Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

વાહનના ઠાઠામાં અને ડ્રાઇવર કેબીનમાં 'ચોરખાના'માં સંઘર્યો'તો ૧૪૪ બોટલ દારૂ

બલભદ્રસિંહ જાડેજા, કનકસિંહ સોલંકી અને મહિપાલસિંહની બાતમી પરથી ગ્રીનલેન્ડ ચોકડીના પુલ પાસેથી વાહન પકડી ભાગી ગયેલા ચાલકની શોધખોળ : બૂટલેગરોના નુસ્ખાં નાકામ બનાવતી શહેર ક્રાઇમ બ્રાંચ

રાજકોટ  તા. ૧૭: તહેવારો નજીક આવતાં જ નાના મોટા બૂટલેગરો કમાઇ લેવાના ઇરાદે સક્રિય થઇ ગયા છે. પોલીસથી બચીને નીકળી જવા માટે બૂટલેગરો નીતનવા નુસ્ખા અજમાવી રહ્યા છે. પરંતુ પોલીસ આવા નુસ્ખાઓને નાકામ બનાવી રહી છે. શહેર ક્રાઇમ બ્રાંચે ગ્રીનલેન્ડ ચોકડી પુલ પાસેથી એક માલવાહક વાહનને તેમાં દારૂનો જથ્થો બાતમી પરથી પકડી લીધું હતું. પરંતુ ઠાઠામાં તપાસ કરતાં ખાલીખમ્મ હતું. જીણવટભર્યુ નિરીક્ષણ થતાં ઠાઠામાં બનાવાયેલુ ચોરખાનુ (તસ્વીરમાં રાઉન્ડ કર્યુ છે તે) મળી આવતાં અને ડ્રાઇવર કેબીનમાં પણ એક ચોરખાનુ મળી આવતાં પોલીસે તેમાંથી ૧૪૪ બોટલ દારૂ કબ્જે કર્યો હતો.
શહેર વિસ્તારમાંથી દારૂની બદ્દી નાબુદ કરવા અને તહેવાર અંતર્ગત અસરકારક કામગીરી કરવા સુચના મળી હોઇ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ વાય. બી.જાડેજા તથા પીઆઇ જે.વી.ધોળાના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે એએસઆઇ બલભદ્રસિંહ જાડેજા, હેડકોન્સ, મહીપાલસિંહ ઝાલા અને કનકસિંહ સોલંકીને મળેલી બાતમી આધારે ગ્રીનલેન્ડ ચોકડીથી ગોંડલ ચોકડી તરફ જતા હાઇવે પર ગ્રીનલેન્ડ ચોકડીનો પુલ ઉતરતાં ટાટા માલ વાહક વાહન પકડી લીધું હતું. આ ટીમ સાથે જયદેવસિંહ પરમાર પણ સામેલ હતાં. વાહનનો ચાલક હાથમાં આવ્યો નહોતો. જીજે૩૫ટી-૧૭૭૫ નંબરના વાહનમાં દારૂ હોવાની માહિતી હતી. પરંતુ પોલીસે ચેક કરતાં કંઇ દેખાયું નહોતું. બાદમાં ઠાઠાના તળીયા નીચે એક ચોરખાનુ મળ્યું હતું તેમજ ડ્રાઇવર કેબીનમાં પણ સીટ પાસે એક આવું ચોરખાનુ મળી આવ્યું હતું. જેમાંથી રૂા. ૫૭૬૦૦નો ૧૪૪ બોટલ દારૂ મળતાં તે તથા દોઢ લાખનું વાહન કબ્જે કરી ભાગી ગયેલા ચાલક-માલિકની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, સંયુકત પોલીસ કમિશનર ખુરશીદ એહમ, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાના માર્ગદર્શન હેઠળ આ કામગીરી થઇ હતી.

 

(11:45 am IST)