Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

વોડાફોનના કર્મચારીના નામે સચીનભાઇ સાથે ઠગાઇ : રૂા. ૬૬ હજાર પરત કરાવતી સાયબર ક્રાઇમ

કસ્‍ટમર કેરના કર્મચારીની ઓળખ આપી ગઠીયાએ કેવાયસી અપડેટ કરવાના બહાને સ્‍ટેમ્‍પ વેન્‍ડરના ખાતામાંથી પૈસા ઉપાડી લીધા

રાજકોટ તા. ૧૭ : સોશિયલ મીડિયા અને મોબાઇલમાં લોકોને અલગ-અલગ રીતે લાલચ આપી છેતરવા માટે ગઠીયાઓ નતનવા કિમીયા અજમાવતા હોય છે ત્‍યારે વોડાફોન કસ્‍ટમર કેરના કર્મચારી હોવાની ઓળખ આપી કેવાયસી અપડેટ કરવાના બહાને સ્‍ટેમ્‍પ વેન્‍ડર સાથે છેતરપીંડી આચરવાના બનાવમાં સાયબર ક્રાઇમની ટીમે ટેકનીકલ એનાલીસીસ કરી રૂા. ૬૬ હજાર પરત અપાવ્‍યા છે.
મળતી વિગત મુજબ રેસકોર્ષ રીંગ રોડ પર મેયર બંગલાની પાછળ આદર્શ સોસાયટી મેઇન રોડ પર સમ્રાટ એપાર્ટમેન્‍ટમાં રહેતા સ્‍ટેમ્‍પ વેન્‍ડર સચીનભાઇ નગીનભાઇ અનડકટ (ઉ.૪૩)ને એક અજાણ્‍યા શખ્‍સનો ફોન આવ્‍યો હતો. તેણે જણાવ્‍યું હતું કે, ‘હું વોડાફોન કસ્‍ટમર કેરમાંથી બોલુ છું. તમારી કેવાયસી અપડેટ કરવાની છે' તેમ કહ્યું હતું. બાદ તેણે મોબાઇલમાં પ્‍લેસ્‍ટોરમાં ‘કવીક સપોર્ટ' નામની એપ્‍લીકેશન ડાઉનલોડ કરાવી હતી. બાદ આ શખ્‍સે એપ્‍લીકેશન ડાઉનલોડ કરાવી તેના આધારે પોતાના એસબીઆઇ બેંક એકાઉન્‍ટના ઓટીપી નંબર મેળવી ખાતામાંથી રૂા. ૬૬૦૦૦ ટ્રાન્‍સફર કરી લીધા હતા.
સચીનભાઇને પોતાના ખાતામાંથી પૈસા ટ્રાન્‍ફર થયા હોવાનો મેસેજ આવતા પોતાની સાથે છેતરપીંડી થઇ હોવાની ખબર પડી હતી. બાદ તેણે તાકીદે સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં અરજી કરતા પીએસઆઇ જે.કે.જાડેજા સહિતે તપાસ હાથ ધરી હતી અને ટેકનીકલ એનાલીસીસ કરી છેતરપીંડીનો ભોગ બનનાર સચીનભાઇને રૂા. ૬૬ હજાર પરત અપાવ્‍યા હતા. આ કામગીરી પીએસઆઇ જે.કે.જાડેજા, હેડ કોન્‍સ. દિગ્‍વીજયસિંહ ઝાલા તથા કોન્‍સ. દિલીપભાઇ કુમારખાણીયા દ્વારા કરવામાં આવી હતી અને કોઇપણ બેંક મોબાઇલ ફોન દ્વારા કે ઓનલાઇન માહિતી માંગતી નથી જ્‍યારે પણ બેંકની માહિતી આપવાની થાય તો લોકોએ બેંકમાં રૂબરૂ જઇ માહિતી મેળવવા માટે પોલીસ દ્વારા અનુરોધ કરવામાં આવ્‍યો છે.

 

(3:27 pm IST)