Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

પોલીસમેનની ફરજમાં રૂકાવટ કરવાના કેસમાં પ્રોસીડીંગ્‍સ ડ્રોપ કરવાની અરજી મંજુર

કોર્ટે આરોપીની અરજી મંજુર કરીને છૂટકારો ફરમાવ્‍યો

રાજકોટ, તા.૧૭: ફોર વ્‍હીલર કાર ચેક ન કરવા દઈ પો.કોન્‍સટેબલ સાથે ઝપાઝપી કરી,ધક્કો મારી પછાડી દઈ, સરકારી કર્મચારીની ફરજમાં રૂકાવટ કરી ફરીયાદી તથા સાહેદોને ગાળો આપી અને પથ્‍થર ના ઘા કરી સરકારી પી.સી.આર.વેનને ૧૦,૦૦૦/ જેવું નુકશાન કરવાનાં ગુન્‍હામાં પકડાયેલ આરોપી સામેનાં પ્રોસિડિંગ્‍સ ડ્રોપ કરી આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો કોર્ટે હુકમ કર્યો હતો.

આ કેસની હકીકત એવી છે કે, આ કામનાં ફરીયાદી તથા સાહેદો તા.:૧૬/૦૨/ર૦ર૨૧નાં રોજ પોતાની ફરજ ઉપર પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન રાત્રિનાં આઠેક વાગ્‍યાનાં અરસામાં તેઓ ન્‍યારી ડેમ ઉપર આવેલ રેજન્‍સી લગુન રીસોર્ટ જવાનાં રોડ ઉપર આવતાં એક ફોરવ્‍હીલ શંકાસ્‍પદ હાલતમાં ઉભેલ જોવામાં આવતાં તેઓએ સદરહું ફોરવ્‍હીલ પાસે જઈ અને ફોરવ્‍હીલની અંદર બેસેલ ઈસમને અહિંયા કેમ બેઠાં છો? તમારી ગાડી ચેક કરવી પડશે તેમ જણાવતા ફોરવ્‍હીલની ડ્રાઈવિંગ સીટ ઉપર બેસેલ ઈસમ એકદમ ઉશ્‍કેરાઈ જઈ ફરીયાદીને ગાળો આપવા લાગેલ, જેથી ફરીયાદી સાથેના માણસો ફરીયાદીની મદદ કરવા માટે આવતા મજકૂર ઈસમ ગાડીમાંથી નીચે ઉતરી ફરીયાદીનો કાઠલો પકડી, ઢીકા મારી નીચે પછાડી દઈ અને જમીન ઉપર પડેલ પથ્‍થરો ફરીયાદી તથા સાહેદોને ગાળો આપી તેમની તરફ ફેંકવા લાગેલ, જેથી ફરીયાદી તથા સાહેદો થોડે દૂર જતાં રહેલ અને મજકૂર ઈસમે પથ્‍થર તથા ઢીકા વડે સરકારી પી.સી.આર. વેનનાં કાચ તોડી નાખેલ. જેથી સદરહું ઈસમ ને પકડી લઈ તેને રાજકોટ તાલુકા પોલીસ સ્‍ટેશનને લઈ આવી આરોપી ધવલ શાંતિલાલ ભરડીયા, રહે. ‘ધવલ' તંતી પાર્ક, શેરી નં.૩, પ્‍લોટ નં. ર૧-રર, એસ્‍ટ્રોન સોસાયટી પાસે, કાલાવડ રોડ, રાજકોટવાળા વિરુદ્ધ સરકારી ફરજમાં રૂકાવટ કરી ફરીયાદી તથા સાહેદોને ગાળો આપી અને પથ્‍થર ના ઘા કરી સરકારી પી.સી.આર. વેનને ૧૦,૦૦૦/ જેવું નુકશાન કરવાનાં કળત્‍ય બદલનો ગુન્‍હો નોંધી રાજકોટ તાલુકા પોલીસ સ્‍ટેશન દ્વારા ચાર્જશીટ દાખલ કરવામાં આવેલ.

 સદરહું ગુન્‍હાની ટ્રાયલ રાજકોટની કોર્ટમાં શરૂ થતા આ કામનાં આરોપીનાં વકીલ દ્વારા ‘આરોપી સામેનાં પ્રોસિડિંગ્‍સ ડ્રોપ કરી આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ફરમાવવા માટે કરવામાં આવેલ અરજી મંજુર કરી આ કામનાં આરોપી ધવલ શાંતિલાલ ભરડીયાને મુકવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં આરોપીનાં વકીલ તરીકે રાજકોટનાં યુવાન અને વિદ્વાન ધારાશાષાી અશ્વિન એ. મહાલિયા તથા ધર્મેન્‍દ્રસિંહ ઝાલા, રાજુ પટેલ, રોકાયેલ હતા.

(4:19 pm IST)