધન્‍ય ઘડી ગણી રહ્યા છે.
ઐતિહાસિક શ્રી રામકથાના સુચારૂ અને સચોટ આયોજન માટે શ્રી રાજકોટ લોહાણા મહાજનના તમામ હોદેદારો શ્રેષ્‍ઠીઓ ‘અકિલા' પરિવારના મોભી અને જ્ઞાતિશ્રેષ્‍ઠી શ્રી કિરીટભાઇ ગણાત્રાને મળ્‍યા હતા અને તેમનું ઉપયોગી માર્ગદર્શન, અભિપ્રાય, સૂચનો અને સહયોગ મેળવ્‍યો હતો. શ્રી રામકથાના આયોજનને સફળતાપૂર્વક પાર પાડવા માટે રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો.નિશાંતભાઇ ચોટાઇ, ઉપપ્રમુખ યોગેશભાઇ પૂજારા, પૂજારા ટેલિકોમ, મંત્રીઓ રીટાબેન કોટક અને ડો. હિમાંશુભાઇ ઠક્કર, ઇન્‍ટરનલ ઓડીટર ધવલભાઇ ખખ્‍ખર, ટ્રસ્‍ટીઓ ડો.પરાગભાઇ દેવાણી, જીતુભાઇ ચંદારાણા, કિશોરભાઇ કોટક, હિરેનભાઇ ખખ્‍ખર, શ્‍યામભાઇ સોનપાલ, મનિષભાઇ ખખ્‍ખર, તુષારભાઇ ગોકાણી, જતીનભાઇ કારીયા, દિનેશભાઇ બાવરીયા, હરીશભાઇ લાખાણી, રીટાબેન કુંડલીયા, જયશ્રીબેન સેજપાલ, રંજનબેન પોપટ, ડો.આશીષભાઇ ગણાત્રા, શૈલેષભાઇ પાબારી, યોગેશભાઇ જસાણી, પ્રદિપભાઇ સચદે, ધવલભાઇ કારીયા, અલ્‍પાબેન બચ્‍છા, વિધિબેન જટાણીયા, દિપકભાઇ પોપટ સહિતના વિવિધ લોહાણા અગ્રણીઓ, જ્ઞાતિજનો તમામ મહિલા મંડળો, જલારામ સેવા સમિતિ ૧૫૦ ફુટ રીંગરોડ, રઘુવંશી પરિવારજનો, વાણિયાવાડી જલારામ જયંતિ સમિતિ, લોહાણા કર્મચારી મંડળ, યુવક મંડળના સભ્‍યો, દાણાપીઠ - માર્કેટીંગ યાર્ડનું સંગઠન, ડોકટર્સ સંગઠન, ગાંધીગ્રામ વિસ્‍તાર લોહાણા સંગઠન, કેપ્‍ટીંગ એસોસીએશનના સભ્‍યો, શ્રીરામ કથા સંદર્ભે રચાયેલ વિવિધ કમિટીઓ વિગેરે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

 

(11:08 am IST)