Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

રાજકોટ આઇટીઆઇમાં ભણતો છાત્ર 'ગામડે આવું છું'...કહીને છેક મુંબઇ પહોંચી ગયો!

જસદણના કાનપરનો સગીર જન્માષ્ટમીની રજામાં ગામડે જવા નીકળ્યા બાદ લાપતા થતાં આજીડેમ પોલીસે અપહરણનો ગુનો નોધ્યોઃ મોબાઇલ લોકેશન મુંબઇનું આવ્યું : આજીડેમ પોલીસ અને પરિવારજનો મુંબઇ પહોંચ્યાઃ હેમખેમ મળી જતાં સોૈને હાશકારો

રાજકોટ તા. ૧૮: રાજકોટ રહી આઇટીઆઇમાં અભ્યાસ કરતો જસદણના કાનપર ગામનો ૧૭ વર્ષનો છાત્ર ૧૫મી ઓગષ્ટના રોજ તહેવારથી રજા પડતાં રાજકોટ હોસ્ટેલથી પોતાના ગામ કાનપર જવા નીકળ્યા બાદ ગૂમ થઇ જતાં પરિવારજનો આકુળ વ્યાકુળ થઇ ગયા હતાં. આજીડેમ પોલીસને જાણ થતાં સગીર ગુમ થયો હોઇ તુરત જ અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરતાં આ સગીર છેક મુંબઇ પહોંચી ગયાનું જાણવા મળતાં પોલીસ અને પરિવારજનોએ ત્યાં પહોંચી તેને શોધી કાઢતાં સોૈને હાશકારો થયો હતો. રજા હોઇ ફરવા માટે જતો રહ્યાનું સગીરે રટણ કર્યુ હતું.
સગીર રાજકોટ હોસ્ટેલમાં રહી આઇટીઆઇમાં ભણતો હોઇ તહેવારની રજા પડતાં બધા છાત્રો પોતપોતાના ગામ-શહેર જવા નીકળ્યા હતાં. એ પછી સગીર પણ રાજકોટથી કાનપર જવા નીકળ્યો હતો. બપોરે તેને સ્વજને ફોન કરીને કયાં પહોંચ્યો? તેમ પુછતાં તેણે ગામડે આવી રહ્યો છું, સરધાર પહોંચી ગયો છું...તેવી વાત કરી હતી. પરંતુ મોડે સુધી તે ગામડે ન પહોંચતા અને તેનો ફોન સ્વીચ ઓફ થઇ જતાં સ્વજનો હેરાન પરેશાન થઇ ગયા હતાં અને તપાસ આરંભી હતી.
આજીડેમ પોલીસને જાણ કરતાં પીઆઇ વી. જે. ચાવડા, પીએસઆઇ આર. વી. કડછા, સંજયભાઇ સહિતે તપાસ શરૂ કરી હતી. એ દરમિયાન સગીરનું મોબાઇલ ફોનનું લોકેશન મુંબઇનું મળતાં પોલીસે વિશેષ તપાસ કરતાં પાક્કુ લોકેશન મળી જતાં પોલીસ અને સ્વજનો ત્યાં પહોંચ્યા હતાં અને સગીરને હેમખેમ શોધી લીધો હતો. તેણે રજામાં પોતે ફરવા નીકળી પડ્યાનું કહ્યું હતું. રાજકોટ પહોંચ્યા બાદ પોલીસ વિશેષ નિવેદન નોંધશે.

 

(11:47 am IST)