Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

સાચા સાધકની અવસ્‍થા આપ મેળે પ્રાપ્‍ત થાય છેઃ મા પ્રેમ માધવીઃ યોગ સાધનામાં મન અને શરીરનું એક હોવું જરૂરી : મા પ્રેમ નંદિની

સાચા સાધકની ઓળખ છે કે તે જે હોય તે એકાંતમાં હોય તે જ જાહેરમાં પણ હોય : સાચા સાધક બનવાની અવસ્‍થા આપમેળે પ્રાપ્ત થાય છે તમે કરી નથી શકતા : અખંડ પરમાત્‍માને પામવા માટે આપણી સ્‍થિતિ પણ અખંડ હોવી જોઈએ : કોઈને નુકશાન પહોંચાડ્‍યા વિના આપણી ઇમેજ જેવી છે તેવી જ રાખવી જોઈએ : જયાં સુધી આપણું શરીર સ્‍વસ્‍થ હોય ત્‍યાં સુધી આપણું મન શરીરની સાથે જ રહેવાનું છે :જયાં સુધી મન અને શરીર સાથે ન હોય ત્‍યાં સુધી આપણે કોઈ જ સાધના કરી શકીશું નહીં

અકિલાનાં મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે મા પ્રેમ માધવી, મા પ્રેમ નંદિની, સત્‍યપ્રકાશ સ્‍વામી, સ્‍વામી ગીત ગોવિંદ, સ્‍વામી ઓમ આનંદ, સ્‍વામી સહજ પ્રેમ તથા હેપ્‍પી સ્‍વામી નજરે પડે છે. (તસ્‍વીરઃ પ્રિન્‍સ બગથરીયા)
રાજકોટઃ સાસણ ખાતે વિશાલ ગ્રીન વુડ (લોર્ડઝ) પર તા.૧૩ થી ૧૫ એમ ત્રિ-દિવસીય (શની, રવિ, સોમ) ઓશો મોન્‍સુન ફેસ્‍ટીવલ શિબિરનું આયોજન રાજકોટના યોગા માસ્‍ટર નિના જોષી (માં પ્રેમ નંદિની) તથા હરિયાણાના પ્રેમ માધવી દ્વારા કરવામાં આવ્‍યુ હતું. જેમા બન્ને માસ્‍ટરો દ્વારા વિવિધ ઓશો ધ્‍યાન પ્રયોગો તથા વિવિધ યોગા કરાવવામાં આવ્‍યા હતા જેનો ભારતભરમાંથી લોકોએ લાભ લીધો હતો. ઓશોનો સંદેશ છે કે ઉત્‍સવ આમાર જાતી આનંદ આમાર ગૌત્ર તથા હસીબા-ખેલીબા-ધરીબા-ધ્‍યાનમુને સાર્થક વિવિધ ધ્‍યાન પ્રયોગો કરવામાં આવ્‍યા હતા. આ તકે અકિલાના આંગણે માં પ્રેમ માધવી અને માં પ્રેમ નંદિનીએ ધ્‍યાન અને યોગ વિશે માહિતી આપી હતી.
સાચો સાધક બનવા શું જરૂરી છે? માં પ્રેમ માધવી કહે છે કે સાચો સાધક બનવા ખુદ પ્રત્‍યે એટલે કે સ્‍વયં પ્રત્‍યેની ઇમાનદારી જરૂરી છે.  જયારે આપણે બીજાની સામે એટલે કે પબ્‍લિકની સામે જે કરી રહ્યા હોઈએ છીએ એ બની શકે કે આપણે દેખાડો કરતા હોઈએ, પરંતુ આપણે જયારે એકાંતમાં હોઈએ અને જયારે દુઃખી હોય કે ખુશ હોઈએ ત્‍યારે તે આપણી સાચી સચ્‍ચાઈ છે. એકાંતમાં જે આપણો સ્‍વભાવ હોય છે તે જ આપણો સાચો સ્‍વભાવ હોય છે. જે સ્‍વભાવ હોય તે સાધકની પહેખાન નથી પણ પણ સાચા સાધકની ઓળખે છે કે તે જે હોય તે એકાંતમાં હોય તે જાહેરમાં પણ હોય એટલે કે એકાંતમાં શાંત હોય તો જાહેરમાં પણ શાંત જ હોય અને એકાંતમાં પાગલ હોય તો જાહેરમાં પણ પાગલ જ હોય તે જ સાચા સાધકની ઓળખ છે. ટૂંકમાં ૨૪ કલાક એક જ સ્‍થિતિમાં રહેવું તે જ સાચા સાધકની ઓળખ છે.  જીવન ની સ્‍ટાઈલમાં બનાવટી પણું હોય તે સાચા સાધક નથી.
સાચો સાધક બનવા શું કરવું જોઈએ? માં પ્રેમ માધવીએ જણાવ્‍યું હતું કે, સાચા સાધક બનવાની અવસ્‍થા આપમેળે પ્રાપ્ત થાય છે તમે કરી નથી શકતા. જયારે ધીરે ધીરે આપણે આપણા સ્‍વભાવની સાથે સ્‍વયંમમાં સ્‍થિર થઇ એ છીએ ત્‍યારે સાધક બનવાની દિશા તરફ જઈ શકાય છે.  સદગુરૂ ઓશોએ કહ્યું છે કે જયારે બાળક પેદા થાય ત્‍યારે ધ્‍યાનની અવસ્‍થામાં જ હોય છે. આપણે બીજાને ખુશ કરવા આપણો સ્‍વભાવ નિર્મિત કરીએ છીએ. નિર્મિત કરેલો સ્‍વભાવ આપણને ખંડિત કરી નાખે છે. આથી અખંડ પરમાત્‍માને પામવા માટે આપણી સ્‍થિતિ પણ અખંડ હોવી જોઈએ.
શિબિરમાં આવવાથી લોકો સંપૂર્ણ ધ્‍યાન પ્રાપ્ત કરી શકે છે?  માં પ્રેમ માધવીએ જણાવ્‍યું હતું કે, જયારે આપણે કોઈ બીજ વાવીએ તો એ જ દિવસે એ વૃક્ષ બનતું નથી. તેવી જ રીતે શિબિરમાં આવતા લોકોમાં બીજ રોપવાનું કામ થાય છે. હવે જે બીજમાં સંભાવના હશે તે આગળ જઈને વૃક્ષ બનશે જ તેને કોઇ રોકી નહીં શકે. જો વ્‍યક્‍તિમાં લગન હશે, તરસ હશે, અજ્ઞાતમાં છલાંગ લગાવવાની હિંમત હશે તો તે જરૂર આગળ વધશે. આથી ધ્‍યાન શિબિર કરવાથી બે ફાયદા થાય છે એક તો ધ્‍યાનનું બીજ રોપાવવું અને બીજું જેનામાં બીજ રોપાઈ ગયું છે અને સંસારમાં જઈને ધૂળ માટી લાગી ગયા છે તેને ફરી પોષણ મળવું. બાકી જે સાધના છે તે તો ઘરે ૨૪ કલાક કરવી જ પડે છે.
યીન-યાન એટલે શું? માં પ્રેમ માધવીએ પ્રકાશ પાડતા જણાવ્‍યું હતું કે, કુલ ૧૨ વિધિઓ છે તેમાંની કેટલીક વિધિઓ યીન-યાનની છે અને કેટલીક એકલા કરવાની હોય છે. ભગવાન શિવે પાર્વતીને જે વિધિઓ શીખવી હતી તે વિધિઓને યીન-યાન કહેવાય છે. અહીંયા યીન-યાન આમ તો વિદેશી શબ્‍દ છે જેમાં આપણે ત્‍યાં અર્ધનારેશ્વરનો ખ્‍યાલ છે. આમાં ઓશોની જે તંત્રની પરંપરા છે તે કામ કરે છે. મેડિટેશનમાં આ પીએચડી લેવલનો ટોપિક છે. આથી આપણે એ જ લેવલની સાધના કરવી જોઈએ જે લેવલની આપણે યાત્રા કરી રહ્યા હોઈએ. ઓશોના માતા સરિતાજીના કેમ્‍પમાં એવી પરંપરા હજી જીવંત રાખી છે તે મુજબ તેમના ત્રણ કોર્સ છે જે ફરજીયાત કરવાના હોય છે તેમાં બોર્ન અગેઇન, નો માઇન્‍ડ અને મિસ્‍ટી ગ્રોસ નો સમાવેશ થાય છે. એ પછી શિવ શક્‍તિની ઉર્જા નું જે વિજ્ઞાન છે તે માત્ર સમજમાં જ આવશે એટલું જ નહીં તેનો અનુભવ પણ કરી શકાશે.
ઓશોએ કહ્યું છે તેમ એક બાળક જન્‍મે ત્‍યારે ધ્‍યાનની અવસ્‍થામાં જ હોય છે તો શું મોટા થયા પછી ધ્‍યાનની અવસ્‍થા મેળવવા પાછું બાળક બનવું પડે છે? માં પ્રેમ માધવીએ જણાવ્‍યું હતું કે, લાઓત્‍સે એ આના ઉપર ખૂબ સારૂં કર્યું છે કે ઉંમર વધવાથી બાળક થવું તે નહિ પણ તમારે અંદરથી બાળક બનવું પડશે. જેમ કે બાળકને હસવાનું મન કરે ત્‍યારે હશે, નાચવાનું મન કરે ત્‍યારે નાચે અને રડવાનું મન કરે ત્‍યારે રડે છે. એટલે વ્‍યક્‍તિએ પણ આવી જ રીતે અંદરથી બાળક બનીને જીવવું જોઈએ.  ઘણીવાર ધ્‍યાન કરવાથી ઘણા સાધકોને ઈગો પણ આવી જતો હોય છે. આપણે આપણી ઇમેજ સોસાયટી માટે બનાવતા હોઈએ છીએ કારણ લોકો આપણને સ્‍વીકાર કરે. વ્‍યક્‍તિના પરિવાર માટે, સોસાયટી માટે, કામ માટે એમ અલગ અલગ ઇમેજ ધરાવે છે. આપણે આવી ઇમેજમાંથી બહાર આવવાનું છે. આપણે એવું વિચારતા હોઈએ કે લોકો આપણા વિશે વિચારે તે રીતે આપણે બદલાઈ જઈએ પણ આપણે જેવા છીએ તેવા જ રહીએ. કોઈને નુકશાન પહોંચાડ્‍યા વિના આપણી ઇમેજ જેવી છે તેવી જ રાખવી જોઈએ. પોતાના માટે જીવવું જોઇએ એ બીજાના માટે નહીં. તમારી મૈલિકતાને ખોઇ કંઇ પણ મેળવશો તો તેની કિંમત નથી પણ તમારી મૌલિકતાને બચાવી કંઇ પણ ન મેળવો તો તે કરોડોનું છે. જયારે પ્રેમ અને ઉત્‍સવ સારી રીતે થાય ત્‍યારે ધ્‍યાન મેળે થાય છે તેને કરવું પડતું નથી.
 ઓશો મોન્‍સુન ફેસ્‍ટિવલમાં સંન્‍યાસીને યોગા માસ્‍ટર માં પ્રેમ નંદિની કે જેમણે યોગા પર ડિપ્‍લોમા કરેલ છે અને હાલમાં તેઓ યોગા પર પીએચડી નો અભ્‍યાસ કરી રહ્યા છે તેમણે જણાવ્‍યું હતું કે, યોગ દ્વારા શરીર અને મનને જોડીને આત્‍માને જાગૃત કરવાનો હોય છે અને તેની શરૂઆત આપણા શરીરથી જ થવી જોઈએ. જયાં સુધી આપણું શરીર સ્‍વસ્‍થ હોય ત્‍યાં સુધી આપણું મન શરીરની સાથે જ રહેવાનું છે. ધારો કે પગમાં દુખાવો હોય ત્‍યારે ગમે તેટલી સાધના કરીએ ત્‍યારે આપણું ધ્‍યાન આપણા પગમાં જ રહેશે. આથી શરીર એકદમ સ્‍વસ્‍થ હશે ત્‍યારે જ મનની સાથે જોડી શકાશે. માં પ્રેમ નંદિનીએ વધુમાં જણાવ્‍યું હતું કે, શરીર એ આપણી દરેક કમાન્‍ડને માનશે. જયારે આપણું મન ગમે ત્‍યાં ભટકી જશે. સાધના કરતા હોઈએ કે ગમે ત્‍યારે ગમે તે વિચારમાં જતું રહે છે. આથી શરીર સાથે કનેકટ થશે તો જ મન પરફેક્‍ટલી ત્‍યાં જઈ શકશે. આથી મનને શરીર સાથે કનેક્‍ટ રાખવું ખૂબ જ જરૂરી છે. જયાં સુધી મન અને શરીર સાથે ન હોય ત્‍યાં સુધી આપણે કોઈ જ સાધના કરી શકીશું નહીં તેમ ઓશોએ કહેલું છે.
ઓશોએ કહ્યું છે કે મોટો પ્રશ્ન એ નથી કે કેટલું શીખી શકાય પણ પ્રશ્ન એ છે કે કેટલું ભૂલી શકાય? તો યોગમાં તે કેટલું શક્‍ય છે? માં પ્રેમ નંદિનીએ જણાવ્‍યું કે, આપણા દરેક વિચાર શ્વાસની સાથે કંટ્રોલ કરવા જોઈએ. એટલે જયાં ત્‍યાં ભટકતું મન એક જગ્‍યાએ સ્‍થિર કરવું એ યોગ છે અને તે કર્યા વિના કોઈપણ સાધના કે કોઈ પણ ધ્‍યાનમાં તમે ન જઈ શકો. યોગ નો અર્થજ એ છે કે, શ્વાસ અને શરીરને એક સાથે પરમાત્‍મા સાથે જોડાવું એ જ યોગ છે.  તો જ વ્‍યક્‍તિ સાચી સાધના માં જઈ શકે છે.
યોગ વિશે વિશેષ માં પ્રેમ નંદિની એ કહ્યું કે, લકુલેશ યોગ એટલે જેને અત્‍યારે વિશ્વની યુનિવર્સિટીએ પણ માન્‍યતા આપી છે તે કોર્સ કરેલી વ્‍યક્‍તિને કોઈપણ દેશમાં યોગ શિક્ષક તરીકે જોબ મળે છે. યોગ એ પરમાત્‍મા સુધી પહોંચવાનો એક રસ્‍તો છે પગથિયું છે. આપણા ઋષિમુનિઓ જે ૨૦૦ વર્ષ જીવતા તે અને આપણા વેદોમાં પણ તે સાબિત થયેલું છે તે બધા પોતાના શ્વાસ પણ કંટ્રોલ કરી ને જ આગળ વધ્‍યા છે. જેનું શ્રેષ્ઠ ઉદાહરણ શ્રી હનુમાનજી છે. જે પોતાનું શરીર નાનું અને વિશાળ બનાવી શકતા એ પણ એક યોગ જ હતો. તેમની પાસે પણ એક યોગની જ વિદ્યા હતી. તેઓ સૌથી મોટા યોગી હતા. ભગવાન કૃષ્‍ણના ગીતાના જે અધ્‍યાય છે તે બધા પણ યોગ પર જ છે. એટલે યોગ વિના તમે કોઈપણ વસ્‍તુ કરી જ ન શકો. યોગ શરીર ને તો સ્‍વસ્‍થ રાખે જ છે પણ આપણા વધતાં આયુષ્‍યને પણ અટકાવે છે. જેમ કે કોઈ રોગ ની દવા નથી તે યોગ દ્વારા નિヘતિપણે મટી શકે છે તેના યોગ્‍ય આસન અને પ્રાણાયામ આપણા મનને કંટ્રોલ કરે છે. આપણા શરીરના જેટલા રોગો છે તે મન દ્વારા જ થાય છે. શરીરમાં આવતા રોગમાં વધારો આપણું મન જ કરે છે. આથી યોગ મનને જ પહેલા કંટ્રોલ કરે છે. આપણે બધા યોગ શીખેલા છીએ. માં પ્રેમ નંદિનીએ જણાવ્‍યું કે યોગ છે જ બસ તેની ઉપરનું આવરણ હટાવવાનું છે. પહેલા મન અને શરિરને સ્‍થિર કરવાનું છે. મન શરીર ને કમાન્‍ડ આપશે અને શરીર મનને કમાન્‍ડ આપશે. આથીજ યોગ શક્‍ય બનશે. માં પ્રેમ નંદિની કહે છે, હું યોગમાં જેટલી અંદર જાઉં છું એટલું મને લાગે છે કે હજુ મારે ઘણું કરવાનું બાકી છે હું હજુ યોગમાં ઝીરો જ છું.
 આ તકે રેણુ પાંચાલ એટલે માં પ્રેમ માધવી, યોગ માસ્‍ટર નીના જોશી એટલે માં પ્રેમ નંદિની, સ્‍વામી સત્‍ય પ્રકાશજી, સ્‍વામી ગીત ગોવિંદ, સ્‍વામી ઓમ આનંદ, સ્‍વામી સહજ પ્રેમ અને હરિયાણાથી હેપ્‍પી સ્‍વામી પણ ઉપસ્‍થિત રહ્યા હતા

સૂફી પરંપરામાં રંગરેજ એટલે માસ્‍ટર..
માં પ્રેમ માધવી રંગરેજ ગ્રૂપ હેઠળ વિવિધ ઓશો શીબીરો કરે છે. ત્‍યારે રંગરેજ વિશે તેઓએ જણાવ્‍યું કે, રંગરેજ એક જાતિનું નામ છે. જે પહેલા કપડાં ને ડાય કરતા હતા. જુના જે કપડાં હતા તેના રંગ કાઢી અને તેની ઉપર નવા રંગ ચડાવતા હતા. નવો કલર ચઢાવવા કપડાને ગરમ પાણીમાં નાખતાં, સુકવતા અને ફરી પાછા તેને સુકવી ફરી પાછા ગરમ પાણીમાં નાખી નવો કલર ચડાવતા. આ જ પ્રક્રિયા અનેક વાર થતી. સૂફી પરંપરામાં રંગરેજ નો મતલબ છે માસ્‍ટર. જે આપણા જૂના રંગ ઉતારે છે, આપણો મેલ ઉતારે છે, આપણને ગરમ પાણીમાં તકલીફ આપી ને સૂકવીને ફરી આપણી ઉપર નવો રંગ ચઢાવે છે આ જ છે રંગરેજ. અમારા જે રંગરેજ છે તે ઓશો છે.

 

(4:10 pm IST)